જીવન-મરણનો અંદાજ આજ સુધી લગાવી શકાયો નથી. તે ઈશ્વરઈચ્છા આધિન જ છે. સુરતમાં આવી જ એક ઘટના બની, જેમાં માતાનું અક્સમાતે મોત થતા ત્રણ બાળકોએ માની છત્રછાયા ગુમાવી છે. અક્સમાત પણ થોડો વિચિત્ર જ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મિલમાં ડ્રમ મશીનના કાપડ ખોલવાનું કામ કરતી વખતે ડ્રમ મશીનમાં સાડીનું પલ્લું ફસાઈ જતા મહિલા મશીનમાં આવી ગઇ હતી. ગંભીર ઇજાઓ થતાં મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના મોતથી ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના એકોની ગામના વતની અને હાલમાં પાંડેસરા વડોદ સ્થિત ક્રિશ્ના નગર પાસે રહેતા ટુંમ્પાદેવી દીનબંધુ પાંડે પાંડેસરા જીઆઈડીસી સ્થિત ટેક્સટાઈલની ફેક્ટરીમાં કામ કરતા હતા. રોજનું કામ હતું, પરંતુ આજે મોત પોકારતું હશે કે ડ્રમ મશીનમાં કાપડ ખોલવાનું કામ કરતી વખતે ડ્રમ મશીનમાં તેમની સાડીનું પલ્લું ફસાઈ ગયું હતું. સાડી ફસાઈ જતાં મહિલા પણ મશીનમાં આવી ગઇ હતી અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બનાવની જાણ થતાં આસપાસના લોકો પહોંચ્યા હતા અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જોકે તેનું મોત નીપજ્યું હતું. માત્ર છ મહિનાથી જ કામે લાગેલી આ મહિલાના મોતથી પરિચિતો શોકમાં ડૂબી ગયા હતા. સવારે ઘરેથી નીકળેલી માતા સાંજે પાછી ઘરે નહીં આવે તેની જાણ નાના બાળકો કે માતાને ક્યાં હતી, પણ વિધિની વક્રતા આને જ કહેવાય છે.