મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બીજી મેના સવારે ૧૧ વાગ્યાથી કરીને સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. મુંબઈ એરપોર્ટના રન વે આરડબલ્યુવાય ૦૯/૨૭ અને ૧૪/૩૨ ઉપર રિપેરિંગનું કામ કરવામાં આવવાનું હોવાથી છ કલાક માટે વિમાનોની અવરજવર પર અસર થશે.
આ એક સામાન્ય બાબત છે અને ચોમાસા પૂર્વેની જાળવણી માટે આ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. ઉતારુઓની સલામતી અને વિમાનોની અવરજવર આસાનીથી થઈ શકે એ માટે દર વર્ષે આ ક્વાયત હાથ ધરવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (સીએસએમઆઈએ) પરથી દરરોજ ૯૦૦ જેટલી ફલાઈટની અવરજવર હોય છે. આ એરપોર્ટ પરના રન વે, ટૅક્સી વે અને એપ્રન્સ લગભગ ૧,૦૩૩ એકરમાં ફેલાયેલા છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈનું આ એકમાત્ર વિમાનમથક છે, જ્યાંથી
સરેરાશ એક કરોડ લોકોની આવનજાવન થાય છે. દરરોજ આ વિમાનમથકોથી ઉપડનારા કે આવનારા વિમાનોને કારણે રન વે પરના માઈક્રોટેક્ષ્ચર અને મેક્રોટેક્ષ્ચરને નુકસાન થતું હોય છે, એ ચોમાસા પહેલાં સમથળ કરવાની આ વાર્ષિક ક્વાયત છે અને તેમાં એર-સ્ટ્રીપને મજબૂત બનાવવામાં આવે છે.
રન વેની જાળવણીનું કાર્ય સીએસએમઆઈએ અને તેની સાથે સંકળાયેલી એરલાઈન્સો અને ઉડ્ડયન સત્તાવાળાઓ સાથે મળીને કરવામાં આવે છે.