મુંબઇગરા જરા સાચવીને. એક તરફ કોવિડ 19, એક તરફ H1N1 અને સાથે સાથે H3N2ના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. મુંબઇ મહાનગરપાલિકા દ્વારા મળતી માહીતી માહિતી મુજબ ગુરુવારે અલગ અલગ ઇન્ફેક્શનને કારણે 32 દર્દીઓને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 દર્દીઓનો H3N2 રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બાકીના 28 H1N1 પોઝીટીવ હોવાની જાણકારી મળી હતી. તમામ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સામાન્ય છે.
પાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુંબઇમાં અલગ અલગ ઇન્ફેકશનના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ભાયખલા, મઝગાવ, તાડદેવ, ગીરગામ, વાલ્કેશ્વર, પરેલ, સિવરી, માટુંગા, સાયન, વર્લી, લોઅર પરેલ, ધારાવી અને શિવાજી પાર્ક આ વિસ્તારો હાલમાં હાઇ રિસ્ક પર છે. કરાણ કે આ વિસ્તારોમાંથી ઇન્ફ્લ્યુએન્ઝાના સૌથી વધુ કેસ નોંધાયા છે.
પાલિકા દ્વારા આવા રોગનો પેલાવો અટકાવવા માટે તત્કાળ પગલા હાથ ધરવામાં આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે જણાવ્યું હતું કે અત્યાર સુધી રાજ્યમાં H3N2 ના 352 કેસ નોંધાયા છે.
એક વેબ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ સાવંતે વધુમાં જણાવ્યું હતું કે, ‘H3N2થી ગભરાવાની જરુર નથી તેની સારવાર શક્ય છે. જો યોગ્ય અને સમસર સારવાર મળે તો દર્દી સાજો થઇ શકે છે.’ તેમણે ઉમેર્યુ કે ‘ઇન્ફ્લ્યુએન્ઝાને કારણે રાજ્યમાં બે મૃત્યુ થયા છે. જેમાં અહેમદનગરનો એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો 23 વર્ષિય વિદ્યાર્થી જે કોવિડ 19 પોઝીટીવ હતો સાથે સાથે તેને H1N1 અને H3N2નું પણ ઇન્ફેક્શન હતું. ઉપરાંત નાગપુરના 74 વર્ષના વૃદ્ધ પણ H3N2 ને કારણે મૃત્યુ પામ્યા હતા.