ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
જે ધનાઢ્ય ઉદ્યોગપતિની દીકરી હોય, મશહૂર વૈજ્ઞાનિકની બહેન હોય, લખલૂટ સંપત્તિના સમુદ્રની છોળો વચ્ચે મહાલતી હોય એવી એક ગરવી ગુજરાતણ જેણે દોમદોમ સાહ્યબીનો ત્યાગ કરીને આઝાદીની લડતના દુષ્કર માર્ગ પર ચાલવાનું પસંદ કર્યું અને મહાત્મા ગાંધીજીએ એને ‘મીરા’ નામ આપીને પોતાની પુત્રી તરીકે ઓળખાવી… બોલો, એ કોણ છે?
એમનું નામ મૃદુલા સારાભાઇ. અમદાવાદમાં ૬ મે ૧૯૧૧ના જન્મ. પિતા અંબાલાલ સારાભાઇ. માતા સરલાદેવી. વૈજ્ઞાનિક ભાઈ વિક્રમ સારાભાઇ. ગર્ભશ્રીમંત કુટુંબ. અંબાલાલ સારાભાઇ પરિવારની પરંપરાગતપણે ઉદ્યોગના ક્ષેત્રે નામના હતી. અંબાલાલ કેલિકો મિલના માલિક હતા. ગુજરાતની જ નહીં, દેશની પ્રથમ પંક્તિની કાપડ મિલ બનાવી એમણે કેલિકોને. સરલાદેવી રાજકોટના પ્રતિષ્ઠિત વકીલ હરિલાલ ગૌશાલિયાની દીકરી હતાં. ઘરમાં નોકરચાકરોની ફોજ હતી. સમૃદ્ધિનો સાગર હિલોળે ચડેલો સારાભાઇ મહાલયમાં.
શ્રીમંતાઈના જાહોજલાલીભર્યા જીવનમાં પાશ્ર્ચાત્ય ઢબે મૃદુલા સારાભાઇનો ઉછેર થયો. બાળપણમાં રેશમી તળાઈઓ પર એ પોઢતાં. મૃદુલા પ્રારંભિક શિક્ષણ માટે ઘરબહાર નીકળ્યાં નહોતાં. અંબાલાલે મેડમ મોન્ટેસરીની પુસ્તક સમીક્ષાથી પ્રભાવિત થઈને ઘરમાં જ ‘ધ રિટ્રીટ’ શાળાનું નિર્માણ કર્યું. ભણાવવા માટે ઇંગ્લેન્ડના બે શિક્ષકો નિયુક્ત કર્યા. પાઠ્યક્રમમાં અભ્યાસના વિષયોની સાથે સંગીત, નૃત્ય, ચિત્રકામ, માટીનાં વાસણ બનાવવા ઉપરાંત સીવણ અને ભરતગૂંથણ શીખવવામાં આવતાં.
મૃદુલા સારાભાઇએ શાળાના રચનાત્મક વાતાવરણમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું આગળ ભણવા એ વિદેશ ન ગયાં. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં એમણે પ્રવેશ મેળવ્યો. વિદ્યાપીઠમાં શિક્ષણનું માધ્યમ ગુજરાતી ભાષા હતું. વળી અહીં અભ્યાસક્રમમાં રાષ્ટ્રીયતા પર ભાર મુકાયેલો. વિદ્યાપીઠમાં મૃદુલા નામના ભારતીય સુવર્ણ પર ચડેલો પાશ્ર્ચાત્ય પિત્તળનો ઢોળ કાંચળીની જેમ ઊતરી ગયો.
ગૂજરાત વિદ્યાપીઠમાં ભણતાં ભણતાં માત્ર દસ વર્ષની ઉંમરે મૃદુલા મહાત્મા ગાંધી અને એમના સિદ્ધાંતો પ્રત્યે આકર્ષાયાં. જમીન સાથે જોડાયાં. દેશની ગુલામી અને અંગ્રેજરાજથી વાકેફ થયાં. ભારતની આઝાદીના જંગ વિશે જાણ્યું. એથી સુંવાળી શૈયા છોડીને સ્વતંત્રતા સંગ્રામની કાંટાળી કેડી પર કુમળી વયે એમણે ડગ માંડ્યાં. મૃદુલાએ મુલાયમ જીવન છોડીને મુશ્કેલીભરી જિંદગી અપનાવી. દસ વર્ષની મૃદુલા કૉંગ્રેસની વાનરસેનામાં જોડાઈ. વાનરસેના એટલે બાળકોની સેના. બાળકો પણ આઝાદીના યજ્ઞમાં પોતાની આહુતિ આપવા તત્પર હતાં. મૃદુલાએ પણ અખિલ ભારતીય ચરખા સંઘના બાળવિભાગમાં સક્રિયપણે કાર્યરત થઈને અર્ઘ્ય આપ્યો. ચરખા સંઘમાં આ કાર્યો થતાં: કપાસ ઉગાડવો, કપાસ વણવો, તેને ઝૂડવો, સાફ કરવો ને લોઢવો, રૂ પીંજવું, પૂણીઓ બનાવવી, કાંતવું, સૂતરની પવાયત કરવી કે તેને કાંજી પાવી, સૂતરને રંગવું, તેનો તાણો પૂરવો ને વાણો તૈયાર કરવો, વણાટ અને ધોલાઈ… મૃદુલાએ ખાદીનું વ્રત અપનાવીને ધગશ અને નિષ્ઠાથી ચરખા સંઘનાં આ કાર્યો કર્યાં..
