મુંબઈઃ ઝારખંડમાં આવેલા શ્રી સમેદ શિખરજી તીર્થક્ષેત્રને પર્યટનસ્થળ જાહેર કરીને તેની ગરિમાને ઠેસ પહોંચાડવાના વિરોધમાં જૈન સમાજે આજે મુંબઈમાં આંદોલન કર્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં આવેલા પાલિતાણા ખાતેના જૈન મંદિરમાં પણ તોડફોડની ઘટનાને પગલે જૈન સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
આજે મુંબઈના આઝાદ મેદાનમાં જૈનોએ મોટી સંખ્યામાં હાજર રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સવારથી જ આઝાદ મેદાનની આસપાસના રસ્તા બ્લોક કરીને અમારા તીર્થક્ષેત્રને મુક્ત કરવામાં આવે એવી માગણી આ વિરોધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવી હતી. આ મામલે દેશભરના જૈન સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તીર્થસ્થળને પર્યટનસ્થળ તરીકે જાહેર કરવાને કારણે તેની પવિત્રતા જોખમાશે. તીર્થસ્થળ તીર્થસ્થળ મટીને કમર્શિયલ પ્લેસ બની જશે એવો મત પણ આ વખતે વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રવિવારે નવી દિલ્હી ખાતે જૈન સમાજના લોકો દ્વારા ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીનો મોર્ચો કાઢવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિની મુલાકાત લઈને આંદોલનકારીઓ પોતાની માગણી તેમની સમક્ષ રજૂ કરવાના હતા, પરંતુ પોલીસે તેમને રસ્તામાં જ અટકાવી દીધા હતા. વિશ્વ જૈન સંઘઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ છ દિવસથી અનશન પર બેઠા હતા. ભાજપના સાંસદ મનોજ તિવારીએ તેમની મુલાકાલઈને ચર્ચા કરવાનું આશ્વાસન આપતા 15 દિવસ માટે આ અનશન સ્થગિત કરવામાં આવ્યું હતું.