નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા
દાન્તેના કેટલાક સમકાલીન સાહિત્યકારો જણાવે છે કે ૧૨૯૦માં બિત્રીસના મરણ પછી દાન્તેએ લગ્ન કર્યાં હતાં. પરંતુ એમાં સત્ય નથી. બિત્રીસનાં લગ્ન શ્રીમંત બેન્કર યુવાન સિમોન દી બરડી સાથે ૧૨૮૮માં થયાં હતાં.
દાન્તેએ કાવ્યસંગ્રહ ‘વીતા ન્યુ ઓવા’ (નવજીવન)માં બિત્રીસનું વાસ્તવિક નિરૂપણ કરીને કાવ્યમાં ભૌતિકતા આણીને વાચકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. એમાં દાંતેએ સ્વપ્નાની જે રજૂઆત કરી તે ભારતીય સંસ્કૃતિની નજરે વિકૃત લાગે છે.
સ્વપ્નમાં દાન્તેની નજરે એક દેવદૂત પડે છે. એ દેવદૂત એક ઊંઘતી રમણીય યુવતીને ઉપાડીને આવી રહ્યા છે. દેવદૂતના એક હાથમાં દાંતેનું હૃદય છે અને એ હૃદયમાંથી જવાળા નીકળી રહી છે. દેવદૂત ઊંઘતી યુવતીને જગાડે છે અને એ યુવતી બિત્રીસ છે. દેવદૂત બિત્રીસને દાન્તેનું સળગતું હૃદય ખાવા ફરમાવે છે અને બિત્રીસ ભયની મારી એ આદેશ માથે ચઢાવે છે. દેવદૂતની આંખોમાં આંસુ આવી જાય છે અને એ બિત્રીસને લઈને સ્વર્ગ-પ્રતિ પ્રયાણ કરે છે.
પાછલે પહોરે આ સ્વપ્નું આવ્યું અને સવારે ઊઠીને એ સ્વપ્નનું નિરૂપણ કરતું સોનેટ લખ્યું: ‘પ્રત્યેક કેદી આત્મા અને નાજુક હૈયાને.’ દાન્તેના પ્રેમ-નિરૂપણમાં નૂતનતા અને નાજુકતા છે. દાન્તે લખે છે: ‘સુંદરી જ્યારે માર્ગ પર થઈને પસાર થઈ રહી હોય છે ત્યારે એના હૈયાની ઓસરીએથી પ્રેમનો હિમા સમો વાયરો વાતો હોય છે અને અંતરની આરતને ઠારી નાખે છે.’ ‘વીતા ન્યુ ઓવા’માં કુલ ૩૧ કાવ્યો છે અને તેમાં ૨૫ સોનેટ, એક કથાકાવ્ય અને પાંચ ભાવગીતો છે.
મહાકાવ્ય ‘ડિવાઈન કોમેડી’નો પ્રારંભ દાન્તેએ ૧૩૦૭માં કર્યો હતો; પણ આગળ વધી શક્યા નહીં. હેન્રી સાતમાના મરણ પછી ૧૩૧૩માં ‘ડિવાઈન કોમેડી’નું કામ આગળ વધાર્યું. ‘ડિવાઈન કોમેડી’ એ ૧૪,૨૩૩ પંક્તિઓમાં લખાયેલું મહાકાવ્ય છે. એ ત્રણ વિભાગોમાં ૧૦૦ સર્ગોથી વહેંચાયેલું છે. દાન્તેએ એને શીર્ષક આપ્યું હતું: ઈજ્ઞળળયમશફ ઉફક્ષશિંત અહશલવયશિશ ઋહજ્ઞયિક્ષશિંક્ષશ ગફશિંજ્ઞક્ષય ગજ્ઞક્ષ ખજ્ઞશિબીત. દાન્તેના સમકાલીન સાહિત્યકાર બોકાસિયાએ ‘ડિવાઈન’ શબ્દ ઉમેર્યો હતો.