દરમિયાન અમદાવાદમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું. દસ વર્ષની મૃદુલાએ અધિવેશનમાં આવેલા પ્રતિનિધિઓ માટે પાણીની પરબ મૂકેલી. વાનરસેનાનાં બાળકો સાથે મૃદુલા સારાભાઈએ આ પ્રકારના નારા પણ ગજવ્યા:
આગળ પગલે ચાલે કોણ? વાનરસેના, વાનરસેના!
રાષ્ટ્રવાવટો ઝાલે કોણ? વાનરસેના, વાનરસેના!
સ્વરાજ બ્યૂગલ ફૂંકે કોણ? વાનરસેના, વાનરસેના!
સૌની ઊંઘ ઉડાડે કોણ? વાનરસેના, વાનરસેના!
મૃદુલા સારાભાઇએ વાનરસેનામાં તો કામ કર્યું જ, પણ ઉંમર વધવાની સાથે કાર્યક્ષેત્રનું ફલક પણ વિસ્તાર્યું. સ્વતંત્રતા સંગ્રામના સત્યાગ્રહોમાં પણ એ જોડાયાં. જેલવાસ પણ વહોર્યો. એ માટેના પ્રેરણાસ્રોત મહાત્મા ગાંધી હતા. ગાંધીજીએ ભારતની સ્ત્રીઓને સ્વરાજની લડતમાં જોડાવાની પ્રેરણા આપેલી. સ્ત્રીઓની શક્તિ માટે ગાંધીજીને ખૂબ આદર અને માન હતું. ગાંધીજી તો સ્ત્રીઓની શક્તિને જાણતા જ હતા, પણ સ્ત્રી પોતે પોતાની શક્તિને પિછાણે એ માટે એમણે સ્ત્રીઓને પ્રેરી. પરિણામે જે સ્ત્રી પોતાને કથીર સમજતી હતી તે કંચન બનીને ઝળહળી. એમણે સ્ત્રીઓને સંબોધીને કહેલું :
સ્ત્રીઓની પાસે સ્વરાજ્યની ચાવી છે એમ જોઉં છું. બહેનો જ હિંદમાં સ્વરાજ્ય-સુરાજ્ય લાવી શકે. કારણ કે જેમ ગૃહિણી વિના ઘરની ગોઠવણી અધૂરી જ રહે તેમ બહેનો વિના સ્વરાજ્યની ગોઠવણીયે અધૂરી જ છે. વળી જો સ્વરાજ અહિંસા મારફત આવવાનું હશે તો પણ એ લડતમાં સ્ત્રીઓનું સ્થાન મોખરે હશે. કારણ કુદરતે પુરુષ કરતાં સ્ત્રીઓમાં કષ્ટસહનની ઘણી વધુ શક્તિ મૂકી છે. વળી કનિષ્ઠપણાનું અને તાબેદારીનું જે કલંક પુરુષે સ્ત્રી પર લાદ્યું છે તે ભૂંસી કાઢવાની ખાતર પણ તમે આ સ્વાતંત્ર્યની લડતમાં ખાસ અધિકારનો હિસ્સો લેશો અને દુનિયા આગળ પુરવાર કરશો કે સ્વતંત્રતા સારુ લડવામાં પુરુષો કરતાં તમે શ્રેષ્ઠ છો.
