મુંબઈઃ ભારે વરસાદને કારણે મુંબઈ-ગોવા હાઈવે પર પરશુરામ ઘાટ નજીક લેન્ડ સ્લાઈડ થયું હતું અને એને કારણે આ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. લેન્ડ સ્લાઈડના કારણે પરશુરામ ઘાટને વાહન-વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને એને કારણે ઘાટ સેક્શન પરના ટ્રાફિકને વૈકલ્પિક માર્ગે ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો.
છેલ્લાં કેટલાક દિવસોથી પરશુરામ ઘાટને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ માટે આ રૂટ ચોક્કસ દિવસો માટે બંધ રાખવામાં આવ્યો હતો. મુંબઈ-ગોવા હાઈવે ફોર લેન થઈ રહ્યો છે અને આ ફોર લેન રોડ હેઠળ પરશુરામ ઘાટમાં પહાડ કાપવાનું અને લેવલિંગનું કામ ચાલી રહ્યું છે. પરશુરામ ઘાટ પર ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે તંત્ર દ્વારા કામગીરી વધારી દેવામાં આવી છે અને ચોવીસ કલાક કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
જોકે ગઈકાલે રાતે અહીં પડેલા ભારે વરસાદને કારણે કાદવ સાથે ભેખડો રસ્તા પર આવી ગઈ હતી, જેને કારણે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જેસીબીની મદદથી કાટમાળને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણ હાથ ધરવામાં આવી છે અને થોડાક સમય માટે ટ્રાફિકને લોટે-ચિરણી-કલમબેસ્તે-ચિપલુણ માર્ગ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે જ્યારે પરશુરામ ઘાટમાં લેન્ડ સ્લાઈડની ઘટના બની હોય. પરશુરામ ઘાટ પણ આ પહેલાં પણ ભૂતકાળમાં અનેક વખત ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી હતી. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરશુરામ ઘાટ પર ચોમાસા દરમિયાન અવાર નવાર ભૂસ્ખલન થાય છે. જોકે, વરસાદની સિઝનને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ઘટના બની છે.