રિવર બ્રિજનું કામ 70 ટકા પૂરું, મહારાષ્ટ્રમાં 98 ટકા જમીન સંપાદન પૂરું
મુંબઈઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાના કામકાજમાં એકંદરે સુપરસ્પીડ આવી છે. મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની યોજના અંતર્ગત રિવર બ્રિજનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં 70 ટકાથી વધુ કામકાજ પૂરું કરવામાં આવ્યું હતું.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 384.04 કિલોમીટરનો હિસ્સો ગુજરાતમાં છે, જ્યારે 155.76 કિલોમીટરનો હિસ્સો મહારાષ્ટ્રમાં આવેલો છે અને દાદરા નગર હવેલીમાં 4.3 કિલોમીટરનો હિસ્સો છે. ગુજરાત અને દાદરા નગર હવેલી મળીને 100 ટકા સિવિલ કામકાજ પૂરું થઈ ગયું છે. મુંબઈમાં થાણેને બાદ રાખતા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં બુલેટ ટ્રેનનો કોરિડોર સંપૂર્ણ એલિવેટેડ છે, જે અંતર્ગત મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ નજીક વલસાડમાં નદી પરના બ્રિજનું કામકાજ 70 ટકા પૂરું થઈ ગયું છે. નર્મદા, તાપી, માહી અને સાબરમતી વગેરે મહત્ત્વપૂર્ણ નદીઓ પર બ્રિજ બનાવવાનું કામકાજ પણ પ્રગતિના પંથે છે.
આ યોજના અન્વયેનો પહેલો બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે નદી પરનો બ્રિજ લગભગ 320 મીટર પહોળો અને પિયર્સની ઊંચાઈ 14.9 મીટરથી 20.9 મીટરની છે, જ્યારે પીયર્સનો વ્યાસ ચારથી પાંચ મીટરનો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બીકેસીથી શિળફાટા સુધી ટનલ
મહારાષ્ટ્ર રાજ્યમાં નવી સરકારના ગઠન પછી ઈન્ફ્રાસ્ટ્રકચરના કામકાજમાં સૌથી ઝડપ આવી છે, જેમાં 98 ટકાથી વધારે જમીન સંપાદનનું કામકાજ પૂરું થયું છે. બુલેટ ટ્રેન માટે બીકેસીથી થાણેના શિળફાટા સુધી 21 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ કરવામાં આવશે. હાલના તબક્કે બીકેસીમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું કામકાજ ચાલુ થયું છે. ઉપરાંત, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે લાઈનના નિર્માણ માટે ટીબીએમ (ટનલ બોરિંગ મશીન) અને ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (એનએટીએમ)નો ઉપયોગ કરીને સાત કિલોમીટરની અંડર ટનલ બનાવવામાં આવશે. આ ટનલ જમીનથી નીચે 25થી 65 મીટર ઊંડે છે અને સૌથી વધારે નીચે શિળફાટા નજીકના પરાસિક પહાડીથી 114 મીટર નીચે હશે અને એનું કામકાજ ટૂંક સમયમાં શરુ થશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.