(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારી પાઈપલાઈનમાં અનેક વખત નિર્માણ થનારા પાણીના ગળતરને રોકવું અથવા દૂષિત પાણી કયાંથી પ્રવેશી રહ્યું છે તે શોધવું પડકારજનક કામ હોય છે. આ કામ સમયાંતરે થવું આવશ્યક હોવાથી મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા ખાતા દ્વારા પાઈપલાઈનના ગળતરનું ચોક્કસ ઠેકાણું શોધી કાઢવા માટે ‘ક્રાઉલર કૅમેરા’નો ઉપયોગ થાય છે. આ પ્રકારનો કૅમેરો પાલિકાના પાણીપુરવઠા ખાતા પાસે હતો પણ તે બગડી જતા પાલિકાએ હવે અત્યાધુનિક પદ્ધતિનો ‘ક્રાઉલર કૅમેરા’નો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. તે માટે તેની ખરીદીની પ્રક્રિયા અમલમાં મૂકી છે. પાઈપલાઈનના સમારકામના સમયમાં બચત થાય તે અનુસંધાનમાં ‘ક્રાઉલર કૅમેરા’ની ટૅક્નોલોજીનો ઉપયોગ કરવાનો પાલિકાએ નિર્ણય લીધો છે. ‘ક્રાઉલર કૅમેરા’નો ઉપયોગ કરવાથી નાગરિકોને પાણીપુરવઠો યોગ્ય સમયે કરવામાં મદદ મળશે. તેમ જ સમારકામમાં પાણીપુરવઠા ખાતાના સમયની બચત થશે એવો દાવો પાલિકાએ કર્યો છે.