(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મુંબઈગરાને ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થયો છે. મુંબઈના લોકોએ આજે સિઝનના સૌથી ઠંડા દિવસનો અનુભવ કર્યો હતો, કારણ કે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી ઓછું 16 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. ડિસેમ્બરમાં આ અત્યાર સુધીની સૌથી ઠંડી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્તાહના અંતમાં તાપમાનનો પારો વધુ નીચે જવાની ધારણા છે. ગયા વર્ષે 29 ડિસેમ્બરે શહેરમાં લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં ઠંડીનું જોર રહેશે એવો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો હતો. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન ઔરંગાબાદમાં ૧૧.૦ ડિગ્રી જેટલું નોંધાયું હતું.
મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી ભારે ગરમી અને ઉકળાટ રહ્યો હતો. શિયાળાની મોસમમાં ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે મુંબઈમાં ઠંડી પડતી હોય છે, પરંતુ મુંબઈમાં ૧૬ ડિસેમ્બરે ૩૫.૬ ડિગ્રી અને ૧૭ ડિસેમ્બરે ૩૫.૯ ડિગ્રી સાથે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતું. મહારાષ્ટ્રના પણ અનેક જિલ્લામાં ડિસેમ્બરમાં કડકડતી ઠંડીને બદલે ગરમી પડી રહી હતી. જોકે હવે ગરમી અને ઉકળાટથી છુટકારો થયો છે.
મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ફરી ઠંડીનું આગમન થયું છે. દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા. તેથી મુંબઈગરાને ફરી શાલ-સ્વેટર કબાટમાંથી બહાર કાઢવા પડવાના છે. શુક્રવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૯.૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૨.૩ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કોલાબામાં લઘુતમ તાપમાન ૨૧.૨ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૦.૨ ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું.
હવામાન ખાતાના કહેવા મુજબ છેલ્લા થોડા દિવસ દરમિયાન મુંબઈમાં અગ્નિ દિશામાંથી ગરમ પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઈ રહ્યા હતા, તેથી દિવસનું તાપમાન વધી જતું હતું. હવે જોકે પવનોની દિશા બદલાઈ ગઈ છે. પવનો હવે ઈશાન દિશામાંથી ફૂંકાઈ રહ્યા છે. એ સાથે જ ઉત્તર ભારતમાં હાલ ઠંડી પડી રહી છે, તેની અસર પણ મુંબઈ સહિત મહારાષ્ટ્રને જણાઈ રહી છે. આગામી દિવસોમાં ક્રિસમસ દરમિયાન મુંબઈમાં આવી જ ફૂલગુલાબી ઠંડી રહેવાનો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે.
સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી ઔરંગાબાદમાં રહી હતી. અહીં ૧૧.૦ ડિગ્રી જેટલું નીચું તાપમાન રહ્યું હતું. જ્યારે હિલ સ્ટેશન મહાબળેશ્ર્વર ૧૫.૩ ડિગ્રી અને માથેરાનમાં ૨૦.૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સોલાપુરમાં ૧૬.૩ ડિગ્રી, સાતારામાં ૧૩.૫ ડિગ્રી, પુણેમાં ૧૨.૫ ડિગ્રી, કોલ્હાપુરમાં ૧૭.૧ ડિગ્રી, પરભણીમાં ૧૩.૬ ડિગ્રી, નાંદેડમાં ૧૫.૦ ડિગ્રી, જાલનામાં ૧૪.૦ ડિગ્રી, નાશિકમાં ૧૩.૦ ડિગ્રી, જળગાંવમાં ૧૩.૨ ડિગ્રી, બારામતીમાં ૧૨.૪ ડિગ્રી નોંધાયું હતું.
દરમિયાનમાં મુંબઈમાં છેલ્લા છ-સાત દિવસથી હવાની ગુણવત્તામાં ખાસ્સો એવો સુધારો થયો હતો. જોકે, બે દિવસથી મુંબઈની હવાની ગુણવત્તા ફરી કથળી છે. શુક્રવારે મુંબઈનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ૩૦૬ જેટલો ઊંચો નોંધાયો હતો. ઠંડી વધવાની સાથે જ આગામી દિવસમાં હવાની ગુણવત્તા કદાચ ફરી કથળે એવું માનવામાં આવે છે. શુક્રવારે કોલાબામાં એક્યુઆઈ ૨૦૧, મઝગાંવમાં ૩૪૮, ચેંબુરમાં ૩૪૪, બીકેસીમાં ૩૯૩, અંધેરીમાં ૩૨૪, ભાંડુપમાં ૨૦૮, મલાડમાં ૨૬૬ જેટલો ઊંચો એક્યુઆઈ નોંધાયો હતો.