Homeઉત્સવમોટેભાગે સમાધાનની વાત કરવાવાળા દુનિયાની નજરે નબળા સાબિત થતા હોય છે

મોટેભાગે સમાધાનની વાત કરવાવાળા દુનિયાની નજરે નબળા સાબિત થતા હોય છે

૧૦૦% સમાધાનનું સમીકરણ!

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

સમાધાન, મોટા ભાગે યુદ્ધ પૂરું થયા પછી જ થાય છે. ત્યારે એ સવાલ ઊભો થાય છે કે શું સમાધાન, યુદ્ધ વગર ના થઈ શક્યું હોત? ત્યારે લાગે કે કદાચ સમાધાન, ઘનઘોર યુદ્વમાંથી પસાર થયા વગર ડાયરેક્ટલી પણ થઈ શક્યું હોત!
પતિ-પત્નીના ઝગડા હોય કે બે રાષ્ટ્રોની રસ્સીખેંચ હોય, એવા ઘણાં કિસ્સાઓ છે કે જેમાં ઘણીવાર યુદ્ધ વરસો સુધી લાંબું ખેંચાતું હોય છે ત્યારે એકમેક પર આક્રમણ કરવાનું ઝનૂન માથે ચડી જાય છે. એવું લાગવા માંડે કે યુદ્ધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. સમાધાન ભલે થઇ શકે, પણ જો આપણે લડાઇ જીતીશું તો જ આપણે આપણી શરતો મનાવી શકીશું.
મોટાભાગની સરકારો પણ ઘણા જન-આંદોલન કે ચળવળના સમયે આ ટાઇપના વિવાદનો જ શિકાર બની જતી હોય છે. જન-આંદોલન કરવાવાળા ચળવળિયા લોકો હંમેશાં એવું ઇચ્છે છે કે ગમે તેમ કરીને મામલો કાયદો અને વ્યવસ્થાનો (લો એન્ડ ઓર્ડરનો) બની જાય તો પછી આંદોલન પર કાબૂ મેળવવામાં સગવડતા રહેશે. એટલે આંદોલન કરવાવાળા લોકો ટોળાંમાં પોતાના જ માણસોને મોકલીને પથ્થરબાજી કરાવતા હોય છે. જેનાથી એમને પોલીસની લાઠીચાર્જનું બહાનું મળી જાય છે. પછી એમની ધરપકડ કરવામાં આવે છે. જેથી એ લોકોની મુખ્ય માગણીઓ જ બદલાઈ જાય છે. હવે આંદોલનકારીઓની મુખ્ય માગણીઓ હોય છે કે- ‘પહેલાં અમારા નેતાઓને જેલમાંથી છોડો, મરનારાં અને ઈજાગ્રસ્ત લોકોના પરિવારને મોટું વળતર આપો, જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, એમને પાછા રાખી લો પછી જ આંદોલન પાછું લેવા વિશે વિચારીશું’
બિચારી સરકાર આ બધી માગણીઓને માની લે છે કે માનવી પડે છે, કારણ કે એ બધી સમસ્યાઓના બળતાં ઉંબાડિયા જાણતાં અજાણતાં એણે જ ઊભા કરેલા હતા. પછી જેના માટે આંદોલન શરૂ થયેલું એ મુખ્ય વાત માટે વરસો વરસો સુધી સરકારી કમિટી બેસાડવામાં આવે છે ને તે સમસ્યા પર બેઠી જ રહે છે ને આખરે સૂઇ જાય છે. મતલબ કે આંદોલનનો મામલો ત્યાંનો ત્યાં જ લટકતો રહે છે. જે પ્રશ્ર્નો માટે આંદોલન શરૂ કર્યું હતું એ તો એમનું એમ જ રહે છે. ચળવળિયા અને સરકાર બેઉ વરસો સુધી બદલાતા રહે છે ને સમસ્યા પડી પડી સડી જાય છે.
છૂટાછેડા હોય કે યુદ્ધ, શરૂ થયેલી લડાઈ પૂરી થઈ જાય છે પણ એમાં બેઉ પક્ષે લડવાવાળાઓના હાથમાં કંઇ જ આવતું નથી!