મૃદુલા સારાભાઇએ ગાંધીજીનો આદેશ સર માથા પર ચડાવ્યો. આઝાદીના આંદોલનમાં ઉત્સાહ અને ઉમળકાથી જોડાયાં. રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લઈને મૃદુલાએ છ મહિનાનો જેલવાસ વેઠેલો. નમક સત્યાગ્રહમાં પણ મૃદુલાએ ભાગ લીધેલો. ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહમાં જોડાયાં. બહોળી સંખ્યામાં બહેનોને પણ નમક સત્યાગ્રહમાં ભાગ લેવા પ્રેરી. વિલાયતી વસ્ત્રોનો બહિષ્કાર કર્યો. દારૂના પીઠા પર અને વિદેશી વસ્ત્રોની દુકાન પર પિકેટિંગ કર્યું. મૃદુલાએ ગાંધીના ખાદીના સંદેશનો પ્રચાર પ્રસાર કર્યો. ગાંધીજી કહેતા:
ખાદી એટલે સ્વદેશીને ઉત્તેજન. એકેએક હિંદી ખાદીકાર્યને આગળ વધારવાને શું કરી શકે તે બતાવવાનો મારો ઈરાદો છે. ખાદીનો એક અર્થ એ છે કે આપણે દરેકે પૂરેપૂરી સ્વદેશી વૃત્તિ કેળવવી જોઈએ ને રાખવી જોઈએ. એટલે કે જીવનની સઘળી જરૂરિયાતો હિંદમાંથી અને તેમાંય આપણાં ગામડાંઓમાં રહેનારી આમજનતાની મહેનત તથા બુદ્ધિથી નીપજેલી ચીજો વડે પૂરી કરી
લેવાનો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ… ખાદી એટલે દેશના બધા વતનીઓની એકતા, આર્થિક સ્વતંત્રતા તેમ જ સમાનતાનું પ્રતીક. જવાહરલાલના કાવ્યમય શબ્દોમાં કહું તો ખાદી એટલે હિંદની આઝાદીનો પોશાક!
ખાદીનો મૃદુલાએ એવો જોરશોરથી પ્રચાર કર્યો કે ગાંધીજીએ ખુશ
થઈને કહ્યું: આજથી તું મારી પુત્રી છે. તારું નામ મીરા… આ રીતે મૃદુલા સારાભાઇ ‘મોહન’ ગાંધીજીના મીરા બન્યાં.
મીરા બનેલાં મૃદુલાએ ૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનમાં પણ તેઓ જોડાયેલાં. એ વખતે અંગ્રેજ પોલીસે ફરી એક વાર તેમની ધરપકડ કરેલી. એમને જેલમાં ધકેલવામાં આવેલાં. દરમિયાન ગાંધીજીના કહેવાથી મૃદુલાએ ગુજરાતમાં સ્ત્રીજાગૃતિનું કામ ઉપાડી લીધેલું. માત્ર ત્રેવીસ વર્ષની વયે મૃદુલાએ ૨૪ એપ્રિલ, ૧૯૩૪ના ‘જ્યોતિસંઘ’ નામની મહિલાસંસ્થાની સ્થાપના કરી. બહેનોનું વ્યક્તિત્વ ખીલે, તેમનામાં આત્મવિશ્ર્વાસ જાગે, નીડર તથા સ્વાવલંબી બને અને સ્વમાનભેર જીવી શકે એ આ સંસ્થાનો હેતુ હતો.
સામાજિક જાગૃતિનાં કાર્યો અને સ્વતંત્રતાની લડત જોડાજોડ ચાલતાં રહ્યાં. મૃદુલા ૧૯૪૬માં ગાંધીજીની બિહારયાત્રામાં જોડાયેલાં. નોઆખલીમાં રાહતકાર્યો કર્યા. ભારતના ભાગલા થયા ત્યારે સૌથી વધુ સહન કરવાનું બહેનોને ભાગે આવેલું. વિભાજન સમયે વેરવિખેર થયેલા પંજાબના જનજીવનમાં સ્ત્રી-બાળકોનાં અપહરણ થયેલાં. મૃદુલા સારાભાઈના નેતૃત્વમાં તે અપહૃતોની પુન:પ્રાપ્તિનું ભગીરથ કામ પાર પાડવામાં આવ્યું. ૧૯૫૩ના અરસામાં જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાયેલી. તે વેળાએ મૃદુલાએ શાંતિસૈનિક તરીકે સુંદર કામ કર્યું. જોકે ૨૭ ઓક્ટોબર ૧૯૭૪ના આ શાંતિદૂતના જીવનની જ્યોત બુઝાઈ ગઈ.
મૃદુલા સારાભાઇ તો મૃત્યુ પામ્યાં, પણ એ કેટલાં બાહોશ, બહાદુર, નિર્ભિક અને સાહસી હતાં તે ગાંધીજીના એક કથનમાં પુરવાર થાય છે. ગાંધીજીએ કહેલું કે, ‘જો મારી પાસે મૃદુલાબહેન જેવી સો સ્ત્રીઓ હોય તો હું ભારતમાં ક્રાંતિના મંડાણ કરું.’
મૃદુલા સારાભાઈને અંજલિ આપવા ગાંધીજીના આ શબ્દોથી ચડિયાતું બીજું શું શું હોઈ શકે?