Homeઉત્સવવિજયની તબાહી ‘ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ’

વિજયની તબાહી ‘ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ’

મોર્નિંગ મ્યૂસિંગ-રાજ ગોસ્વામી

તાજેતરમાં ઘોષિત થયેલા ઓસ્કાર ફિલ્મ પુરસ્કારમાં, સર્વેશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ કેટેગરીમાં, નેટફ્લિક્સ પ્રોડક્શનની ફિલ્મ ‘ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ’ વિજેતા સાબિત થઇ છે. ફિલ્મને કુલ ૪ ઓસ્કાર મળ્યા છે. એક સદી પહેલાં, જર્મન ભાષામાં પ્રકાશિત આ જ નામની ક્લાસિક નવલકથા પર આ ફિલ્મ બની છે. યુદ્ધ-વિરોધી ગણાતી આ નવલકથા તો વાંચવા જેવી છે જ, અને હવે તો તેના પર એક સુંદર ફિલ્મ પણ બની છે. બે વર્ષ પહેલાં, અશ્ર્વિન ચંદારાણા નામના ઉત્સાહી લેખકે આ નવલકથાનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. તે પ્રસંગે તેની પ્રસ્તાવનામાં આ નવલકથા વિશે થોડી વાતો કરી હતી.
આધુનિક મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સ એમ્પથી એટલે કે હમદર્દીને માણસ હોવાના અગત્યના
પુરાવા તરીકે જુવે છે. બીજા
લોકોનાં દુ:ખ-દર્દને, તેમના અનુભવોને સમજવાની ક્ષમતા વગર નૈતિક જીવનની કલ્પના કરાવી અશક્ય છે. અભ્યાસો કહે છે કે ગંભીર સાહિત્ય વાંચવાથી હમદર્દીમાં વધારો થાય છે અને આપણે બીજા લોકોના પેંગડામાં પગ ઘાલીને જીવનના જોડાં ક્યાં ડંખે છે તે સમજી શકીએ છીએ. સાહિત્યનાં એ પાત્રો, જે આપણા જેવા નોર્મલ નથી, તે આપણને એક ભયાનક વૈકલ્પિક દુનિયા જોવા મજબૂર કરે છે, જેથી આપણે આપણી દુનિયાને દુષ્ટ બનતી બચાવી રાખવા મહેનત કરીએ.
એરિક મારિયા રીમાર્કની જર્મન નવલકથા ‘ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ’ આ જ સંદર્ભમાં એક અગત્યનું પુસ્તક છે. તેમાં પ્રથમ મહાયુદ્ધમાં હિસ્સો લેવા ગયેલા જર્મન સૈનિકો કેવી રીતે આત્યંતિક શારીરિક અને માનિસક યાતના ભોગવીને નોર્મલ જિંદગી જીવવાનું ભૂલી જાય છે તેની વાર્તા છે. ફ્રેંચ વિચારક જ્યાં-પોલ સાર્ત્રએ, જે ખુદ એક પ્રખર યુદ્ધ-વિરોધી હતા, એકવાર લખ્યું હતું કે, તમે જો વિજયોને ગહેરાઈથી જુવો, તો તમને એ પરાજયથી બહુ અલગ ના દેખાય. સાર્ત્ર ૨૫ વર્ષના હતા, ત્યારે ૧૯૨૯માં
પુસ્તકરૂપે પ્રકાશિત થયેલી ‘ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ’ની પ્રસ્તાવનામાં એરિક મારિયા રીમાર્કેએ એ જ વાતનો પડઘો પાડતાં લખ્યું હતું, (આ પુસ્તકમાં) એક એવી પેઢીના લોકોની વાત કરવાનો પ્રયાસ છે, જે તોપમારામાંથી તો બચી ગયા હતા, પણ યુદ્ધે તેમને તબાહ કરી દીધા હતા.
યુરોપિયન સાહિત્યની અગત્યતા એ છે કે તેમણે યુદ્ધો જોયાં છે. યુદ્ધ કઈ રીતે પેઢીઓની પેઢીઓને, શરીરથી અને મનથી ખતમ કરે છે તે લેખકોને ખબર છે. યુદ્ધોની ભયાનકતા જો યુરોપમાંથી આવી હોય તો યુદ્ધ-વિરોધીતા પણ ત્યાંથી જ આવી છે. બીજા સમાજો અને દેશોએ આ સમજવા જેવું છે. એટલા માટે ‘ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ’નું પ્રકાશન અગત્યની ઘટના છે, ખાસ કરીને ભારતની નવી પેઢીને યુદ્ધનો ચસ્કો લાગ્યો છે ત્યારે તો ખાસ.
ભારતના મધ્ય વર્ગને યુદ્ધની ટ્રેજેડી શું કહેવાય અને સૈનિકોની જિંદગીની વાસ્તવિકતા ખબર નથી એટલે બંદૂકો અને બોમ્બથી બધી સમસ્યાઓના સમાધાન શોધવાનું ફેશનેબલ થઇ ગયું છે. બીજી-ત્રીજી પેઢીના ભારતના મધ્ય વર્ગી લોકોને ‘ફ્રી માર્કેટ ઇકોનોમી’માં સ્વર્ગ જોવાની ટેવ પડી ગઇ છે, (અથવા ટેવ પાડવામાં આવી છે) અને એને લાગે છે કે ભારતે મહાન થવું હોય તો જરી-પુરાણી, દકીયાનુસી સમાજવાદી, ઉદારવાદી અને લોકતાંત્રિક વ્યવસ્થાને તોડી-ફોડીને હથોડાછાપ વ્યવહાર અપનાવવો જોઇએ.
યુરોપના ઘણા દેશોમાં જે રાજકીય-સામાજિક ચિંતન અને વ્યવસ્થાઓ છે, તેમનાં યુદ્ધોની લોહિયાળ વાસ્તવિકતામાંથી ઘડાઇ છે. આપણે ત્યાં યુદ્ધ એ ટેલિવિઝન કે સિનેમાની ફેન્ટસી રહી છે. સેનાને પરદા ઉપર કે સોશિયલ મીડિયાના બોક્સમાં જોવા-ચર્ચવાથી એક પ્રકારનું વીરત્વ તો પેદા થાય, પરંતુ એની વાસ્તવિકતા ખબર ન પડે.
‘ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ’ આ યુદ્ધ-તરફી માનસિકતા તોડવાનું કામ કરે છે. આ પુસ્તક સાહિત્યની પહેલી સૌથી મોટી યુદ્ધ-વિરોધી નવલકથા છે, અને એટલે એ તમામે વાંચવી જોઈએ. દ્વિતીય મહાયુદ્ધ વખતનો જર્મન ઈતિહાસ તો બહુ કુખ્યાત રીતે બધાને ખબર છે, પણ જર્મનીમાં નાઝી પાર્ટીનો હજુ ઉદય થઇ રહ્યો હતો ત્યારે આ નવલકથા આવી હતી અને ૧૯૩૩માં નાઝીઓ સત્તામાં આવ્યા ત્યારે જાહેરમાં જે પુસ્તકોને સળગાવવામાં આવ્યાં હતાં. તેમાં ’ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ’ પહેલું હતું. ૧૯૩૦માં આ નવલકથા પરથી બનેલી ફિલ્મનું જર્મન થિયેટરોમાં પ્રદર્શન થયું હતું, ત્યારે પાછળથી હિટલરનો પ્રચારમંત્રી બનેલો ગોબેલ્સ નાઝી કાર્યકરોને લઈને અંદર ઘૂસી ગયો હતો અને ધમાલ મચાવી હતી.
૨૦૧૬માં સાહિત્યનું નોબેલ પારિતોષિક સ્વીકારતી વખતે, યુદ્ધ-વિરોધી અમેરિકન ગીતકાર-સંગીતકાર બોબ ડીલાને કહ્યું હતું કે તેનાં ગીતો પર ત્રણ પુસ્તકોની અસર રહી છે: હેરમન મેલ્વિલેની મોબી ડીક, ગ્રીક મહાકાવ્ય ધ ઓડીસે અને ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ. એ ભાષણમાં ડીલાને કહ્યું હતું-
‘ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ ખોફનાક વાર્તા છે. આ એ પુસ્તક છે જ્યાં તમે તમારું બાળપણ ગુમાવી દો, સાર્થક દુનિયામાં તમારો વિશ્ર્વાસ અને વ્યક્તિઓ માટેની ફિકર ગુમાવી દો. એક દુસ્વપ્ન તમને વળગી જાય છે. મોત અને પીડાના રહસ્યમય વમળમાં સપડાઈ જઈને તમે તમારા વિનાશને રોકવા પ્રયાસ કરો છો. નકશા પરથી તમારું નામોનિશાન મિટાવી દેવામાં આવે. તમે એક સમયે સ્વપ્નો જોતાં નિર્દોષ યુવાન હતા. એક સમયે તમે જીવન અને જગતને પ્રેમ કરતા હતા અને હવે તમે એના ફુરચા ઉડાવી રહ્યા છો. હવે તમને રોજ ભમરીઓ ડંખ મારે છે અને તમારું લોહી ગરમ કરે છે. તમે ઘેરાઈ ગયેલા જાનવર જેવા છો. તમે ક્યાંય ફિટ થઇ શકતા નથી. અવિરત હુમલા થઇ રહ્યા છે, ઝેરી ગેસ છૂટી રહ્યો છે, ગેસોલીન સળગી રહ્યું છે, રોગચાળો છે, મળ-મૂતર છે, ચારેતરફ જીવન વિખરાઈ રહ્યું છે અને તોપમારાના અવાજો આવી રહ્યા છે. આ પૃથ્વી પરનું નર્ક છે. કાદવ-કીચડ છે, કંટાળી વાડ છે, ઉંદરો ભરેલા ખાડા છે, ઉંદરોએ કાતરી નાખેલા મૃત શરીરો છે અને કોઈક તમને બૂમ મારે છે, ‘એઈ, ઊભો થા અને લડ.!’
‘ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ’ જર્મનીમાં પ્રગટ થઇ અને ટૂંકા ગાળામાં તેની બાર લાખ નકલો ખપી ગઈ હતી. ૧૯૨૯માં મહામંદીનો દૌર હતો છતાં, બ્રિટન, ફ્રાંસ અને અમેરિકામાં તેની દસ લાખ નકલો વેચાઈ હતી. ૧૯૭૫માં એકલા અમેરિકામાં તેની ૩૪,૨૫,૦૦૦ નકલો વેચાઈ હતી. આ નવલકથા વિશ્ર્વની ૫૦ ભાષાઓમાં અનુવાદિત થઇ છે, અને એની અંગ્રેજી આવૃત્તિની વર્ષે ૨૦,૦૦૦ નકલો વેચાય છે.
આપણી સરહદો શાંત છે, પણ ગમે ત્યારે સળગી ઉઠવાની દહેશત હંમેશાં હોય છે, ત્યારે યુદ્ધ જીવનમાં કેવી તબાહી લાવે છે, તેને યાદ રાખવા માટે ‘ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ’ એક હાથવગો દસ્તાવેજ છે. આજે ભલે પુસ્તકો સળગાવાતાં ના હોય, તમને ભ્રમિત કરવા માટે ગોબેલ્સ તો આસપાસ હોય જ છે. એટલા માટે થઈને પણ આ નવલકથા વાંચવા જેવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -