સ્પેશિયલ -મૃદુલા ચિખલીકર
મુંબઈના શિલ્પકાર તરીકે જેમનું બહુમાન થાય છે એવા ગૌરવશાળી નામદાર જગન્નાથ શંકરશેઠ ઉર્ફે નાના શંકરશેઠની હું વંશજ છુ અને તેમના ગીરગામના
ઘરમાં મારું બાળપણ વીત્યું હતું. તેમના આ ભવ્ય (નિવાસસ્થાને) વાડાના અને મારા બાળપણનાં સંસ્મરણો અહીં આલેખું છું.
બાળપણ કહ્યું એટલે સર્વપ્રથમ યાદ આવે મારાં બા અને બાપુજી, દાદી, ભાઈઓ, પિત્રાઈ ભાઈઓ અને કુટુંબીજનો પણ તે સાથે જ મારી આંખ સમક્ષ આવે છે અમારું રજવાડું (શંકરશેઠનો વાડો). આશરે ૧૯૫૦થી ૧૯૬૦ના સમયમાં એટલે કે અમારા નાનપણમાં અમે બધા શંકરશેઠ કુટુંબીઓ સાથે રહેતા હતા.
અમારું ઘર બહુ જ મોટું અને સુંદર વાડો હતો. અમારા ઘરમાં નીચેનો માળ અને ઉપર બે માળા હતા. ઘરનું પ્રવેશદ્વાર નકશીદાર ભવ્ય પેશવાકાલીન દરવાજો હતો. ઘરમાં બધા મળીને ૩૫થી ૪૦ માણસો, આખો દિવસ નીચેના માળા ઉપર જ રહેતા હતા.
નીચેના માળા ઉપર બે મોટા હોલ, નવ બેડ રૂમ્સ, એક મોટું ઘરમંદિર અને પાછળની બાજુમાં નવ રસોઈઘર હતાં. આંગણામાં મોટું તુળસીવૃંદાવન હતું. બન્ને હોલની ઊંચી છતમાં મોટાં મોટાં ઝુમ્મર, હાંડીઓ લગાડ્યાં હતાં. સોનેરી ફ્રેમની મોટી બિલોરી આરસીઓ અને તસવીરો દીવાલ ઉપર લગાડેલ હતી. બેઠકમાં મોટા નકશીદાર સોફાઓ અને ટેબલ હતા. વચ્ચેની જગાના હોલને અમે માઝઘર જ કહેતા હતા. રાતે આ હોલમાં સર્વે દસ-બાર બાળકો સ્કૂલનું હોમવર્ક કરીને અલગ અલગ રમતો રમતાં.
અમારા ગણપતિ પણ આ જ હોલમાં બેસાડતા. એ બે દિવસ બહુ મજામાં જતા. સર્વે પુરુષ અને અમે બાળકો ગણપતિ લાવવા અમારી ફૂલોથી સજાવેલી મોટરકારમાં કારખાને જતાં. વળતાં મોટરગાડીની આગળ બેંડ વાગતું હોય. ગણપતિની મૂર્તિ સાથે શોભાયાત્રા ઘરે આવતી. ઘરની સન્નારીઓ આરતી લઈને બહુ જ આનંદ અને ભક્તિભાવથી ગણપતિનું સ્વાગત કરતી. મોટા ચાંદીના બાજોઠ ઉપર ચાંદીની નકશીદાર ડિઝાઇનના સિંહાસન ઉપર શ્રીગણેશજીની સ્થાપના થતી. સવાર-સાંજ પચાસેક લોકો સાથે ઝાંઝ વગાડીને આરતી કરવામાં બહુ જ મજા આવતી. દર્શને આવતા લોકોને અત્તર, ગુલાબ અને પ્રસાદ આપવાની જવાબદારી અમારી છોકરાઓની હતી. આ બે દિવસ અને દિવાળીમાં સાસરે ગયેલી મારી બધી બહેનો અને ફોઈઓ પોતાના છોકરાઓ, સહપરિવાર સાથે જ્યારે પિયર અમારે ઘરે રહેવા આવતી. ત્યારે અમને રમવા વધારે છોકરાઓ મળતા. ઘરની સામે અને બગીચામાં અમે સંતાકૂકડી, સાંકળી, ચોર-પોલીસ, આંધળો પાટો એવી બધી રમતો રમતાં, ત્યારે બહુ જ મજા આવતી. અત્યારના છોકરાઓને સહજ રીતે ભરપેટ રમવા મળતું નથી એનું દુ:ખ થાય છે.
