આવતી કાલે એટલે કે 14મી મેના રોજ વિશ્વનો સૌથી મોટો તહેવાર છે. આ તહેવારને જાત, ધર્મ, ગામ, શહેર, ઉંચ-નીચ કોઈ સીમાડા નડતા નથી. આ દિવસ એ દરેક સજીવ માટે ઉજવણીનો દિવસ છે જેણે આ સૃષ્ટિ પર જન્મ લીધો છે. હા કાલે આ વિશ્વને અસ્તિત્વમાં લાવનારી જન્મદાત્રી-માતાનો દિવસ એટલે કે મધર્સ ડે છે. મે મહિનાના બીજા રવિવારે ભારત સહિત ઘણા દેશોમાં માતૃત્વની ઉજવણી કરતો આ દિવસ ઉજવાય છે. આમ તો આ પરંપરા ગ્રીક સંસ્કૃતિમાંથી આવી છે.
ભારતમાં તો માતૃ દેવો ભવની ભાવના સદીયોથી છે. મધર્સ ડે ભલે મોર્ડન ટાઈમની દેન હોય પણ માતાના ઋણને ચૂકવવાની અને તેને ઈશ્વરના સ્થાને મૂકવાની પરંપરા આપણી સંસ્કૃતિએ આપણને આપી છે. કાલે તો માત્ર આ પ્રેમને અભિવ્યક્ત કરવાનો દિવસ છે. તો તમે મમ્મી માટે કંઈ પ્લાન કર્યું છે કે નહીં ? આવો અમે તમને કંઈક અલગ ટીપ્સ આપીએ જે ચીલાચાલુ ઉજવણી કરતા હટકે છે અને તમારી મમ્મીને ચોક્કસ ગમશે.
તેને ફ્રી રાખો…ઈન્ડિયન મધર્સ અમેઝિંગ હોય છે. આપણે ત્યાં ગમે તેટલી શિક્ષિત કે મોટા હોદ્દા પર મા હોય તો પણ તે સંતાનોની નાની નાની વાતોનું ધ્યાન રાખતી હોય. ખાસ કરીને જે માતાઓ માત્ર ગૃહિણી છે તેમની પાસે તો એવી અપેક્ષા જ રાખવામાં આવે છે કે તે સવારે ઉઠીને રાત્રે સૂતા સમય સુધી તમારી સેવામા હોય. તો આજની પહેલી ટીપ્સ એ છે કે મમ્મીને તેની રોજબરોજની ડ્યૂટીમાંથી ફ્રી કરો.
તેના કરતા થોડા વહેલા ઉઠી જાઓ અને ઘરની સફાઈ કરો કે તેને સવારની ચા કે દૂધ તૈયાર આપો. આમ તો આખું વર્ષ પોતાનું કામ પોતે કરવું જોઈએ, પણ આજનો દિવસ તો તેનાં કામ પણ તમે કરો. તેને પણ રવિવારની રજા માણવા દો. બને તો બહારનું ભોજન ઓર્ડર ન કરતા તેને તમારા હાથે કંઈક બનાવી ખવડાવો. ફાઈવ સ્ટાર હોટેલ કરતા પણ તેને આ ભોજન વધારે ભાવશે. તેનાં બધા કામ કરી તેને ફીલ કરાવો કે તે કેટલી મોટી જવાબદારી ઉઠાવે છે. તમારી માતા વર્કિગ વૂમન હોય કે હાઉસવાઈફ તમારી આ નાનકડી પહેલ તેને મજા કરાવી દેશે.
ગિફ્ટ શું આપશો…સ્વાભાવિક છે તમારી ડીયર મમ્માના ગમા-અણગમા તમને ખબર જ હશે. આથી જો તમે જ્વેલરી કે સારો ડ્રેસ કે એવું કંઈ વિચારતા હો તો રહેવા દો. તેને એવું કઈક આપો જે બહુ સ્પેશિયલ હોય. જેમ કે તેમના જીવનની કોઈ ખાસ ક્ષણની તસવીર, તેમની સ્કૂલ ફ્રેન્ડ્સ સાથે તેમનો વીડિયોકોલ, કોઈ એવી વસ્તુ જેનો તેને શોખ હતો, પણ સમય જતા તે શોખ દબાઈ ગયો.
તેમની એવી ઈચ્છા પૂરી કરો જે તમારી અને ઘરપરિવારની સંભાળ લેવામાં પૂરી થઈ શકી નહીં. જો કંઈ શક્ય ન હોય તો તેને તે મીઠી યાદોની દુનિયામાં લઈ જાઓ જેને વાગોળીને જ તે ખુશ થઈ જશે.
આટલું તો કરો જ…ભારતમાં માતા-પિતા પોતાના સંતાનોને પ્રેમ કરે છે, પણ તે અભિવ્યક્ત કરતા નથી. આપણે આઈ લવ યુ કે હગ કરવાની પ્રથા નથી. આવું જ સંતાનો પણ કરે છે. માતા-પિતાને પ્રેમ તો કરે છે પણ કહેતા નથી. ચાલો નવો રિવાજ બનાવીએ. એકબીજાને કહીએ કે તમે કેટલા સ્પેશિયલ છો. આજે તમારી મમ્મીને કહો કે તેની રસોઈ તમને કેટલી ભાવે છે, તે માથે તેલ માલિશ કરે છે ત્યારે તમને કેટલી શાંતિ ફીલ થાય છે, તે વારંવાર ટોક્યા કરે છે ત્યારે ભલે ન ગમે પણ પછીથી એ સમજાય છે કે તે મારી માટે જ તો આમ કરે છે.
તેને તમારા શબ્દોથી, નાના જેસ્ચર્સથી સમજાવો કે તે દુનિયાની સૌથી સ્પેશિયલ મા છે. આજનો દિવસ મોબાઈલ, ટીવી કે અન્ય બધામાંથી બહાર નીકળી માતા સાથે સમય વિતાવો. તેની સાથે રહો. જો બને તો આવું રોજ કરો. કારણ કે એવરી ડે ઈઝ મધર્સ સ્પેશિયલ ડે.