આજે લોકો ઈન્ટરનેશનલ મધર્સ ડેની ઊજવણી કરી રહ્યા છે ત્યારે આજે આપણે અહીં વાત કરીએ ભારતની એક એવી જનની વિશે કે જેણે ભારતને ખરા અર્થમાં સપૂતની ભેટ આપી છે. આ માનો લાડકવાયો આજે ભારત જેવા વિશ્વની સૌથી મોટી લોકશાહીનો રાજા બનીને કરોડો ભારતીય નાગરિકોના દિલ પર રાજ કરી રહ્યો છે.
જી હા, અહીં વાત થઈ રહી છે હીરાબા મોદીની. હીરાબા મોદી એક પ્રેમાળ અને વીરપુત્રની માતા તરીકે માત્ર પીએમ નરેન્દ્ર મોદીને જ નહીં પણ દેશના તમામ લોકોની સદાય સ્મૃતિમાં રહેશે. હીરાબા મોદીએ નરેન્દ્ર મોદીને એક પુત્ર તરીકે, એક સીએમ તરીકે અને બાદમાં પીએમ બનવા સુધીની તમામ ક્ષણે સાથ અને આશીર્વાદ આપ્યા હતા અને પીએમ મોદી પણ દરેક મહત્ત્વના પ્રસંગે માતા પાસે પહોંચીને તેમના આશીર્વાદ લઈને આગળ વધતા હતા.
આ વખતના આંતરરાષ્ટ્રીય મધર્સ ડેના પ્રસંગની કરુણતા એ છે કે આ મધર્સ ડે પીએમ મોદી માટે પહેલો એવો મધર્સ ડે છે જ્યાં તેઓ પોતાની માતાને માત્ર યાદ કરી શકે છે, તેમને સામે જોઇ શકતા નથી, કેમ કે ગયા વર્ષે જ હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું હતું. 30મી ડિસેમ્બર 2022ના દિવસે હીરાબાએ ગાંધીનગર અંતિમ શ્વાસ લીધા હતા. મુખ્ય પ્રધાનથી વડા પ્રધાન બન્યા બાદ પણ પીએમ નરેન્દ્ર મોદી હીરાબા માટે એમનો દીકરો પહેલાં હતા.
પીએમ મોદીથી આગળ વધીએ અને વાત કરીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નેતા રાહુલ ગાંધીની. રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માતા સોનિયા ગાંધી સાથેનો ફોટો પોસ્ટ કરીને મધર્સ ડેની શુભેચ્છા આપતા લખ્યું હતું કે હેપ્પી મધર્સ ડે.
જોકે, આવું પહેલી વખત નથી થયું. અવારનવાર રાહુલ ગાંધી ઘણીવાર તેમની માતા સોનિયા ગાંધી સાથે ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ પહેલાં પણ કોંગ્રેસના સ્થાપના દિવસના અવસર પર પણ રાહુલ ગાંધીનો સોનિયા ગાંધીના ગાલને પ્રેમથી પકડીને કંઈ વાત કરતો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો અને લોકોએ તેના પર કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ વરસાવ્યો હતો.