હેડિંગ વાંચીને જરા પણ ગૂંચવાઈ જવાની જરૂર નથી. અહીં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના કર્મચારી મનોજ મોદીની વાત થઈ રહી છે, નહીં પીએમ નરેન્દ્ર મોદીની… અત્યારે મોટા ભાગની કંપનીઓમાં ઇન્ક્રીમેન્ટ-એપ્રેઝલ ટાઈમ ચાલી રહ્યો છે અને જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે, તેમ તેમ એમ્પ્લોયીની પગાર વધારાની આશા વધુને વધુ બળવતર થતી જઈ રહી છે, આ બધા વચ્ચે તમે પણ જો નોકરી કરતાં હશો તો પગારમાં વધારાની અપેક્ષા રાખતા જ હશો નહીં?
હવે તમે જ વિચારો કે જો તમારી કંપનીનો માલિક કે બોસ તમને પગાર વધારાને બદલે આલીશાન ઘર જ ભેટમાં આપી દે તો? આ સવાલ સાંભળીને કદાચ શરૂઆતમાં તો તમને તમારા નસીબ પર વિશ્વાસ નહીં થાય, પણ આવું હકીકતમાં બન્યું છે. એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ઉદારતાથી તેમના સૌથી જૂના કર્મચારી અને મિત્ર મનોજ મોદીને 1500 કરોડની કિંમતની 22 માળની આલીશાન ઇમારત જ ભેટમાં આપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘર મુંબઈમાં પ્રીમિયમ લોકેશન પર છે.
અંબાણીના આ પગલા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ માત્ર એક મોટા બિઝનેસમેન જ નહીં પણ તેમનું દિલ પણ એટલું જ વિશાળ છે. મનોજ મોદીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એમડી મુકેશ અંબાણીની ખૂબ નજીક છે અને કંપનીની પ્રગતિમાં તેમનો સિંહફાળો છે. મુકેશ અંબાણીએ મનોજ મોદીને ભેટમાં આપેલી 22 માળની ઈમારત મુંબઈમાં પ્રીમિયમ સ્થાન પર છે. આ પ્રોપર્ટી મુંબઈમાં નેપિયન સી રોડ પર આવેલી છે અને તેનું નામ વૃંદાવન છે.
મનોજ મોદી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના ડિરેક્ટર તરીકે લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે. મુકેશ અંબાણીના નજીકના લોકોમાં મનોજ મોદીની ગણતરી થાય છે. રિલાયન્સના તમામ બિઝનેસ એગ્રીમેન્ટ પાછળ મનોજ મોદીનો હાથ છે. મુકેશ અંબાણીએ ભેટમાં આપેલી ઇમારત 1.7 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલી છે.
લાઈમલાઈટથી દૂર રહેતા મનોજ મોદી કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ એક્ટિવ નથી. તેઓ હજીરા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ, જામનગર રિફાઈનરી, ટેલિકોમ બિઝનેસ, રિલાયન્સ રિટેલ વગેરે જેવા મોટા ભાગના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે.