મુંબઇની એક અદાલતે નકલી જાતિ પ્રમાણપત્રના કેસમાં લોકસભાના સાંસદ નવનીત રાણા અને તેના પિતા વિરુદ્ધ નવેસરથી બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ મામલે આગામી સુનાવણી 28 નવેમ્બરે થશે. અગાઉ સપ્ટેમ્બરમાં કોર્ટે રાણા અને તેના પિતા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, પરંતુ આ વોરંટનો અમલ થયો ન હતો. કોર્ટના આ પગલાથી રાણા પર ધરપકડની તલવાર લટકી રહી છે. બોમ્બે હાઈકોર્ટે 2021માં અમરાવતી સાંસદ નવનીત રાણાને જારી કરવામાં આવેલું જાતિ પ્રમાણપત્રને રદ્દ કરી દીધું હતું અને કહ્યું હતું કે તે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યું હતું.
જ્યારે આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે પોલીસે અમરાવતી સાંસદ અને તેના પિતા વિરુદ્ધ જારી કરાયેલ વોરંટને અમલમાં મૂકવા માટે વધુ સમય માંગ્યો હતો. જોકે, કોર્ટે પોલીસની વિનંતીને ફગાવી દીધી હતી અને તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પી.આઈ. મોકાશીએ બંને વિરુદ્ધ નવેસરથી વોરંટ જારી કર્યું હતું.
મુંબઇના મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાણા અને તેના પિતાએ બનાવટી જાતિ પ્રમાણપત્ર બનાવ્યું હતું. નવનીત રાણા જ્યાંથી સાંસદ તરીકે ચૂંટાયા છે તે બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત છે. બોમ્બે હાઇ કોર્ટે 2021માં અમરાવતી સાસંદને જારી કરવામાં આવેલું જાતિ પ્રમાણપત્રને રદબાતલ કરી દીધું હતું, જેના કારણે તેમની લોકસભાની સદસ્યતા જોખમમાં આવી ગઈ હતી. મુંબઈ હાઈકોર્ટના નિર્ણયને નવનીત રાણાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા બાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર હાલ રોક લગાવી દીધી છે.