વર્ષના બધા જ તહેવાર યોગ્ય રીતે ઊજવવા જોઈએ તેવો ઘરના વડીલોનો ખાસ આગ્રહ રહેતો. હોળી, દત્તજયંતી, રામનવમી, મહાશિવરાત્રી અમારા નાનાચોક મંદિરમાં અમે સહપરિવાર સાથે મળીને આનંદથી મનાવતાં હતાં. આ પ્રથા આજે પણ ચાલુ છે. એ મંદિરમાં તહેવારોમાં મોટા મોટા કીર્તનકારો કીર્તન કરતા એ સાંભળવા અમને બેસવાનો આ વડીલોનો ખાસ આગ્રહ રહેતો. એને લીધે જ અમને પુરાણોની મનોરંજક કથાઓની ખબર પડી. એક વાતનો આનંદથી ઉલ્લેખ કરું કે આ મંદિરની બાજુના અમારા મકાનમાં ભારતરત્ન અને કોકિલકંઠી લતા મંગેશકર એમના કુટુંબ સાથે તેમની કારકિર્દીની શરૂઆતના સમયમાં રહેતાં હતાં.
અમારા ઘરના પહેલા માળે મોટો હોલ હતો. છતમાં બધી જગ્યાએ સોનેરી વેલબુટ્ટી, મોટાં મોટા ઝુમ્મરો-હાંડીઓ, રંગીન કાચના પરડીયા લગાવેલાં હતાં. મખમલી નકશીદાર સોફા અને નીચે મોટા મોટા પર્શિયન ગાલીચા એવો ભવ્ય અમારો હોલ હતો. હોલ સદા બંધ રહેતો, પરંતુ કુટુંબીઓ, નજીકના સગાંવહાલાં અને મિત્રોના લગ્નકાર્ય અને બીજાં શુભ કાર્ય માટે અમે નિશુલ્ક આપતા. ત્યારે રોશનીથી આ હોલ એટલો ચમકે કે જોવાવાળા તેને જોઈને આશ્ર્ચર્યચકિત થઈ જતા. લગ્નકાર્ય કે બીજાં કાર્યમાં અમે નાનાં બાળકો બહુ જ મસ્તી કરતાં અને અમારી વચ્ચે શરત લાગતી કે કોણ વધારે આઈસક્રીમ ખાય ?
મારા પિતા સદ્ગત ભાલચંદ્ર શંકરશેઠ મ્યુનિસિપલ કાઉન્સિલર અને ઓનરરી જજ હતા. તેથી અમને ઘણા મોટા મોટા પ્રોગ્રામોના આમંત્રણ આવતાં હતાં અને મારી બા કૈ. સૌ રોહિણી શંકરશેઠ બહુ હોશીલી હતી એટલે અમે બધા પ્રોગ્રામોમાં જતાં. આપણા પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નહેરુ અને પ્રથમ મહિલા વડા પ્રધાન ઈંદિરા ગાંધીને નજીકથી જોવાનો લહાવો મળ્યો અને એમના મંત્રમુગ્ધ કરનારા ભાષણો પ્રત્યક્ષ સાંભળવા મળ્યાં એ હું ક્યારેય ભૂલીશ નહીં.
નાના શંકરશેઠની પુણ્યતિથિ નિમિત્તે અમે ટાઉન હોલમાં નાનાના ભવ્ય પૂતળાને હાર પહેરાવવા જતાં. બપોરે તે સમયના મેયર તેમ જ બીજા અગ્રગણ્યો નાનાના પૂતળાને હાર પહેરાવવા આવતા, પછી એમના કાર્ય ઉપર ભાષણ થતું. સાથે સમાજસેવકો નાનાની પુણ્યતિથિ મનાવતા. નાના શંકરશેઠના કાર્ય ઉપર વક્તાઓ ભાષણ આપતા હતા કે એમાંથી શું ગ્રહણ કરવા જેવું છે? એસએસસીમાં જગન્નાથ શંકરશેઠ સ્કોલરશિપ, જેને મળતી એમનો સત્કાર થતો. આ બધું જોઈને અમે આનંદ સાથે ગર્વ અનુભવતા હતા, આજે પણ એ પ્રથા ચાલુ છે.
નાનાના વખતે એટલે ૧૫૦ વરસ પહેલાં ઘોડબંદરના સમુદ્રની ખાડી પાસેની જગ્યામાં અમારો મોટો બંગલો હતો, બાજુમાં શંકર ભગવાનનું ‘અમૃતેશ્ર્વર મહાદેવ મંદિર’ આંબાવાડી અને ડુંગરો હતા, નાનાના વાસ્તવ્યથી પાવન થયેલી આ નિસર્ગરમ્ય જગ્યામાં રજાના દિવસે અમારો પૂરો દિવસ મજામાં જતો હતો. ત્યાં એ મંદિર આજે પણ છે.
