ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુના ફોટા જોશો તો તેઓ હંમેશાં એક સ્ટાઈલિસ્ટ, એલાઈટ અને સિવિલાઈઝ્ડ ડ્રેસિંગમાં દેખાશે. રાજકીય રીતે તેમની જીવનશૈલી અને કાર્યશૈલી વિશે ગમે તે ચર્ચા થાય પણ તેઓ ચોક્કસ સમયથી પહેલા ચાલનારા, અત્યંત દુરંદેશી અને મોભાદાર વ્યક્તિ હતા. તેઓ પણ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા બાદ ખાદી પહેરતા હતા, પરંતુ તેમની સાદગીમાં પણ છટા હતી. આ બધું લગભગ એટલે હશે કે તેમના પિતા તે સમયના ખૂબ જ જાણીતા વકીલ હતા અને પોતાની મહેનતે આગળ આવી શ્રીમંત બન્યા હતા અને સારું જીવન જીવતા હતા. જોકે વાત આપણે ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુની નહીં, પરંતુ તેમના પિતા અને ભારતના સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ નહેરુની કરવાની છે. આજે તેમનો જન્મ દિવસ છે. 1857ના વિપ્લવ સમયે તેમના પિતા ગંગાધર નહેરુએ દિલ્હી છોડી આગરા આવવું પડયું. જોકે મોતીલાલના જન્મ પહેલા જ તેમનું નિધન થયું. છઠ્ઠી મે, 1861ના રોજ મોતીલાલનો જન્મ થયો અને તેમની જવાબદારી માતા ઈન્દ્રાણી અને ભાઈઓ પર આવી ગઈ. મામાની મદદથી ભાઈ નંદલાલ ભણ્યા અને તેમણે બ્રિટિશ કોલોનિયલ કોર્ટમાં અંગ્રેજી કાનૂનની પ્રેક્ટિસ શરૂ કરી. તેમણે મોતીલાલને કેમ્બ્રિજ યુનિવર્સિટી મોકલ્યા. 1883થી તેમણે ભારતમાં આવી લોની પ્રેક્ટિસ શરૂ કરી. જોકે ભાઈ નંદલાલનું 42 વર્ષની ઉંમરમાં જ નિધન થતા તેમના પાંચ સંતાનની જવાબદારી મોતીલાલ પર આવી. જોકે મોતીલાલે તે ખૂબ સારી રીતે નિભાવી. તેમની વકીલાતે તેમને નામ અને પૈસા આપ્યા અને તેઓ ઠાઠમાઠનું જીવન જીવવા લાગ્યા.
તે બાદ તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો. જ્યારે તેઓ ગાંધીજીને મળ્યા ત્યારે તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા અને તેમના જીવનને તેમણે બદલી નાખ્યું. તે બાદ તેમણે નામ-પૈસા ઠાઠમાઠનું જીવન છોડી દેશની આઝાદીની લડાઈમાં જીવન ખપાવી દીધું. તેઓ 1919 અને 1928 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખપદે રહ્યા. ગાંધીજીના તેઓ નજીકના મિત્ર રહ્યા. જોકે આપણે સૌ તેમના ઋણી છીએ કારણ કે તેમની અધ્યક્ષતામાં નહેરુ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો જેમાં ભારતમાં સ્વશાસન કેવું હોવું જોઈએ તેની ભૂમિકા બાંધવામાં આવી હતી. આ રિપોર્ટ ભારતના બંધારણના ઘડતરમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. રાજકીય આક્ષેપો-પ્રત્યાક્ષેપો રાજકારણનો ભાગ હોય છે આથી થતાં રહે છે. પરંતુ ભારતના નાગરિક તરીકે આપણે એ ન ભૂલવું જોઈએ કે આવા કેટલાયે સ્વતંત્રતા માટે જીવન સમર્પિત કરી દેનારા, પોતાના કૌશલ્યો અને બુદ્ધિમતાથી દેશને દિશા આપનારા લડવૈયાઓને લીધે આપણો ભારત દેશ નિર્માણ પામ્યો છે ત્યારે આજે તેમના જન્મદિવસે તેમને શ્રદ્ધાસુમન.