Homeઈન્ટરવલમોતીલાલના જનપ્રિય બનતા આંદોલનથી સત્તાધીશોનું શિરદર્દ વધ્યું

મોતીલાલના જનપ્રિય બનતા આંદોલનથી સત્તાધીશોનું શિરદર્દ વધ્યું

ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ

(૨૧)
જિસ દેશ મેં લૂંટેરો હો, ઉસ દેશકી કહાની ક્યાં હોગી,
જિસ દેશ મેં રિશ્વતખોરી હો, ઉન સે કુર્બાની ક્યાં હોગી,
હર ચીજ મિલાવટવાલી હો, જિસ મેં ઝહરીલી થાલી હો,
જિસ કે જબાન પર ગાલી હો, સૌગન્ધ સે જવાની ક્યાં હોગી.
આ ભલે વર્તમાનનું વર્ણન લાગે પણ હકીકતમાં તો મેવાડના જનજાગરણ માટેના સંઘર્ષમાં મહત્ત્વનું પ્રદાન આપનારા માણિક્ય વર્માનો આક્રોશ છે. આવા વિકટ સંજોગો વચ્ચે મોતીલાલ તેજાવતે જાગૃતિની મશાલ ઊંચકી હતી. ત્યારે માર્ગમાં કેવાં અને કેટલાં વિઘ્નો આવ્યાં હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે.
ફરી પ્રફુલ્લાનંદ પુરુષોત્તમભાઇ નવાકરના મહાશોધ નિબંધને આધારે મોતીલાલ તેજાવતની યાત્રા દરમિયાનની નોંધપાત્ર ઘટનાઓ જાણીએ.
ઉદયપુરના મહારાજાને મળવાનું નક્કી કર્યા બાદ તેજાવતે પોતાના ભીલ સાથીઓ સાથે ઘોડાઘર, ખેરવાડી અને પાલ થઇને આગળ વધવાનું નક્કી કર્યું.
વચ્ચે વિજયનગર પાસેના પાલ વ્રઢગાવમાં એક દિવસ માટે રોકાણ કર્યું. રાત્રે સ્થાનિક ભીલોને સભામાં આહ્વાન આપ્યું કે તમે સૌ એકી આંદોલનમાં જોડાઇને રજવાડાઓ દ્વારા કરાતા શોષણનો વિરોધ કરો.
આપણા કમનસીબ કહીએ કે આદત, મોતીલાલ તેજાવતના ‘એકી’ આંદોલન સહિતની અનેક મહત્ત્વની ઘટનાઓની આપણા ઇતિહાસે, સાહિત્યે, કલા માધ્યમોએ કે સમાજે વ્યવસ્થિત તો ઠીક પૂરતી નોંધ સુધ્ધાં લીધી નથી. ભલું થજો સંશોધન-પ્રેમીઓનું કે તેઓ મળે એવી માહિતી, વિગતો, આંકડા અને તવારીખ ગ્રંથસ્થ કરે છે.
મોતીલાલ તેજાવતનું આંદોલન જે રીતે જનપ્રિય બનીને પ્રસરી રહ્યું હતું, એ સત્તાધીશો માટે શિર:દર્દ બની ગયું હતું. દેશી રજવાડાઓ અને બ્રિટિશ, સત્તાધીશો સમજતા હતા કે ‘એકી’ આંદોલનની સફળતાથી તેમના પોતાના પગ નીચેની ધરતી સરકી જવાની એ નક્કી. આ બન્ને પક્ષને પોતાના સ્થાપિત હિત જોખમમાં લાગતા હતા. તેજાવતના આંદોલનથી અન્યને પ્રેરણા મળે જ. રજવાડાઓ પોતાની મેળે, એકમેક સાથે મળીને અને બ્રિટિશ આકાઓ સાથે મળીને ય તેજાવત નામના તોફાનને રોકવાની મથામણમાં ગળાડૂબ થઇ ગયા. ગમે તેમ કરીને તેજાવતને અટકાવવા અને ‘એકી’ આંદોલનની હવા કાઢી નાખવી એ એમની નેમ હતી. આ બધાએ જાતભાતની કૂટનીતિ અપનાવી, લાલચ આપી, વચન આપ્યા, ધાકધમકી આપી, હુમલા-હત્યાના પ્રયાસ કર્યાં પણ કોઇ રીતે મેળ પડતો નહોતો.
દેશી રજવાડા માટે પોતાના વટ અને આવક ગુમાવવાની નોબત આવી પડી હતી. તો બ્રિટિશરોને એક પછી એક રજવાડામાં પ્રસરતું આ આંદોલન આખા ભારતને ભરડામાં ન લઇ લે એવી ફિકર હતી.
‘એકી’ આંદોલનના ઉગ્ર વિરોધી એવા મેવાડ, માદ્રી, સિરોહી, કોટડા, ભૂમત, પાલનપુર, દાંતા, ઇડર અને વિજય નગર જેવાં રાજ્યોએ ખૂબ ફાંફા માર્યા. તેઓ બ્રિટિશ સરકારનો સાથ મેળવ્યા બાદ સફળ ન થયા. ઉદયપુર રાજ્ય મોતીલાલ તેજાવતને જેલ ભેગા કરવા માટે એટલું ગંભીર અને ઉત્સાહી હતું કે એમના માથા પર રૂપિયા પાંચસોનું ઇનામ જાહેર કર્યું હતું. સાથોસાથ ગાજર પણ લટકાવ્યું હતું કે મોતીલાલ ઉદયપુર પાછા ફરે ત્યારે ધરપકડ માટે બધી મદદ ઓફર કરી હતી. હકીકતમાં સૌ ઇચ્છતા હતા કે તેજાવતની લડાઇ અને પ્રભાવ મેવાડના સીમાડા ન ઓળંગે.
સામ, દામ, દંડ અને ભેદ ઉપરાંત ‘ભાગલા પાડો અને રાજ કરો’ સહિતનાં શસ્ત્રો નકામાં સાબિત થઇ રહ્યાં હતાં. હતાશા, રઘવાટ અને જડતા અજાણતા જ તેજાવતના વિરોધીઓની છાવણીમાં જોડાવા માંડ્યા હતા, પરંતુ આ બધાથી સંપૂર્ણપણે સ્વસ્થ અને અલિપ્ત રહીને મોતીલાલ તેજાવત પોતાની મંઝીલ ભણી ધીમી પણ મક્કમ ગતિએ આગેકૂચ કરી રહ્યા હતા.
જો તેજાવતની આગેવાની હેઠળના ભીલો વધુ લડાયક બને તો તેમની સામે લશ્કરી પગલાં ભરવાની દિશામાં બ્રિટિશરો વિચારવા માંડયા હતા. આ વિદ્રોહને ડામી દેવાની જવાબદારી બિગ્રેડિયર કમાન્ડર નસીરાબાદે સામેથી સ્વીકારી લીધી હતી. બ્રિટિશરોનો આ ઉત્સાહ જોઇને ઘણાં રજવાડાં પણ તેમની સાથે જોડાવા તૈયાર થઇ ગયાં હતાં.
મોતીલાલ તેજાવતના વ્યક્તિ અને આંદોલનના પ્રભાવનો અણસાર એ વાત પરથી મળે કે ખુદ ભારતન વાઇસરોયે તેજાવતની ધરપકડ કરવા પર મંજૂરીની મહોર મારી હતી. ખુદ ભારત સરકાર વતી રાજપૂતાનાના ગવર્નર જનરલ એજન્ટને લખેલા પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું કે મોતીલાલની ધરપકડ કરવી એ આવકાર્ય પગલું છે અને અત્યારે તેઓ સ્થળાંતર કરી રહ્યા છે. ત્યારે એમ કરવાનો સારો મોકો છે.
આ પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે તેજાવત જે રાજ્યમાં હોય ત્યાંના રજવાડા થકી ધરપકડની વ્યવસ્થા કરવી જોઇએ.
મજાનો મુદ્દો એ નોંધવાનો કે ઘણાં રાજ્યો નહોતાં ઇચ્છતાં કે તેજાવતની ધરપકડ પોતાના રાજ્યની હદમાં થાય કારણ કે એનાથી આંદોલન અને કાયદા-વ્યવસ્થાની સ્થિતિ વકરવાની ધાસ્તી હતી.
મોતીલાલ તેજાવત કેવું મોટું પરિબળ બની ગયા હતા એ આજના સમય, સંજોગો અને સંદર્ભમાં ન સમજી શકાય પણ ગુજરાત-રાજસ્થાનનાં રજવાડાઓ ઉપરાંત બ્રિટિશ શાસકોની ઊંઘ હરામ થઇ ગઇ હતી એ વાતનો ઇનકાર ન જ થઇ શકે.
(ક્રમશ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -