Homeઉત્સવ‘બોલતા પુસ્તક’ કરતાં વંચાતું પુસ્તક કેમ ચડિયાતું છે!

‘બોલતા પુસ્તક’ કરતાં વંચાતું પુસ્તક કેમ ચડિયાતું છે!

મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી

થોડા દિવસ પહેલાં, એક મિત્રએ સવાલ પૂછ્યો, “પુસ્તક વાંચવું અને ઓડિયો બૂક સાંભળવી, એ બંનેમાંથી સારું શું? મિત્રએ કહ્યું કે ઇન્ટરનેટના જમાનામાં ઓડિયો બૂકની વાતો બહુ થાય છે એટલે એક સહજ કુતૂહલ થયું કે પુસ્તકના આ નવા અને પરંપરાગત સ્વરૂપ વચ્ચે, અનુભવની દ્રષ્ટિએ, કોઈ બુનિયાદી ફરક છે?
પ્રશ્ર્ન વાજબી અને રસપ્રદ હતો. પશ્ર્ચિમમાં ૮૦ના દાયકાથી ‘બોલતા પુસ્તક’નું ચલણ વધ્યું છે. ભારતમાં તેની ગતિ ઓછી છે. નેલ્સન ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ૬૩ પ્રતિશત લોકો ફિઝિકલ પુસ્તક વાંચે છે, ૩૧ પ્રતિશત લોકો ઈ-બૂક વાંચે છે અને બાકીના ૬ પ્રતિશત લોકો ઓડિયો બૂક પસંદ કરે છે. વૈશ્ર્વિક સ્તરે, ઓડિયો બૂકનું માર્કેટ ૪૨૧૯ મિલિયન ડોલરનું છે.
ઓડિયો બૂકમાં લોકોને રસ પડવાનું કારણ આધુનિક જીવનની ભાગદોડ છે, જે લોકો અત્યંત વ્યસ્ત છે અને એક જગ્યાએ બેસીને વાંચવાની ફુરસદ નથી, તેવા લોકો કોઈક કામ કરતી વખતે ઓડિયો બૂકને પસંદ કરે છે. જેમ કે, વ્યાયામ કરતાં હોય, ડ્રાઈવિંગ કરતાં હોય, પ્રવાસ કરતા હોય, ઘરકામ કરતા હોય, ક્યાંક કશાકની રાહ જોતા હોય વગેરે. ‘એક જગ્યાએ બેસીને એકાગ્ર થઇને પુસ્તક વાંચવું અને કશુંક કરતી વખતે કાનમાં ઈયરફોન પહેરીને પુસ્તકને સાંભળવું,’ એ બંને સરખી જ ક્રિયા છે? સમજીએ.
આપણે માત્ર મગજમાં માહિતી એકઠી કરવા માટે પુસ્તક નથી વાંચતા, આપણે આંખ અને મગજની વચ્ચે જે જુગલબંધી રચાય છે તેના અનુભવ માટે પુસ્તક વાંચીએ છીએ. એવું પુરવાર થયેલું છે કે પુસ્તક વાંચતી વખતે બ્રેઇનના વિભિન્ન હિસ્સાઓ સક્રિય થાય છે, જેમ કે- ફ્રન્ટલ લોબ્સ (એટેન્શન, તર્કશક્તિ, વાંચવાની પ્રવાહિતા, ભાષાબોધ) ટેમ્પોરલ લોબ્સ (સ્મૃતિ), પાર્શિયલ લોબ્સ (લેંગ્વેજ પ્રોસેસિંગ), ઓક્સિપિટલ લોબ્સ (લખાયેલા શબ્દોનું વિઝ્યુઅલ પ્રોસેસિંગ) અને સેરેબેલમ (શબ્દોની સાથે આંખની કિકીઓની મૂવમેન્ટ કરવાનું મોટર કંટ્રોલ).
નિયમિત પ્રમાણે વાંચતા રહેવાથી શબ્દભંડોળ વધે છે, તર્કશક્તિ તીક્ષ્ણ બને છે, એકાગ્રતા મજબૂત થાય છે, યાદદાસ્ત ચુસ્ત થાય છે અને ક્રિટિકલ થિન્કિંગ બળવાન બને છે અને એ બધા ઉપરાંત બ્રેઇનની નેટવર્ક કનેક્ટિવિટી વધુ શાર્પ બને છે.
ઓડિયો બૂકમાં આ આખી એક્ટિવિટી વહેંચાઈ જાય છે. તમે કશું કામ કરતી વખતે ઓડિયો બૂક વાંચતા હો ત્યારે બ્રેઇન બે પ્રવૃત્તિમાં વહેંચાયેલું હોય છે, પરિણામે પુસ્તકમાંની વિગતોની તો ખબર પડે છે, પરંતુ બ્રેઇનને સ્વસ્થ અને પૌષ્ટિક અનુભવ નથી થતો.
બીજી રીતે સમજવું હોય તો સિનેમાનું ઉદાહરણ લઇ શકાય. જે લોકો પુસ્તકો નથી વાંચતા તેમના માટે સિનેમા જોવાનો વિકલ્પ હોય છે. ઘણી સિનેમાઓ પુસ્તકો પરથી બનતી હોય છે, પરંતુ અનુભવનો સંબંધ છે ત્યાં સુધી, પુસ્તક વાંચવું અને ફિલ્મ જોવી એ સમાન નથી. પુસ્તક આપણા મગજને સક્રિય બનાવે છે, જયારે ફિલ્મ આળસુ બનાવે છે.
આપણે પુસ્તક વાંચતા હોઈએ ત્યારે આપણું મગજ લખાયેલા શબ્દો અને વાક્યોના અર્થ પ્રમાણે કલ્પનાને છુટ્ટો દોર આપે છે, તેનાથી વિપરીત ફિલ્મ કલ્પનાને સીમિત કરે છે, કારણ કે આપણા વતી ફિલ્મમેકરે કલ્પના કરીને આપણી સામે ધરી દીધી હોય છે. એ અર્થમાં ફિલ્મ આપણને સતહ પર રાખે છે, પુસ્તક આપણને ગહેરાઇમાં લઇ જાય છે.
પુસ્તકમાં આપણને બધું જ કહેવામાં આવે છે, પણ કશું જ બતાવવામાં નથી આવતું, એટલે આપણું મગજ જાતે જ વિઝ્યુઅલ્સ સર્જે છે. ફિલ્મમાં જેટલું કહેવાનું હોય છે એટલું જ બતાવવામાં આવે છે, એટલે મગજે કશું વિઝ્યુલાઈઝ કરવાનું રહેતું નથી. એટલા માટે પુસ્તકનાં એકથી વધુ અર્થઘટન શક્ય છે. જેમ કે, ‘મહાભારત’નો ગ્રંથ વાંચીને દરેક વ્યક્તિ તેનો જુદો-જુદો અર્થ તારવી શકે છે, પરંતુ બી. આર. ચોપડાની ‘મહાભારત’ સિરિયલ જોઇને બધા એક સરખું જ વિચારે અથવા સમજે છે. ભગવદ્ ગીતાનાં ભિન્ન-ભિન્ન ભાષ્યો થયાં છે, થાય છે અને હજુ પણ થશે તે લખાયેલા શબ્દની કમાલ છે. પુસ્તકમાં આપણી આંખો શબ્દો વાંચે છે અને મગજ ફિલ્મ બનાવે છે. પુસ્તકમાં કલ્પના પર આપણું સંપૂર્ણ નિયંત્રણ હોય છે, જ્યારે ફિલ્મમાં કલ્પનાનું નિયંત્રણ બીજાના હાથમાં હોય છે.
ફિલ્મ જોવી એ ડ્રાઇવર સાથે બેસીને મુસાફરી કરવા જેવું છે. કાર તેજ હોય કે ધીમી, કાર ડાબે જાય કે જમણે, એ ડ્રાઇવરના હાથમાં હોય છે. આપણે એના ડ્રાઇવિંગ પ્રમાણે ચાલવાનું હોય છે. એટલે આપણે સંપૂર્ણપણે નિષ્ક્રિય રહીને મુસાફરી કરીએ છીએ. ઓડિયો બૂક પણ કંઇક અંશે ઑટો-ડ્રાઈવિંગ જેવું છે. તેની સામે ફિઝિકલ પુસ્તક વાંચવું એ જાતે કાર ચલાવવા જેવું છે. તેની દિશા અને ગતિ પર આપણો સંપૂર્ણ કાબૂ હોય છે. આપણે ઈચ્છા પડે ત્યાં વળીએ, ઊભા રહીએ, તેજ-ધીમા થઈ શકીએ છીએ.
બેઝિકલી, આ લખાયેલા અને
બોલાયેલા શબ્દનો ફર્ક છે અને એ ફર્ક ઘણો મહત્ત્વનો છે. અંગ્રેજીમાં એક જાણીતું મેટાફર છે; અ વર્ડ લિસન્ડ ઓક્યુપાઇઝ ધ માઈન્ડ વન્સ. અ વર્ડ સ્પોકન ઓક્યુપાઇઝ ધ માઈન્ડ ટ્વાઇસ. અ વર્ડ રિટન ઓક્યુપાઇઝ ધ માઈન્ડ થ્રાઈસ-સાંભળેલો શબ્દ એકવાર યાદ રહે. બોલાયેલો શબ્દ બેવાર યાદ રહે. લખાયેલો શબ્દ ત્રણવાર યાદ રહે.
આ વિધાનનો મતલબ એ છે કે લખાયેલા શબ્દથી મગજની સ્મૃતિ શક્તિ અને વૈચારિકતા જેટલી વધે છે, તેટલી સાંભળવાથી કે બોલવાથી નથી વધતી. મગજ પણ સ્નાયુઓનું બનેલું હોય છે. જેમ કસરતથી સ્નાયુઓ મજબૂત અને તંદુરસ્ત થાય છે, તેવી રીતે લખવાથી સ્મૃતિ અને વૈચારિક ક્રિયા વધુ તેજ અને સફાઈપૂર્વકની બને છે.
સાંભળવા કે બોલવાની સરખામણીમાં લખવાની અને લખાયેલું વાંચવાની ટેવથી મગજના અનેક હિસ્સાઓમાં નર્વ સેલ્સ વચ્ચે કનેક્શન ગોઠવાય છે. લખતી વખતે આંખો જુવે છે, આંગળીઓ અક્ષરો મરોડે છે, મગજ વિચારો રચે છે અને ચેનલાઇઝ કરે છે. એ મલ્ટીટાસ્કિંગ પ્રોસેસ છે. એટલા માટે સ્કૂલમાં અક્ષરો યાદ રાખવા માટે તેને લખવાની ફરજ પાડવામાં આવે છે.
સાંભળવું, બોલવું અને વાંચવું એ પેસિવ ક્રિયા છે, કારણ કે એમાં માત્ર ઇનપુટ્સ હોય છે, જ્યારે લખવું એ એક્ટિવ ક્રિયા છે, કારણ કે તેમાં આઉટપુટ્સ હોય છે. વર્બલ કોમ્યુનિકેશન તો દરેકને આવડે. પ્રાણીઓમાં પણ એ હોય છે. લખવું એ હુનર ગણાય છે. એમાં શિસ્ત જોઈએ, પ્રેક્ટિસ જોઈએ, અનુભવ જોઈએ. એટલા માટે જે લોકો સરસ બોલે છે, તે સરસ લખી શકે તે જરૂરી નથી, પણ જે લોકો સરસ લખે છે, તે ઉત્તમ રીતે બોલી જરૂર શકે.
શરીર માટે વ્યાયામ અને મગજ માટે વાચન, બંને સરખાં છે. તમે જો બે વર્ષ સુધી રોજ પાંચ કલાક વાંચો, તો તમારું મગજ સંપૂર્ણપણે ‘નવું’ થઇ જાય. વાંચવું એ સંગીતનું ઓર્કેસ્ટ્રા ચલાવવા જેવું કામ છે. એમાં મગજના નાના-મોટા અનેક હિસ્સાઓ સક્રિય થાય છે. અમુક લોકોને સંગીત વિશે વાંચતી વખતે સૂર સંભળાવવા લાગે અથવા ફૂલ વિશે વાંચીને સુગંધ આવવા લાગે, તેનું કારણ મગજનાં વિભિન્ન ફંકશન વાચનની પ્રક્રિયામાં જોડાઈને ચુસ્ત થાય છે. એટલે માટે જ વાચન આદતની ક્રિયા છે, જેને વાંચવાની ટેવ ના પડી હોય, તેવા લોકોનાં મગજ લાંબુ વાંચીને થાકી જાય અથવા ટર્ન ઑફ થઇ જાય. આ વ્યાયામ કરવા જેવું છે. મગજને ટર્ન ઓન કરવું હોય તો નિયમિત વાંચતા રહેવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -