હેન્રી શાસ્ત્રી
મહાભારતની કુંતીને લોકો કર્ણનો ત્યાગ કરનારી કુંવારી માતા કે પેટમાં વાત ટકાવી નહીં શકતા સ્ત્રી સ્વભાવના પ્રતીક તરીકે જ ઓળખે એ તેમની સાથે અન્યાય કરવા બરાબર છે. અલબત્ત આ તેમની મર્યાદિત ઓળખ છે. જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી હોવા છતાં પોતાના હક માટે લડી લેવા પાંડવ પુત્રોને પોરસ ચડાવનાર ક્ષત્રિય માતા અને ઈચ્છા હતી એ સુખ એ વૈભવે જ્યારે બારણે ટકોરા માર્યા ત્યારે વૈરાગ્ય અપનાવતા કુંતી માતા એ તેમનો મહત્ત્વનો પરિચય છે. ‘માતૃ દિન’ નિમિત્તે આજે આપણે કુંતી માતાના સ્વભાવના એ પાસાં વિશે જાણવાની કોશિશ કરીએ જેનાથી બહુ ઓછા લોકો માહિતગાર છે.
પહેલા તો કુંતીના ભવિષ્યનો આલેખ નક્કી કરવામાં સ્ત્રીસહજ કુતૂહલતા નિમિત્ત બની એ વાત જાણવી અને સમજવી જોઈએ. કુંતી યદુકુળના રાજા શૂરસેનની ક્ધયા હતી અને એનું નામ પૃથા હતું. કુંતી પ્રદેશના રાજા કુંતીભોજે શૂરસેન પાસેથી પૃથાને દત્તક લઈ એનું નામ કુંતી પાડ્યું હતું. કુંતી વાસુદેવની બહેન હોવાથી કૃષ્ણના ફઈબા થાય. કુંતીએ કુંવારી અવસ્થામાં કોઈ ઋષિની ઉત્તમ પ્રકારે ચાકરી કરવાથી પ્રસન્ન થયેલા ઋષિએ સૂર્ય, ધર્મ, યમ, વાયુ, ઈન્દ્ર અને અશ્વિનકુમાર એ દેવતાઓના મંત્ર આપી કહ્યું હતું કે ‘કારણ પરત્વે પુત્ર થવો જોઈએ એવું તને લાગે ત્યારે તું આમાંથી જે દેવતાનો જાપ કરીશ એ પ્રગટ થઈ તને પુત્ર આપશે. વગર કારણે જપ નહીં કરતી.’ ઋષિ જતા રહ્યા એના કેટલાક સમય પછી કુંતીને મંત્રને ચકાસવાનું, એનો પ્રભાવ જોવાનું કુતૂહલ થયું. સૂર્યના મંત્રનો જાપ કરતા જ સૂર્ય પ્રગટ થયા અને કુંતીએ ના પાડવા છતાં તેને ગર્ભ રહ્યો. કુંવારી ક્ધયા અને ગર્ભવતી હોવાથી કુંતી એકાંતમાં રહેવા લાગી. નવ માસ પૂર્ણ થતા કવચ અને કુંડળ સહિત દૈદીપ્યમાન પુત્ર જન્મ્યો. લોક લાજે કુંતીએ આ પુત્રને ત્યજવાનું નક્કી કર્યું અને વિશ્ર્વાસુ દાસી મારફત પેટીમાં નદીમાં તરતો મુક્યો હતો. આ પુત્ર પછી કર્ણ નામથી પ્રખ્યાત થયો હતો. સ્ત્રીસહજ કુતૂહલ કર્ણ જન્મ અને વિશેષ તો તેને ત્યજવામાં નિમિત્ત બન્યું. જીવનની કરુણતા કેવી કે કર્ણને જન્મ આપ્યો હોવા છતાં એ ક્યારેય કર્ણની માતા તરીકે સ્વીકૃતિ ન મેળવી શકી, ખુદ કર્ણએ પણ તેમને માતા તરીકે સ્વીકારી નહીં.
પાંડવોના ૧૩ વર્ષના વનવાસ કાળ (એક વર્ષ અજ્ઞાતવાસ હતો) દરમિયાન કુંતી દિયર વિદુર (ધૃતરાષ્ટ્ર અને પાંડુના અનુજ)ના ઘરમાં રહ્યાં હતાં. વનવાસ પૂરો થયા પછી પાંડવોએ પોતાનો હિસ્સો માગ્યો ત્યારે દુર્યોધને ના પાડતા યુદ્ધના મંડાણ થયાં હતાં. યુદ્ધ થતું અટકાવવા શાંતિના પ્રયાસ માટે કૃષ્ણ હસ્તિનાપુર ગયા ત્યારે તેમની મુલાકાત કુંતી ફોઈ સાથે થઈ હતી. અપમાનથી વ્યથિત થયેલા કુંતીએ પોતે કૌરવોને ક્યારેય માફ નહીં કરે એમ ભત્રીજાને જણાવી યુદ્ધમાં પોતે કોની પડખે છે એ સ્પષ્ટ કરી દીધું હતું. કુંતી માતાએ કેટલાક સંદેશા પોતાના પુત્રો સુધી પહોંચાડવા કૃષ્ણને કહ્યું હતું. આ સંદેશામાં કુંતી યુદ્ધની તરફેણમાં હતા એ સ્પષ્ટ થાય છે. યુધિષ્ઠિર માટે સંદેશ હતો કે જો તે પોતાની ફરજ અદા નથી કરી શકતો તો એના ધર્મરાજા હોવાનો કોઈ અર્થ નથી. માતાને એનું ગૌરવ પાછું મેળવી આપવાનો સમય પાકી ગયો છે એવો સંદેશો ભીમ અને અર્જુનને મોકલ્યો હતો જ્યારે નકુલ અને સહદેવને શિખામણ આપી હતી કે નસીબના જોરે નહીં, સામર્થ્ય અને વીરતાથી જોઈતું મેળવવાને પ્રાધાન્ય આપવું. ટૂંકમાં તેઓ યુદ્ધની તરફેણમાં હતાં. કુંતીના સ્વભાવનાં લક્ષણો વિવિધ પ્રસંગો દ્વારા વ્યક્ત થાય છે. હસ્તિનાપુર દરબારમાં સન્માન યોગ્ય કેવળ વિદુર જ છે એવું કુંતીનું માનવું હતું, કારણ કે ચોપાટના ખેલ વખતે દુ:શાસને દ્રૌપદી સાથે કરેલા અમાનવીય વર્તનનો વિરોધ કેવળ વિદુરે કર્યો હતો. આ પ્રકારની ઘટના તેમની માનસિકતા ઘડવામાં નિમિત્ત બની હતી. એટલે જ તેમણે કહ્યું હતું કે ‘માનવીનું મૂલ્ય તેણે મેળવેલી સંપત્તિ કે જ્ઞાનને આધારે નહીં, પણ તેના ચારિત્ર્ય અને આચરણના માપદંડથી કરવું જોઈએ.’
માતા કુંતીએ પરિવારના ગૌરવ – સન્માન પાછું મેળવવા પુત્રોને યુદ્ધ કરવા કેમ લલકાર્યા એની પાછળ એક નાનકડી પણ અર્થપૂર્ણ કથા છે. એ કથા છે સિંધુ દેશની રાણી વિદુલાની. પતિનું અવસાન થતાં વિદુલાનો પુત્ર સંજય નાની ઉંમરે અને કારભારનો કોઈ અનુભવ ન હોવા છતાં સિંધુ દેશની પડખે આવેલા નાનકડા સૌવીર દેશનો રાજા બની ગયો. સિંધુ દેશના રાજાએ યુદ્ધ કરી બિનઅનુભવી રાજાને હરાવીને પ્રદેશ કબજે કરવાનું નક્કી કર્યું. આક્રમણ કરવા ધસી રહેલી સેનાને જોઈ સંજય ગભરાઈ ગયો ત્યારે માતા વિદુલાએ ક્ષત્રિય ધર્મનું સ્મરણ કરાવી પુત્રને સામી છાતીએ લડવા પોરસ ચડાવ્યો. જોકે, શક્તિશાળી દુશ્મનથી ઘવાઈને સંજય પાછો ફર્યો ત્યારે માતા વિદુલાએ અનુકંપા દર્શાવવાને બદલે ફરી તેને યુદ્ધ કરવા પાનો ચડાવ્યો. વિદુલાએ દીકરાને લલકાર્યો કે ‘એ ડરપોક! ઊભો થા. યોદ્ધો તો ગુસ્સે ભરાયેલા હાથી જેવો હોવો જોઈએ જે એનું બૂરું કરનાર સર્વેનો નાશ કરી દે. જા ફરી યુદ્ધભૂમિ પર જા. તારી પાસે બે જ વિકલ્પ છે: યા તો દુશ્મનને પરાજિત કરી વિજય મેળવી પાછો આવ અથવા છેલ્લા શ્ર્વાસ સુધી લડી શહીદ થઈ જા.’ માની આ વાણી સાંભળી સંજય જુસ્સામાં આવી યુદ્ધભૂમિ પર પાછો ફર્યો અને સિંધુ નરેશને તગેડી મુકી વિજય મેળવી પાછો ફર્યો.’ માતા કુંતીએ આ કથા પુત્રોને જણાવવા કૃષ્ણને કહ્યું હતું. કથાનો સાર સ્પષ્ટ હતો કે અપમાન ગળી નિર્ધન અવસ્થામાં નહીં રહેવાનું. પરિવારના આત્મ સન્માન – ગૌરવ અને જાહોજલાલી પાછા મળે એ માટે યુદ્ધ કરવું. ટૂંકમાં હક માટે લડી લેવું એ માતા કુંતીની પંચલાઈન હતી.
મક્કમ અને આક્રમક સ્વાભાવના કુંતી માતા યુદ્ધ પૂર્વે ત્યજી દીધેલા પુત્ર કર્ણને મળવા ગયાં હતાં એ પ્રસંગે જવલ્લે જ નજરે પડેલી તેમની માનસિક અનિશ્ર્ચિતતા નજરે પડી હતી. માતુશ્રીને પોતાના બે પુત્ર અર્જુન અને કર્ણ વચ્ચે ભીષણ લડાઈ થશે એનો અંદાજ આવી ગયો હતો. આ સંભવિત લડાઈ ટાળવા કુંતી માતાએ કર્ણને કૌરવનો પક્ષ છોડી પાંડવ પક્ષે આવવા લોભામણી દરખાસ્ત રજૂ કરી હતી, પણ કર્ણ દુર્યોધન પ્રત્યે વફાદારીમાં અડગ હતો. માતા કુંતીની એવી ગણતરી હતી કે કર્ણ દુર્યોધનને ત્યજી દેશે તો પાંડવો સાથે સમાધાન કરવા સિવાય દુર્યોધન પાસે વિકલ્પ જ નહીં રહે, વિધ્વંશ ટાળી શકાશે અને પરસ્પર તાલમેલથી બન્ને પરિવાર હળીમળીને રહેશે. જોકે, યુદ્ધ ટાળી શકાય એમ નથી એની ખાતરી થયા પછી તેમણે પુત્રોને લડી લેવા હાકલ કરી હતી.
અંતે કુરુક્ષેત્રમાં વિનાશકારી યુદ્ધ થઈને જ રહ્યું. યુદ્ધ પછી કુંતી માતાનું અલગ જ સ્વરૂપ જોવા મળ્યું. છીનવાઈ ગયેલી સત્તા અને સંપત્તિ પાછી મેળવવા રાણી વિદુલાની જેમ પુત્રોને લલકારનાર કુંતી માતા અનેક વર્ષ પીડા – યાતના ભોગવ્યા પછી વૈભવી અને એશોઆરામની જિંદગી જીવવા ઉત્સુક હોય એ સ્વાભાવિક હતું. પણ ના. હવે સંપત્તિ અને સમૃદ્ધિનો કોઈ મોહ તેમને નહોતો રહ્યો. તેમણે તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સાથે હિમાલયનાં જંગલો ભણી પ્રયાણ કરવાનો નિર્ણય જાહેર કર્યો. યુધિષ્ઠિર અને ભીમે તેમને નિર્ણય બદલવા ખૂબ સમજાવ્યા, પણ માતા કુંતી વિચલિત ન થયા. વૈભવ નહીં વિરક્તિ એ તેમનો નવો જીવનમંત્ર બન્યો હતો. નીકળતા પહેલા પુત્રોને લાંબા લાંબા ઉપદેશ આપવાને બદલે એટલું જ કહ્યું કે સચ્ચાઈનો રાહ અપનાવજો અને ઉદાર વૃત્તિ રાખજો. શેષ જીવન ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સેવામાં સંતોષ સાથે વિતાવ્યું અને હસ્તિનાપુર તેમજ પુત્રોના વૈભવના વિચારોને ફરકવા જ ન દીધા. એક દિવસ જંગલ આગની ભીષણ જ્વાળામાં લપેટાયું ત્યારે માતા કુંતીએ શાંત અને સ્વસ્થ ચિત્તે દેહત્યાગ કર્યો.
આટલું વાંચ્યા પછી કુંતી માતા માટે તમને આદરભાવ જાગે કે નહીં એ વૈયક્તિક બાબત છે, પણ લેખની શરૂઆતમાં રજૂ કરેલી તેમની ઓળખનો વિસ્તાર તો આટલું વાંચ્યા પછી જરૂર થયો હશે એ આશા તો અસ્થાને નથી. કુંતીને માત્ર વગોવાયેલી માતા તરીકે જ ન ઓળખવા જોઈએ.