‘ચલો ઍપ’ પર ટિકિટ કાઢો, ૨૦થી ૩૪ ટકા છૂટ મેળવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘ચલો ઍપ’ પર પ્રવાસીઓનો પ્રતિસાદ વધી રહ્યો છે અને ૩૦ લાખથી વધુ પ્રવાસીઓએ ‘ચલો ઍપ’ ડાઉનલોડ કરી છે. ત્યારે હવે બેસ્ટ ઉપક્રમ મુંબઈગરા માટે નવો ‘સુપર સેવર’ પ્લાન લઈને આવી છે. ‘ચલો ઍપ’ ડાઉનલોડ કરીને ટિકિટ કઢાવનારાને ૨૦થી ૪૦ ટકા છૂટ આપવામાં આવી રહી છે. બેસ્ટ ઉપક્રમની આ સ્પેશિયલ ‘સુપર સેવર’ પ્લાનને કારણે પ્રવાસીઓના પૈસાની પણ બચત થશે.
લાંબાગાળા અગાઉ બેસ્ટની ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. મિનિમમ ટિકિટના દર પાંચ રૂપિયાનો તો એસી બસ માટે મિનિમમ છ રૂપિયાની ટિકિટ છે. હવે બેસ્ટની ‘ચલો ઍપ’ અને ‘ચલો કાર્ડ’ વાપરનારા માટે ‘સુપર સેવર’નો પ્લાન લાવવામાં આવ્યો છે. ‘ચલો ઍપ’ અને ‘ચલો કાર્ડ’ વાપરનારાને ટિકિટ પર ઓછામાં ઓછું ૨૦ અને વધુમાં વધુ ૩૪ ટકા રાહત આપવામાં આવવાની છે.
‘સુપર સેવર’ યોજના હેઠળ સાત દિવસમાં ૧૫ ફેરીની સેવા મળશે, ૨૮ દિવસમાં ૬૦ ફેરીની સેવા મળશે અને ૮૪ દિવસ માટે ૫૦ ફેરીની સુવિધા મળશે. ૧૪ દિવસમાં ૫૦ ટ્રિપ અને ૮૪ દિવસમાં ૨૦ ટ્રિપ જેવી યોજનાઓ છે.
પહેલી ડિસમ્બર, ૨૦૨૨થી આ યોજના ચાલુ થઈ રહી છે. હાલ ૩૦ લાખ પ્રવાસીઓ બેસ્ટની ‘ચલો ઍપ’નો ઉપયોગ કરે છે. તો દિવસના પાંચ લાખ લોકો ડિજિટલ ટિકિટ સિસ્ટમનો લાભ છે. આ નવી યોજનાને કારણે બેસ્ટના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે એવો અંદાજ છે.
આવી રીતે ‘સુપર સેવર’ પ્લાનનો કરો ઉપયોગ
બેસ્ટની ‘ચલો ઍપ’માં બસ પાસ સેકશનમાં આ પ્લાન છે. પોતાની પસંદગી મુજબનો પ્લાન પસંદ કરીને પોતાની માહિતી ભરી ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ પ્લાન ખરીદી શકાશે. બેસ્ટની બસમાં ચઢ્યા બાદ ‘સ્ટાર્ટ એ ટ્રિપ’ પર ક્લિક કરો. ત્યારબાદ ફોન દ્વારા ટિકિટ મશીન પર વેલિડેટ કરો. વેલિડેશન થયા બાદ કંડકટર પાસેથી ડિજિટલ ટિકિટ મેળવો.