નવી મંબઇના પામ બીચ રોડ પર તાજેતરમાં રાખવામાં આવેલા સ્પીડ લિમિટ સાઈન માટેના મ્યુનિસિપલ ડિજિટલ બોર્ડ પર અચાનક અશ્લીલ મેસેજો દેખાતા વાહનચાલકો ચોંકી ઉઠ્યા હતા. ઝડપ મર્યાદા પર દેખરેખ રાખવા માટે ડિજિટલ બોર્ડ પર અશ્લીલ મેસેજો પ્રદર્શિત થયા બાદ કેટલાક વાહન ચાલકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેને પગલે પોલીસે મહાનગરપાલિકાને જાણ કરી હતી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના કયા વિભાગે આ ડિજીટલ બોર્ડ લગાવ્યા છે તે અંગે વહીવટી તંત્રને કોઈ જાણ ન હોવાથી આખરે આ પ્રકારનો વીજ પુરવઠો બંધ કરવો પડ્યો હતો. એવી આશંકા દર્શાવવામાં આવી રહી છે કે કોઈ અજાણ્યા હેકરે આ ડિજિટલ બોર્ડના વાઈફાઈ કનેક્શનને હેક કરીને આ ટીખળને અંજામ આપ્યો હતો. પામ બીચ રોડ પર ઘણા વાહનચાલકો વધુ ઝડપે વાહન ચલાવતા હોવાથી અહીં હંમેશા અકસ્માતો થતા રહે છે, જેને કારણે અત્યાર સુધીમાં ઘણા મૃત્યુ થયા છે તો કેટલાક લોકો કાયમ માટે શારીરિક રીતે અક્ષમ થઈ ગયા છે. આ રસ્તા પર અકસ્માતોની વધતી સંખ્યાને રોકવા માટે નવી મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે નિયમિત કાર્યવાહી કરવામાં આવે છે. પામ બીચ રોડ પરથી પસાર થતા વાહનોની ઝડપ મર્યાદા 60 કિમી પ્રતિ કલાક છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા આ રોડ પર ત્રણ જગ્યાએ 60 કિમીની સ્પીડ લિમિટની માહિતી આપતા ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યા છે. 60 સ્પીડ લિમિટને બદલે બુધવારે બપોરે એ જ બોર્ડ પર અશ્લીલ શબ્દો દેખાયા હતા, જેને કારણે સિગ્નલ પર રોકાયેલા વાહનચાલકો આ અશ્લીલ શબ્દો અને મેસેજો જોઈને ચોંકી ઉઠ્યા હતા. કેટલાક વાહન ચાલકોએ આ અંગે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ પોલીસે આ અંગે પાલિકાના અધિકારીઓને જાણ કરી હતી. જે બાદ પાલિકાના અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને આ ડીજીટલ બોર્ડ કોણે લગાવ્યું હતું અને આ ડીજીટલ બોર્ડ પર કોનો કંટ્રોલ છે તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ આ ડીજીટલ બોર્ડ કોણે લગાવ્યા તે અંગે વહીવટી તંત્રને કોઈ માહિતી ન હોવાથી આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિદ્યુત વિભાગે આ બોર્ડનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. વાહનચાલકોમાં વાહનોની સ્પીડ લિમિટ અંગે જાગૃતિ લાવવા માટે લગાવવામાં આવેલા ડિજિટલ હોર્ડિંગને હેક કરનાર હેકરને કોણ શોધશે તેવો પ્રશ્ન નાગરિકો કરી રહ્યા છે.