(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો ૧૫ ડિગ્રીની આસપાસ નોંધાતા મુંબઈગરાએ ઠંડીનો અનુભવ કર્યો હતો. હવામાન ખાતાના કહેવા મુજબ આગામી દિવસમાં ઠંડીનું જોર વધશે. ઠંડી વધવાની સાથે જ જોકે મુંબઈની હવાની ગુણવત્તા કથળી ગઈ હતી. મુંબઈનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૩૨ નોંધાયો હતો.
મુંબઈ સહિત રાજ્યમાં તાપમાનનો પારો નીચે ઊતરી રહ્યો છે. છ જાન્યુઆરી બાદ રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે, ત્યારે રાજ્યમાં સૌથી નીચું તાપમાન ઔરંગાબાદમાં ૯.૪ ડિગ્રી જેટલુ નોંધાયું હતું. તો મુંબઈમાં પણ સતત બીજા દિવસે તાપમાનનો પારો નીચો રહ્યો હતો.
હવામાન ખાતાના કહેવા મુજબ સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫.૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૨.૪ ડિગ્રી રહ્યું હતું. તો કોલાબામાં લઘુતમ તાપમાનનો પારો ૧૮.૮ ડિગ્રી અને મહત્તમ તાપમાનનો પારો ૩૦.૪ ડિગ્રી રહ્યો હતો. હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૧૪.૨ ડિગ્રી અને નાશિકમાં ૧૦.૨ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું.
મુંબઈમાં ઠંડી વધવાની સાથે જ હવાની ગુણવત્તા કથળી ગઈ હતી. મુંબઈનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૩૨ રહ્યો હતો. જ્યારે નવી મુંબઈનો એક્યુઆઈ ૩૫૨ જેટલો ઊંચો રહ્યો હતો. મુંબઈના ચેંબુરમાં સૌથી વધુ પ્રદૂષણ રહ્યું હતું અને એક્યુઆઈ ૩૧૦ જેટલો ઊંચો રહ્યો હતો. જ્યારે મઝગાંવમાં ૨૯૭, મલાડમાં ૨૮૩ અને અંધેરીમાં એક્યુઆઈ ૨૫૬ જેટલો ઊંચો નોંધાયો હતો.