નાનાની ૧૪૦મી પુણ્યતિથિનો સમારંભ અવિસ્મરણીય હતો. ફૂલોથી સજાવેલ બે ધોડાની બગીમાં ત્યારના મુખ્ય પ્રધાન કે. વસંતરાવ નાઈક નાનાનો ફોટો લઈને બેઠા હતા અને અમારી સાથે ઘણા બધા લોકો ઉજવણીમાં સામેલ થયા હતા. અમે અમારા ઘરથી ઉજવણીના સ્થળ સુધી શોભાયાત્રા કાઢી હતી. બીજા કાર્યક્રમમાં ત્યારના રાજ્યપાલ શ્રી કાશ મહેમાન હતા, નાનાના સવિસ્તર ચરિત્રના પુસ્તકનું વિમોચન એ વખતના નાણાપ્રધાન અને જગન્નાથ શંકરશેઠ સ્કોલર ઉચ્ચ વિદ્યાભૂષિત કે. સી. ડી. દેશમુખના હસ્તે થયું. ત્યાર બાદ એ અમારા ઘરે સજોડે આવ્યાં હતાં. અમારા ઘરના મોટા હોલમાં ઘણા લોકોની ઉપસ્થિતિમાં આ સમારોહ પૂરો થયો, જે જોઈ અમે અતિશય આનંદ તેમ જ ગૌરવ અનુભવ્યાં હતાં.
જગતમાં કાંઈ પણ વાત ચિરંજીવી નથી તે નિયમ અનુસાર અમારા આ ઘરનું નવનિર્માણ થયું. મારો જન્મ પરમ પૂજ્ય જગન્નાથ શંકરશેઠના ઘરમા થયો તેને હું દેવના આશીર્વાદ અને મારું સદ્ભાગ્ય સમજું છું. મારું બાળપણ મારા સખી-સહોદર સાથે ખૂબ જ આનંદમાં વિતાવ્યું. આજના ઇલેક્ટ્રોનિક જગતની સુખ સુવિધા આપણી પાસે તો છે જ, પરંતુ તે નિર્મળ બાળપણની મજા તો અનેરી જ હતી. આજે પણ અમે બધાં ભાઈ-બહેનો અત્તરના પમરાટ જેવાં મીઠાં સંભારણાં માણી હસતાં હસતાં પ્રફુલ્લિત થઈ જઈએ છીએ. અમને આટલું સુંદર અને વૈભવશાળી બાળપણ આપનારા પરમ પૂજ્ય નાનાને અને તેમની હયાતીમાં પાવન થયેલ શંકરશેઠ વાડાને આ સંભારણાં દ્વારા મારા શત્ શત્ પ્રણામ.
આધુનિક મુંબઈના ઘડવૈયા જગન્નાથ શંકરશેઠ
૧૦ મી ફેબુઆરી ૧૮૦૦ માં જન્મેલા જગન્નાથ શંકરશેઠ ઉર્ફે નાના શંકરશેઠે આધુનિક મુંબઈના વિકાસમાં મહામૂલું યોગદાન આપ્યું છે અને આયુષ્યનાં ૬૫ વર્ષ દરમિયાન આ મહાનગરના નાગરિકોની પાયાની સુવિધાનાં શિક્ષણ, પરિવહન, તબીબી સારવાર, વ્યાપાર, જેવાં વિવિધ ક્ષેત્રોના વિકાસમાં સિંહફાળા આપ્યો છે તથા એક કર્મયોગી તથા દાનવીરની ઉચ્ચ પ્રતિષ્ઠા પામ્યા છે. તેમના સામાજિક કાર્યોની એક ઝલક આ મુજબ છે. વર્ષોથી મુંબઈની જીવાદોરી બની રહેલી લોકલ ટ્રેનનો પાયો તેમણે નાખ્યો હતો. એલફિન્સ્ટન કોલેજ, ગ્રાન્ડ મેડિકલ કોલેજ, મુંબઈ યુનિવર્સિટી, સર જે.જે. સ્કૂલ ઑફ આર્ટસ, એશિયાટિક સોસાયટી ઑફ ઇન્ડિયા, જે. જે. હૉસ્પિટલ, રાણીબાગ, આલ્બર્ટ મ્યુઝિયમ જેવી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપનામાં નાનાનો સિંહફાળો હતો.
વિહારલેકનું નિર્માણ, ફોર્ટ વિસ્તારનો વિકાસ તથા ગિરગાંવ સ્થિત સોનાપુર સ્મશાનના નિર્માણમાં તેમની ભૂમિકા અગ્રણી હતી. ૧૮૪૮માં પોતાના બંગલામાં સૌપ્રથમ ક્ધયાશાળા શરૂ કરીને તેમણે મુંબઈમાં ક્ધયા કેળવણીને પ્રોત્સાહન આપ્યું હતું.
તેમના નેતૃત્વમાં બોમ્બે નેવિ ઍન્ડ સ્કૂલ સોસાયટી (૧૮૨૨), બોર્ડ ઑફ એજ્યુકેશન (૧૮૪૦) તથા બોમ્બે ઍસોસિયેશનની સ્થાપના કરવામાં આવી હતી. મુંબઈમાં કાયદાના શિક્ષણનો પાયો પણ તેમણે જ નાખ્યો હતો. નાના શંકરશેઠની દૂરદષ્ટિ, નિરપેક્ષ સમાજસેવા, કર્તવ્ય પરાયણતા, નિ:સ્વાર્થ દેશસેવા, વિદ્વતા, ઉદાર દાનવૃત્તિ તથા આદર્શોને વ્યક્ત કરતાં અનેક કાર્યો એ આધુનિક મુંબઈનો પાયો રહ્યો છે.