મુંબઈઃ મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળતાં મુંબઈ પોલીસ એકદમ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. ઈન્ડિયન મુજાહિદ્દીન નામના આતંકી સંગઠનનો ધમકીભર્યો કોલ એરપોર્ટના ફોન પર આવ્યો હતો, જેને કારણે ત્યારે મુંબઈ પોલીસ સહિત અન્ય સિક્યોરિટી એજન્સી હાઈ એલર્ટ મોડ પર એક્ટિવ થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ એરપોર્ટના ફોન પર આ ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ ઈરફાન અહમદ શેખ હોવાનું જણાવ્યું હતું. તેણે ફોન પર જણાવ્યું હતું કે તે ઈન્ડિયન મુજાહિદ્દીન નામના આતંકી સંગઠનનો સભ્ય છે અને ત્યાર બાદ કોડ વર્ડનો ઉપયોગ કરીને શંકાસ્પદ વસ્તુઓની માહિતી આપી હતી, પરંતુ કોલ ઉઠાવનાર વ્યક્તિ આ વાતને સમજવામાં અસક્ષમ રહી હતી.
એરપોર્ટ દ્વારા આ બાબતની જાણ મુંબઈ પોલીસને કરવામાં આવી હતી. આ માહિતી મળ્યા બાદ તમામ એરપોર્ટની એજન્સીઓને ચેતવણી આપવામાં આવી હતી. કોલ આવ્યા બાદ પોલીસે અજાણ્યા શખ્સ સામે આઈપીસીની કલમ 505 (1) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પહેલા ત્રીજી ફેબ્રુઆરીએ કેરળની એક મહિલાએ બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. કોર્ટે આ મહિલાને 11 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ફટકારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મહિલા બેંગલુરુથી કોલકાતા જઈ રહી હતી. તેણે ઈન્ડિગોની ફ્લાઈટ માટે ટિકિટ બુક કરાવી હતી. એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ દરમિયાન, તેણીએ અધિકારીઓ સાથે દલીલ કરી હતી, જેના પછી તેણીએ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપી હતી. તેમણે એમ પણ કહ્યું ન હતું કે એરપોર્ટ પર બોમ્બ હતો.