મુંબઈ: કેન્દ્રીય રેલવે મંત્રાલય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બૂલેટ ટ્રેનના પ્રકલ્પને સાકાર કરવા માટે મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે, જેમાં જમીન સંપાદનથી લઈને મુંબઈના સ્ટેશનનો સિવિલ વર્કથી લઈ અન્ય કામકાજનો સમાવેશ થાય છે. મુંબઈના સ્ટેશનોને આધુનિક બનાવવાની સાથે સ્માર્ટ બનાવવામાં આવશે. ગયા અઠવાડિયા દરમિયાન હાઉસિંગ એન્ડ અબર્ન મિનિસ્ટ્રી અફેર્સ અને રેલવે મંત્રાલય અને જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીની વચ્ચે મુંબઈના બુલેટ ટ્રેનના સ્ટેશનોને સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત ડેવલપ કરવા કરાર કરવામાં આવ્યા હતા. મુંબઈના રેલવે સ્ટેશનમાં વિરાર અને થાણે સ્ટેશનનો સમાવેશ થાય છે, જ્યારે ગુજરાતના સાબરમતી અને સુરત સ્ટેશનનો સમાવેશ છે.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ્વે (બુલેટ ટ્રેન)ના સ્ટેશનો ‘સ્માર્ટ’ બનાવવા જઈ રહ્યા છે. આ અંતર્ગત સ્ટેશનોની આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. આ સંદર્ભે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ના કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
મુંબઈથી અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટને પૂરો કરવા માટે નોડલ એજન્સી નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કંપની લિમિટેડ (NHSRCL) સક્રિયપણે કામકાજ કરી રહી છે. એનએચએસઆરસીએલએ જાપાન ઇન્વેસ્ટમેન્ટ એજન્સી (JICA) સાથે મળીને રૂ. 1.08 લાખ કરોડના ખર્ચે બુલેટ ટ્રેન માટે રૂટનું નિર્માણ કરી રહી છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ આ 508 કિમીના રૂટ પર 12 સ્ટેશન છે, જેમાંથી બીકેસી, થાણે, વિરાર અને બોઈસર એમ ચાર સ્ટેશન મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રના કોરિડોરની લંબાઈ 156 કિમી છે. આ સ્ટેશન વિસ્તારોનો વિકાસ રાજ્ય સરકાર અને નગરપાલિકાઓના સહયોગથી કરવામાં આવશે, જેમાં એમએમઆરડીએની મહત્વની ભૂમિકા ભજવશે.
એમએમઆરડીએડીના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર આ સ્ટેશન વિસ્તારોનો વિકાસ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની ‘સ્માર્ટ’ પહેલ હેઠળ કરવામાં આવશે. શહેરી બાબતોના મંત્રાલય, ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ ઓર્ગેનાઈઝેશન (ટીસીપીઓ), મુંબઈ રેલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, NHSRCL, રાજ્ય સરકાર, MMARDA, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન, વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન, એમ્બેસી ઑફ જાપાન, JICA હેડક્વાર્ટર, JICA ઈન્ડિયા ઑફિસના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા.
અહીંની બેઠકમાં સાબરમતી, સુરત, વિરાર અને થાણેની આસપાસના સ્ટેશનોના વિકાસ માટે મોડેલ પ્લાનિંગ તરીકે જાપાનમાં સ્ટેશનો માટે અપનાવવામાં આવેલા અનુભવો અને પ્રથાઓની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ચાર સ્ટેશન પરિસરનો વિકાસ કરીને પ્રોજેક્ટનો સંપૂર્ણ નાણાકીય લાભ મેળવવા અને સ્ટેશનને સર્ક્યુલેશન હબ તરીકે વિકસાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ સ્ટેશનનો વિકાસ પ્રથમ સ્ટેશન બીકેસીથી શરૂ થશે, તેથી આમાં એમએમઆરડીએની ભૂમિકા મહત્વની રહેશે.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (એમએચએસઆર) દ્વારા દેશના બે મહાનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવટી ઊભી કરશે, જે દેશની પહેલી હાઈ સ્પીડ ટ્રેન હશે. હાલના સાડા છ કલાકના બદલે બે કલાકમાં મુંબઈથી અમદાવાદ પહોંચી શકાશે. મુંબઈથી અમદાવાદ વચ્ચે 12 સ્ટેશન ડેવલપ કરવામાં આવશે.
કેટલા સ્ટેશન હશે?
12 સ્ટેશન હશે, જેમાં બીકેસી, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતીનો સમાવેશ થાય છે.
કેટલો સમય લાગશે?
બૂલેટ ટ્રેનની સ્પીડ કલાકના 350 કિલોમીટરની ઝડપ હશે, જે મુંબઈથી અમદાવાદ વચ્ચે મિનિમમ બેથી ત્રણ કલાકનો સમય લેશે.
પેસેન્જરની ક્ષમતા?
બૂલેટ ટ્રેનમાં પેસેન્જર કેપેસિટી 731 હશે.
કેટલી ટ્રેનની સર્વિસ હશે?
મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ વચ્ચે સિંગલ સાઈડ (પીક અવર્સ)માં દર 20 મિનિટે એક ટ્રેનની ફ્રિકવન્સી હશે, જ્યારે નોન-પીક અવર્સમાં અડધો કલાકમાં હશે.
ટ્રેનની સ્પીડ કેટલી હશે?
મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેનની કલાકના 320 કિલોમીટરની ઝડપ હશે, જ્યારે 12 સ્ટેશન સહિત કુલ 508 કિલોમીટરનું અંતર ત્રણ કલાકથી ઓછા સમય કાપશે.
પ્રોજેક્ટની ડેડલાઈન?
મૂળ 1.1 લાખ કરોડ રુપિયાના બૂલેટ ટ્રેનના પ્રોજેક્ટને 26મી ઓગસ્ટ, 2026માં ચાલુ કરવાની યોજના છે, જેમાં એટ લિસ્ટ પહેલો કોરિડોર ચાલુ થશે.