જીવનમાં કે જગતમાં લડવાવાળી પાર્ટીઓ શરૂઆતમાં એટલા માટે સમાધાન નથી કરતી, કારણ કે એવું કરવાથી એમનું નાક કપાઇ જાય છે. શું છે કે મોટેભાગે સમાધાનની વાત કરવાવાળા દુનિયાની નજરે નબળા સાબિત થતા હોય છે. અહંકારનું નાક ઊંચું રહે એટલા માટે પણ લડાઇ કે આંદોલન એમના માટે જરૂરી થઇ પડે છે. ઘણીવાર યુદ્ધ કે ચળવળ, ચ્યુઇંગમની જેમ હાસ્યાસ્પદ લંબાઈ સુધી ખેંચાતા જ જાય છે. એમાં બે દેશો કે બે પાર્ટીઓ એટલું બધું લડી ચૂક્યાં હોય છે કે આખરે કંટાળીને સમાધાન કરવા સિવાય બીજું કંઈ બાકી રહેતું જ નથી. જેમ કે-
અગાઉ ઈરાન-ઈરાકનું યુદ્ધ ચાલ્યા જ કરેલું, (આજકાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે જ રાખે છે) ત્યાં હવે ખાલી કુસ્તી કરવા સિવાય બીજું કંઇ જ બાકી રહ્યું નથી!
લડાઇને ગમે ત્યારે પણ રોકીને સમાધાન કરી શકાય છે, પણ એવું કરે કોણ અને શું કામ કરે? એવા ઘણાં ઉદાહરણો છે જેમાં ખંધા રાજકારણીઓ યુદ્ધનો ઉપયોગ, પોતાની નેતાગીરીની ઈમેજ વધારવા માટે કરે છે. એવાં પણ ઘણાં ઉદાહરણો છે કે ઘણાં નેતાઓની ઈમેજ સતત અસંમતિ અને યુદ્ધની ચર્ચા કે યુદ્ધનો ભય ઊભો કરવાથી જ બની છે અને એમણે મોટાભાગના લોકોને દુશ્મનોનો ડર ફેલાવીને પ્રભાવિત પણ કર્યા હોય છે. યુદ્ધની વાતો અને યુદ્ધની જાહેરાત કરવાથી એ નેતાની ઈમેજ એટલી ચમકે છે કે પછી એ નેતાના પોતાના જ મનમાં ડર બેસી જાય છે કે- ‘હાય, હાય, ક્યાંક સમાધાનની ચર્ચાથી મારી ઈમેજ નબળી થઇને લોકો સામે ખરાબ ન થઈ જાય!’
પાકિસ્તાનના સરમુખત્યારો સાથે હંમેશાં આવું જ થયું છે. ભારતના આક્રમણનો કાલ્પનિક ડર પેદા કરીને નેતાઓ પોતાના લોકોમાં અસુરક્ષાની ભાવના પેદા કરે છે અને ભૂખે મરીને પણ લડાઈ કરી લેવાની એવો ઉલ્લેખ કરીને તેઓ પોતાનું નેતૃત્વ કે સત્તા મજબૂત કરે રાખે છે. ત્યાં એક લોજીકલ સિસ્ટમ પેદા થઇ જાય છે, જે હમેશાં શસ્ત્ર અને યુદ્ધની ચર્ચામાં જ સતત વ્યસ્ત રહે છે.
જો કે, આપણે પણ માની લીધેલું કે પંજાબ અને આસામમાં સમાધાનની સાથે આપણે સમાધાનના યુગમાં પ્રવેશ કરી રહ્યા હતા પણ ચારેબાજુ જુઓ. હવે દેશમાં ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિઓ ઊભી થઇ છે કે જ્યાં બન્ને પક્ષો દ્વારા સમજદારીનો ઉપયોગ જરૂરી છે. મને કેટલાક એવા નેતા લોકો પર દયા આવી રહી છે, જે સળગતી રહેતી સમસ્યાઓની મદદથી જ પોતાના માટે હેડલાઈન્સ મેળવે છે. જો સમાધાનનો યુગ આવી જશે તો એ બિચારા શું કરશે! તેઓ નક્કી નવી સમસ્યાઓ ઊભી કરશે જેથી કરીને છાપાં- ટીવી- મીડિયાને ૨૪ કલાકનો ચારો સતત મળતો રહે ને પોતે ચર્ચામાં રહે.
ઇન શોર્ટ, સમસ્યાઓ તો ઊભી થતી જ રહેશે, જેથી થોડા સમય પછી આખરે સમાધાન તો કરી શકાય!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -