Homeઉત્સવટોટલ બેન્ગર: સાહસ, શિષ્ટાચાર અને સુંદરતાની દીપિકા

ટોટલ બેન્ગર: સાહસ, શિષ્ટાચાર અને સુંદરતાની દીપિકા

મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી

લોસ એન્જેલસમાં આ વર્ષનો ઓસ્કાર ઍવોર્ડ સમારોહ યોજાયો, ત્યારે તેમાં એસએસ રાજામૌલીએ તેમની ફિલ્મ ‘આરઆરઆર’ ના ડાન્સ ‘નાટુ નાટુ’ અને કાર્તિક ગોન્સાલ્વિસે ડોક્યુમેન્ટરી ‘ધ એલિફન્ટ વ્હીસ્પરે’ અનુક્રમે બેસ્ટ ઓરિજીનલ સોંગ અને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો ઍવોર્ડ સ્વીકારીને ભારતની શાનમાં વધારો કર્યો હતો. એ ઉપરાંત, તેમાં એક ત્રીજી વ્યક્તિની ઉપસ્થિતિ પણ એટલી જ શાનદાર હતી, અને તે હતી દીપિકા પાદુકોણ.
આંતરરાષ્ટ્રીય ફેશન બ્રાંડની એમ્બેસેડરના નાતે, દીપિકા આ વખતના ઓસ્કારમાં એક પ્રસ્તુતકર્તા (પ્રેઝેન્ટર) તરીકે ઉપસ્થિત હતી. ૩૭ વર્ષની દીપિકાની ૨૦ વર્ષની કારકિર્દીમાં આ એક સીમાચિન્હરૂપ મુકામ હતો. ખાસ તો એટલા માટે કે તેનું અંગત અને વ્યવસાયિક જીવન ખાસુ ઉતાર-ચઢાવવાળું રહ્યું છે.
બોલીવૂડની સેલિબ્રિટીઓને જોઇને પ્રેરણા અથવા મોટિવેશન મેળવવું અઘરું હોય છે કારણ કે તેઓ દેખાડા અને દંભની જિંદગી જીવતા હોય છે. મનોરંજન માટે આપણે એમના ફેન હોઈ શકીએ, પરંતુ તેમના વિચાર અને વર્તનમાં ભાગ્યે જ એવું કશું હોય છે જે આપણને આપણી
જિંદગીમાં ઉપર ઊઠવા માટે પ્રેરિત કરે.
દીપિકા માટે કદાચ એવું કહી શકાય કે એ એક એવી સેલિબ્રિટી છે, જેની અંગત અને વ્યવસાયિક પ્રગતિ આ દેશના લાખો છોકરા-છોકરીઓ માટે રોલ મોડેલ બની શકે છે. બેડમિન્ટનની રમતમાં ઘણેખરે અંશે સફળ પિતા પ્રકાશ પાદુકોણ અને ટ્રાવેલ એજન્ટ માતા ઉજજલાની દીકરીને સફળતા તાસક પર મળી નથી. તેણે મહેનત કરીને એ કમાઈ છે અને વળતામાં તેની કિંમત પણ ચૂકવી છે.
દીપિકામાં સાહસ, શિષ્ટાચાર અને સુંદરતાનો ત્રિવેણી સંગમ છે, અને એટલે જ તે તેની સમકાલીન એક્ટ્રેસથી અલગ પડે છે. સેલિબ્રિટી હોવું અથવા લાઈમ લાઈટમાં હોવું એ ખાવાના ખેલ નથી. તમને નિયમતપણે બિલ્લોરી કાચ નીચે પરખવામાં આવે છે. એવી પરીક્ષાઓમાં એ જ ટકી શકે જેનામાં પોતાના માટે સાફ દ્રષ્ટિ હોય.
૨૦૦૫માં લિરિલ ગર્લ બનીને કેમેરાની દુનિયામાં પગ મૂકનારા દીપિકા, સફળતાની તેની યાત્રામાં અનેક એવા પડાવો પરથી પસાર થઇ છે, જેમાં કાચા-પોચા લોકો તૂટીને તબાહ થઇ જાય, પણ તે દરેક અનુભવોમાંથી વધુ નક્કર અને આત્મવિશ્ર્વાસુ બનીને આગળ વધતી રહી છે.
૨૦૧૪માં, દેશના સૌથી મોટા સમાચારપત્ર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પર, કોઈ એક કાર્યક્રમમાંથી લેવાયેલો દીપિકાનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. કેમેરામેને દીપિકાથી ઉપર એવા એન્ગલથી ફોટો લીધો હતો જેમાં તેની બ્રેસ્ટ દેખાય. એ ફોટાની હેડલાઈન હતી; ઓહ માય ગોડ! દીપિકા પાદુકોણનો ક્લીવેજ શો. દીપકા તેના પર ભડકી હતી અને બીજા દિવસે તેણે ટાઈમ્સને લબડધક્કે લઈને ટ્વિટ કરી હતી; ‘હું એક સ્ત્રી છું, મને બ્રેસ્ટ પણ છે અને ક્લીવેજ પણ, તમને કોઈ પ્રોબ્લેમ છે? તમને સ્ત્રીનું સન્માન કરતાં ન આવડતું હોય તો સ્ત્રી સશક્તિકરણની વાતો ન કરતા.’
બીજા જ વર્ષે, દીપિકાએ તેની મેન્ટલ હેલ્થની સાર્વજનિક ચર્ચા કરીને સૌને ચોંકાવી દીધા હતા. સેલિબ્રિટી લોકો તેમની ઈમેજને બરકરાર રાખવા માટે નિયમિત રીતે તેમનું ચોકલેટિયુ જીવન બતાવતા રહે છે અને ખરાબીને છુપાવી રાખે છે. દીપિકાને જેમ પેલા ફોટા માટે બોલવામાં શરમ નહોતી આવી, તેવી રીતે તેના ડિપ્રેશનની વાતને પણ પરિવાર અને સાઈકિયાટ્રીસ્ટની બાજુમાં બેસીને જાહેર કરતાં હીચકીચાહટ થઇ નહોતી.
પત્રકાર બરખા દત્ત સાથે નેશનલ ટીવી પર પ્રાઈમ ટાઇમ શોમાં તેણે તેની બીમારીની રજેરજની વાત કરી હતી એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું હતું કે તે આવી રીતે પીડાતી છોકરીને મદદ કરવા માટે એક સંસ્થા પણ શરૂ કરવા માગે છે. એ ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું, મારા આવી રીતે જાહેરમાં બોલવાથી જો કોઈ એક વ્યક્તિને સધિયારો મળતો હોય તો લેખે લાગશે. મારે સૌને એ કહેવું છે કે હું આ બધામાંથી એટલા માટે પસાર થઇ શકી કારણ કે મારી આજુબાજુમાં જબરદસ્ત સપોર્ટ સિસ્ટમ હતી.
૨૦૨૦માં, દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર હુમલો થયો અને કેમ્પસમાં રમખાણ ફાટી નીકળ્યું, ત્યારે બોલીવૂડમાંથી બીજા કોઈ નહીં પણ માત્ર દીપિકા દિલ્હી આવી હતી અને વિદ્યાર્થીઓ વચ્ચે ઊભી રહી હતી. એ કશું જ બોલી નહોતી. કોઈ ભાષણ નહીં, કરો ઈ ટીવી બાઈટ નહીં, બસ ચુપચાપ ત્યાં ઊભી રહી હતી. એ મૌન સમર્થન હતું. તેની એ તસ્વીર ખૂબ વાઈરલ થઇ હતી અને સોશ્યલ મીડિયા પર તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. તે વખતે પણ તે ચુપ જ રહી હતી.
દીપિકા માટે આ સાવ નવું નહોતું. ૨૦૧૮માં, ‘પદ્માવત’ ફિલ્મ સામેના ફર્જી વિરોધ અને અંદોલનવેળા દીપિકાનું નાક-કાન વાઢીને લાવે તેને ૧ કરોડ રૂપિયાની ઇનામ આપવાની જાહેરાત થઇ હતી. ફિલ્મ રિલીઝ થઇ તે પછી ખબર પડી કે એમાં દુ:ખી થવા જેવું કે વિરોધ કરવા જેવું કશું જ નથી. એ પછી આંદોલન અને દીપિકાનાં નાક-કાન ભુલાઈ ગયાં.
૨૦૨૦માં, એક્ટર સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના કેસની તપાસમાં દીપિકા પાદુકોણની મુંબઈ પોલીસે પૂછતાછ કરી હતી. તે વખતે દીપિકાની ૨૦૧૭ની વોટ્સઅપ ચેટ્સનો રેકોર્ડ મીડિયામાં લીક કરી દેવામાં આવ્યો હતો. દીપિકા ત્યારે પણ ચુપ રહી હતી એ ટસની મસ થઇ નહોતી.
તાજેતરમાં, શાહરુખ ખાનની ‘પઠાણ’ ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ માટે દીપિકાને નિશાન બનાવવામાં આવી હતી. એ વિવાદ એટલો ચગાવવામાં આવ્યો હતો કે ફિલ્મની રિલીઝ વખતે કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ર્ન ઊભો થાય તેમ હતો. શાહરુખ ખાને ત્યારે વ્યક્તિગત રીતે રાજ્ય સરકારોનો સંપર્ક કરીને શાંતિથી ફિલ્મ રિલીઝ થવા દેવાની વિનંતીઓ કરી હતી. આજે ‘પઠાણ’ પૂરી દુનિયામાં હિન્દી સિનેમાના ઈતિહાસની સૌથી વધુ પૈસા કમાનારી ફિલ્મ તરીકે સ્થાપિત થઇ છે અને કેન્દ્રના મંત્રી તેને ભારતનો સોફ્ટ પાવર કહે છે.
દીપિકા જયારે ઓસ્કારના મંચ પર ઊભી હતી, ત્યારે ભારતના એ જ સોફ્ટ પાવરનાં દર્શન થયાં હતાં. કાળા રંગના ખભા પરથી ઊતરતા ગાઉન અને ગળામાં મોતીની માળા પહેરેલી દીપિકા શાનદાર તો દેખાતી જ હતી, પરંતુ એથીય વધુ તો દેશી ‘અંગ્રેજી’માં બોલીને તેણે ભારતીયોનાં દિલ જીતી લીધાં હતાં. ભારતના લોકો પરદેશ જાય ત્યારે અચાનક જ લહેજો બદલીને વિદેશી અંગ્રેજીમાં બોલવા મંડી પડે છે. દીપિકાએ એવા કોઈ પ્રયાસ વગર, તે જે રીતે વતનમાં બોલે છે એ જ રીતે ઓસ્કારના મંચને ગજવ્યો હતો. તેણે ‘નાટુ નાટુ’ ગીતને તાળીઓના ગડગડાટ વચ્ચે ‘ટોટલ બેન્ગર’ તરીકે ઓળખાવ્યું હતું. બેન્ગર એટલે ઠાઠિયા જેવું ધમાલિયું!
૨૦૨૦માં, દીપિકાને એક ઇન્ટરવ્યૂમાં એક પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો અને તેના જવાબમાં તેણે કહ્યું હતું, મારે આગામી ૨૦ વર્ષમાં હજુ ઘણું શીખવું છે અને ઘણું આગળ વધવું છે, નહીં તો હું બંધાઈ જઈને બોર થઈ જઈશ. મેં શરૂઆત કરી ત્યારે મારી ટીકાઓ થઈ હતી, પણ મેં તેને ચેલેન્જ તરીકે સ્વીકારી લીધી, અને મારી પર તેની અસર થવા ના દીધી. બલ્કે, મેં એ ટીકાઓનું વિશ્ર્લેષણ કર્યું અને એ દિશામાં કામ કર્યું હતું. હું સ્પોર્ટ્સમાં આવું છું, અને એ તમને નિષ્ફળતા-સફળતા હેન્ડલ કરવાનું શીખવાડે છે. સ્પોર્ટસે મને શિસ્ત, મહેનત અને નિષ્ઠા શીખવાડી છે.
દીપિકાના જીવન પરથી ફિલ્મ બંને તો તેનું ટાઈટલ ‘ટોટલ બેન્ગર’ રાખી શકાય!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -