મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં જોગેશ્વરી રેલવે ટર્મિનસના કામકાજના શ્રી ગણેશ થઈ ગયા છે, જે એક વર્ષમાં પૂરું થશે. લગભગ એક વર્ષમાં કામ પૂરું થયા પછી પ્રવાસીઓને લાંબા અંતરની ટ્રેનો પકડવામાં અસરકારક કનેક્ટિવિટી મળી શકશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો. પશ્ચિમ રેલવેમાં ચોથા રેલવે ટર્મિનસ અને મુંબઈમાં છઠ્ઠું રેલવે ટર્મિનસ બનાવવા માટે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરી છે. ટર્મિનસ રામ મંદિરની બાજુમાં હોવાથી પ્રવાસીઓ પગપાળા ટર્મિનસ સુધી પહોંચી શકે છે. પશ્ચિમ રેલવે પર રામ મંદિર રેલ્વે સ્ટેશન અને જોગેશ્વરી ટર્મિનસ વચ્ચેનું અંતર લગભગ ૫૦૦ મીટર છે.
રામ મંદિર વિરાર દિશામાં પગપાળા પુલના ઉતરાણના પગથિયાં જોગેશ્વરી ટર્મિનસ સાથે જોડવામાં આવશે. આનાથી સ્થાનિક પ્રવાસીઓ માટે રિક્ષા-ટેક્સી લીધા વિના ટર્મિનસ સુધી પહોંચવાનું શક્ય બનશે. નવા ટર્મિનસ પર ૨૪ કોચવાળી ટ્રેન ચલાવવા માટે સક્ષમ પ્લેટફોર્મ બનાવવામાં આવશે.
એક ટ્રેક ટ્રેનના પાર્કિંગ માટે અને બે ટ્રેક ટ્રેન ટ્રાફિક માટે હશે. ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ટુ બિલ્ડિંગ રેલવે કર્મચારીઓની ઓફિસો માટે હશે. સ્ટેશન બિલ્ડિંગ હોમ પ્લેટફોર્મ પર હશે. જાહેર પરિવહનની સુવિધા માટે ટર્મિનસ વિસ્તારમાં વાહનોની ખાસ વ્યવસ્થા છે. રાહદારી મુસાફરો માટે આરક્ષિત વિસ્તાર છે. ખાનગી વાહનો માટે અલગ પાર્કિંગની પણ વ્યવસ્થા હશે.
ભારતીય રેલ્વેમાં મેક ઇન ઇન્ડિયા લાઇન પર ૮ અને ૧૬ કોચવાળી વંદે ભારત ટ્રેનો દોડે છે અને સ્લીપર વંદે ભારત ચલાવવાની પણ યોજના છે. આ ટ્રેનોના પરિવહન અને પાર્કિંગ માટે નવા જોગેશ્વરી ટર્મિનસ પર વ્યવસ્થા કરવામાં આવશે. વંદે ભારત ટ્રેન માટે જોગેશ્વરી સાઇડિંગ ખાતે કાર શેડ બનાવવાની શક્યતા તપાસવી જોઈએ. રેલવે બોર્ડના અધિકારીઓએ પશ્ચિમ રેલવેને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની જાળવણી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને અપગ્રેડેશન માટે સ્થળ અને યોજનાનો વિગતવાર સર્વે કરવાની સલાહ આપી છે.
જોગેશ્વરી ટર્મિનસના નિર્માણમાં ૧૩ કોન્ટ્રાક્ટર સંકળાયેલા હતા. એક ખાનગી કંપનીની સ્ક્રુટિની બાદ નિમણૂક કરવામાં આવી છે. ટર્મિનસનું બાંધકામ ટર્મિનસ બાંધકામ અને વીજળીકરણ એમ બે તબક્કામાં કરવામાં આવશે. રેલવે બજેટમાં ફંડ ફાળવવામાં આવ્યું છે. જૂન, ૨૦૨૪ સુધીમાં આ ટર્મિનસ તૈયાર થયા પછી રેલ ટ્રાફિક માટે ખોલવામાં આવશે. ટર્મિનસ બનાવવા માટે ૭૬ કરોડનો ખર્ચ થવાની ધારણા છે. વેસ્ટર્ન રેલવેના અધિકારીએ કહ્યું હતું કે રેલવે બજેટમાં ફંડની જોગવાઈ કરવામાં આવી હતી.
મુંબઈમાં વર્તમાન ટર્મિનસ પૈકી મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, લોકમાન્ય તિલક ટર્મિનસ, જ્યારે પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ, બાંદ્રા ટર્મિનસ અને દાદર ટર્મિનસનો સમાવેશ થાય છે.