સુરતમાં પાંચ વર્ષીય બાળકીના મૃત્યુના કેસમાં જે ખુલાસો થયો છે તે જાણી ભલભલાને ધ્રુજારી ચડી જાય તેમ છે. ઘણીવાર માતા-પિતાના હાથે બાળકને મારી નાખવાનું કે રઝળતા મૂકી દેવાનું બને છે, પરંતુ સુરતમાં સગી જનેતાએ જે રીતે પોતાની પાંચ જ વર્ષની બાળકી મારી છે તે જાણી માએ મમતાની જ હત્યા કરી નાખી હોવાનું જણાય છે. સુરતના વેડ રોડ ફટાકડી વિસ્તારમાં માતાએ પોતાની 5 વર્ષની દિવ્યાંગ બાળકીને ઓટલા પર પછાડી પછાડીને નિર્દયતાથી તેની હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેડ રોડ ખાતે આવેલા ફટાકડી વિસ્તારમાં રહેતી મહિલાની 5 વર્ષની દિવ્યાંગ બાળકી કેટલાક રોગોથી પીડાતી હતી. ગઈકાલે ગુરુવારે આ બાળકીને ગંભીર ઈજાઓની ફરિયાદ સાથે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. આ બાળકીની ઈજાઓ ગંભીર હોવાને પગલે બાળકીને વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયું હતું. ઈજાઓ ગંભીર હતી અને બાળકીનું મોત થયું હતું જેથી આ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી.
પોલીસ માટે પ્રશ્ન હતો કે બાળકીનું મૃત્યુ કેવી રીતે થયું જેમાં પોસ્ટ મોર્ટમના પ્રાથિમક અહેવાલમાં કંઈક સંકાસ્પદ લાગતું હતું. આ તરફ પોલીસે પુછપરછ કરતા બાળકીના પિતાએ કહ્યું કે, જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે બાળકીને શ્વાસ લેવાતો ન હતો, તેની હાલત સારી ન હતી. તેથી અમે હોસ્પિટલ લઈને આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પોલીસને તેની માતા પર પણ શંકા જઈ રહી હતી. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા માતા પડી ભાંગી હતી અને બાળકીની હત્યા કર્યા હોવાની કબૂલાત કરી હતી જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારી જનેતાની ધરપકડ કરી છે.
બાળકીની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં બાળકીને આંતરડામાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસને જાણકારી મળી હતી કે બાળકીને ખેંચ આવવાથી મૃત્યુ થયું હતું. જે અંગે શંકાસ્પદ મૃત્યુને લઈ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા મહિલાએ તેની બાળકીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મહિલાએ તેના ઘરની બાજુમાં આવેલા ઓટલા પર બાળકીને પછાડી હતી. જેના કારણે બાળકીને પાંસળીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારબાદ બાળકીને લઈને ઘરે જતી હતી. આટલેથી ન અટકતા માતાએ ઘરે પણ બાળકીને મારવાનું ચાલુ રાખ્યું હતું. જે દરમિયાન મહિલાના પતિ ઘરે પહોંચ્યા હતા. જ્યાં બાળકીને શ્વાસમાં તકલીફ ઉપાડતા તાત્કાલિક સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે તેની વધુ સારવાર ચાલી રહી હતી, પણ આ બાળકીની કમનસીબી કહો કે, તેને સારવાર કારગર નીવડી શકી નહીં. ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. જે માતાની કુખે તેને જન્મ લીધો તે જ માતાના હાથે તેનું મૃત્યુ થયું હતું.
બાળક બીમાર હોય કે દિવ્યાંગ હોય ત્યારે માતા-પિતા પરિવારની જવાબદારીઓ વધી જાય છે. તેમાં પણ જો પરિવાર ગરીબ હોય તો આર્થિક સમસ્યાઓ પણ નડે છે. આથી ઘણીવાર આખો દિવસ સાથે રહેનારી માતા અકળાઈ જાય તે સમજી શકાય, પરંતુ પોતાના સંતાનની શારિરીક ખામીઓને લીધે તેના પર વધારે પ્રેમ આવે અને તેની વિશેષ કાળજી લેવાની હોય તે માંથી વિશેષ કોણ સમજી શકે…ત્યારે મા જ આ રીતે ક્રુર બની બાળકની હત્યા કરી નાખે ત્યારે જાણે માતૃત્વ અને મમતાની હત્યા થઈ ગઈ હોય તેવું લાગે છે.