‘ડિવાઈન કોમેડી’માં દાન્તેએ એવી માન્યતા દર્શાવી છે કે પૃથ્વી સંપૂર્ણ ગોળ છે અને વીસ હજાર માઈલનો પરીઘ ધરાવે છે. અર્ધગોળાર્ધમાં યુરોપ આફ્રિકા અને એશિયા છે. અર્ધગોળાર્ધના કેન્દ્રમાં જેરૂસલેમ છે. પૂર્વ ગોળાર્ધમાં ગંગા નદી હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. દાન્તેની માન્યતા અનુસાર નર્ક પૃથ્વીના ભૂગર્ભમાં છે. નદી એશેરોન ઓળંગીને નર્કમાં પહોંચાય છે.
‘ડિવાઈન કોમેડી’એ આત્માની આત્મકથા છે અને એમાં ઊંડા અંધારેથી પરમ તેજભણી આત્માની તીર્થયાત્રા છે. દાન્તેએ નર્કમાં અને સ્વર્ગના પર્વત સુધી પહોંચવાનો કાલ્પનિક પ્રવાસ ‘ડિવાઈન કોમેડી’માં વર્ણવ્યો છે. ગાઢ અંધકારભર્યા ગીચ જંગલમાં સિંહ, ચિત્તા, વરૂ વચ્ચેથી દેવદૂત વર્જિલ દાન્તેને સત્યપથ પર દોરી જાય છે અને કૃપા-શુભેચ્છાની પરી બિત્રીસ આશીર્વાદ વરસાવે છે.
‘ડિવાઈન કોમેડી’ના ત્રણ વિભાગ ઈન્ફર્નો, પર્ગાતોરિયો અને પેરાડીસો છે. ઈન્ફનો એટલે નરક, પર્ગાતોરિયો એટલે પ્રાયશ્ર્ચિત અને પેરાડીસો એટલે સ્વર્ગ. પ્રાયશ્ર્ચિત્તના દ્વાર ઉપર પહોંચવા દાન્તેની માન્યતા અનુસાર વાસના, અકરાંતિયાપણું, લોભ-લાલસા, ઉડાઉપણું, આળસ, ક્રોધ, અદેખાઈ અને અભિમાન માટેેનાં સાત નર્ક સોપાન પાર કરવાં પડે છે.
‘ડિવાઈન કોમેડી’ની ગણના આજે વિશ્ર્વના પ્રાચીન અને દુર્લભ ગ્રંથોમાં થાય છે.
મુંબઈ આજે દહેજ વિરોધી આંદોલન ચલાવવામાં મોખરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પોર્તુગીઝ સત્તાવાળાઓએ આ મુંબઈ શહેર ઈ.સ. ૧૬૬૧માં ઈંગ્લેન્ડના રાજા ચાર્લ્સ બીજાનાં લગ્ન પોર્તુગીઝની શાહજાદી કેથેરીન બ્રાગાન્ઝા સાથે થતાં દહેજમાં આપવામાં આવ્યું હતું.
ઈ. સ. ૧૮૧૮માં છેલ્લા બાજીરાવ પેશ્ર્વાને હરાવીને અંગ્રેજોએ મહારાષ્ટ્ર-ગુજરાતનો પ્રદેશ લઈ લીધો અને મુંબઈને નવા રાજ્યનું પાટનગર બનવાની ઉજ્જવળ તક સાંપડી.
૧૮૪૦માં મુંબઈ ટાપુુનું ક્ષેત્રફળ માત્ર ૧૮ ચોરસ માઈલ હતું. દક્ષિણ મુંબઈનો કોટ વિસ્તાર અંગ્રેજોના કારોબાર-વ્યાપાર અને નિવાસસ્થાનનો મુખ્ય ભાગ હતો એપોલો બંદરથી બજારગેટ સુધી કોટની દીવાલ હતી. ફોર્ટ વિસ્તારને ‘વ્હાઈટ ટાઉન’ તરીકે ઓળખવામાં આવતો હતો ત્યારે કોટ વિસ્તારની બહારના વિસ્તાર ગિરગાંવ, પાયધુનીને ‘બ્લેક ટાઉન’ તરીકે ઓળખવામાં આવતા હતા.
ભારતીય વેપારીઓ અને અન્ય લોકો મુખ્યત્વે કોટની બહાર રહેતા હતા. હિંદુ અને પારસી વેપારીઓ પોતાના નિવાસસ્થાનના આગલા ખંડમાં જ પેઢી-ઑફિસ ચલાવતા હતા. ઘણા ગુજરાતી વેપારીઓ પોતાના પરિવારને ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાખતા હતા અને પોતે ત્યાં જતા-આવતા રહેતા; પણ પરિવારને મુંબઈ લાવતા ન હતા.
યુરોપિયનો અત્યારે જ્યાં હોર્નિમેન સર્કલ છે ત્યાં ૧૫ એકરની ઉઘાડી જગ્યામાં સાંજે ફરવા નીકળતા હતા. એ મેદાનમાં લીલું ઘાસ ઊગેલું રહેતું હોવાથી એને ‘બોમ્બે ગ્રીન’ તરીકે ઓળખતા હતા.
વણકરો મુખ્યત્વે ભાયખલા અને બાબુલા ટેન્ક વિસ્તારમાં રહેતા હતા. સુથારો ખેતવાડીમાં રહેતા હતા અને કરિયાણાના વેપારીઓ માંડવી ખાતે રહેતા હતા. માંડવી ખાતે કરિયાણા ઉપર સોના-ચાંદીની બજાર હતી. પાયધુની ખાતે કંસારાઓ રહેતા હતા.
બજાર ગેટ સ્ટ્રીટ ત્યારે હિંદુ શરાફની પેઢીઓ માટે જાણીતી હતી.
૧૮૫૦માં મુંબઈમાં ૧,૧૯૦ નાળિયેરીનાં ઝાડો, ૮૫૦ ખજૂરીનાં ઝાડો અને ૧૨૫૦ અન્ય વિવિધ વૃક્ષો હતાં. નાળિયેરી અને ખજૂરીનાં ઝાડોમાંથી ભંડારીઓ તાડી મેળવતા હતા અને આ બે ઝાડોએ વરસ દહાડે રૂા. ૪,૧૪,૦૦૦નું ઉત્પાદન આપ્યું હતું. મુંબઈમાં ડાંગરનાં ખેતરોમાંથી વાર્ષિક ઉત્પાદન રૂા. ૫૮,૦૦૦નું થતું હતું.
મુંબઈમાં ૧૮૪૦-૧૮૫૦ દાયકામાં અફીણ, તંબાકુ, મીઠું વગેરેની દાણચોરી થતી હતી અને વરસ દહાડે લગભગ રૂા. ૨૦ લાખની દાણચોરી થતી હતી. દાણચોરી કરનારી ટોળકીને ‘બંદર ગેજી’ તરીકે ઓળખવામાં આવતી હતી. આ દાણચોરોને જેર કરવા ૧૮૫૧માં પ્રીવેન્ટિવ સર્વિસ નામે નવો વિભાગ સ્થાપવામાં આવ્યો હતો.
તે જમાનામાં પણ વધુ પડતી એફ. એસ. આઈ. વાપરી અનઅધિકૃત બાંધકામ મુંબઈમાં થતાં હતાં. મુંબઈના શાહ સોદાગરે અત્યારની જહાંગીર આર્ટ ગેલેરી સામેની જગ્યા કે જે ‘છફળાફિિં છજ્ઞૂ’ તરીકે ત્યારે ઓળખાતી હતી ત્યારે ત્યાં અનઅધિકૃત બાંધકામ કર્યું હતું.
આ જમીન સર જમશેદજીએ ૧૮૫૧માં હોરમસજી ખરશેદજીની વિધવા મહેરબાઈ પાસેથી ખરીદી હતી. (ક્રમશ:)ઉ