(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિયાળાના આગમનની સાથે જ મુંબઈની હવાની ગુણવત્તા પણ ઘસરી રહી છે. શનિવારે આખો દિવસ વાતાવરણ ધુમ્મસિયું રહ્યું હતું અને હવાની ગુણવત્તા પણ નબળી રહી હતી. દિવસ દરમિયાન ઍર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ૨૩૨ જેટલો ઊંચો રહ્યો હતો. તો મુંબઈના જુદા જુદા વિસ્તારમાં સૌથી ઊંચો એક્યુઆઈ મલાડમાં રહ્યો હતો.
મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં ભારે માત્રામાં પ્રદૂષણ જણાઈ રહ્યું છે. શનિવારે દિવસ દરમિયાન વાતાવરણ ધુમ્મસિયું રહ્યું હતું અને સૂર્યનારાયણના દર્શન પણ થયા નહોતા. આખો દિવસ ધુમ્મસિયા વાતાવરણને કારણે વિઝિબિલિટી પણ ઓછી જણાઈ હતી.
મુંબઈનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૩૨ રહ્યો હતો. તો મુંબઈમાં સૌથી વધુ પ્રદૂષિત વાતાવરણ મલાડમાં રહ્યું હતું. મલાડમાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૨૬ જેટલો ઊંચો રહ્યો હતો. આ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધુ રહ્યું હતું. ત્યાર બાદ કોલાબામાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૧૬, ચેંબુરમાં ૩૦૦, ભાંડુપમાં ૨૩૫, અંધેરીમાં ૨૪૨, બીકેસીમાં ૨૨૮, વરલીમાં ૨૦૧ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો.