Homeઉત્સવભારતમાં ત્રણ કરોડથી વધુ લોકોએ કેનાબિસ પદાર્થોનું સેવન કર્યું હતું: એક સર્વે...

ભારતમાં ત્રણ કરોડથી વધુ લોકોએ કેનાબિસ પદાર્થોનું સેવન કર્યું હતું: એક સર્વે પ્રમાણે

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

છેલ્લા કેટલાક મહિનાઓથી આપણા દેશનું ‘નાર્કોટીક્સ ક્ધટ્રોલ બ્યુરો’ (એનસીબી) અતિ સક્રિય થઈ જવાથી નશીલા પદાર્થો અને નશાખોરી ફરીથી ચર્ચામાં છે. કોકેઇનથી માંડીને હેરોઇન સુધીના વિવિધ નશીલા પદાર્થો કેવી બરબાદી નોતરે છે એની વાતો વર્ષોથી થઈ રહી છે. આપણે ત્યાં સામાન્ય સમજ એવી છે કે ડ્રગ્સના સેવનને કારણે યુવાનો શારીરિક, સામાજિક અને આર્થિક રીતે બરબાદ થઈ જાય છે. આ માન્યતા ખોટી નથી, પરંતુ અધૂરી છે. ફક્ત આપણા દેશને જ ડ્રગ્સની સમસ્યા સતાવી રહી હોય એવું નથી. વિકાસશીલ કહેવાતા અમેરિકા અને યુરોપના દેશોમાં તો આપણા કરતા હજાર ગણી વધુ મોટી આ સમસ્યા છે. બહુ ગાજેલી અને વખણાયેલી ‘નાર્કોઝ’ વેબ સિરીઝની રજૂઆત પછી આપણે એટલું જો જાણવા માડ્યા છે કે ૭૦ના દાયકાની શરૂઆતથી લેટીન અમેરિકાના દેશોમાંથી યુએસએમાં વિવિધ નશીલા પદાર્થોની દાણચોરી શરૂ થઈ ત્યારે શરૂઆતમાં તો અમેરિકાના સત્તાધિશો પણ ઉંઘતા જ રહ્યા હતા. રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રમુખ થયા પછી અમેરિકાના ચિંતિત ધનપતિઓએ એમની સાથે મિટિંગ કરીને એમને સમજાવ્યું કે દેશના અબજો ડોલરો ગેરકાયેદસર રીતે લેટીન અમેરિકાના દેશોમાં ચાલ્યા જતા હોવાથી એક દિવસ અમેરિકાનું અર્થતંત્ર પડી ભાંગશે.
આ ધનપતિઓની ચિંતા વિશ્ર્વના તમામ દેશોને સતાવી રહી છે. વિવિધ ડ્રગ્સ મારફતે નશો કરતી વ્યક્તિ પોતાનું શારીરિક સત્યનાશ વાળે છે અને સાથે સાથે દેશની અર્થવ્યવસ્થાને પણ ગંભીર ક્ષતિ પહોંચાડે છે.
ડ્રગની લે-વેચ મારફતે થતા આર્થિક વ્યવહારોને ‘ડ્રગ મની’ કહેવાય છે. ડ્રગના ઉત્પાદન અને વેચાણ મારફતે થતી કમાણીમાંથી કેવા ગોરખધંધાઓ થાય છે એના પરથી તો દળદાર પુસ્તકો લખી શકાય. ક્યૂબા, મેક્સિકો કે કોલમ્બિયા જેવા દેશોમાં સરકારને ઉથલાવવા માટે બળવાખોરો ‘ડ્રગમની’નો ઉપયોગ કરે છે. અફઘાનિસ્તાન જેવા દેશોમાં સત્તાપર ટકી રહેવા માટે તાલિબાનો અફીણની મોટા પાયે ખેતી કરે છે. વિવિધ દેશોમાં અફીણની નિકાસ કરી તાલિબાનીઓ શસ્ત્રોની ખરીદી કરે છે. એ જ રીતે મ્યાનમાર જેવા દેશોમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ઉથલાવી પાડી ત્યાંનું લશ્કર અબજો ડૉલરનું ડ્રગ દાણચોરી મારફતે બીજા દેશોમાં મોકલે છે. મ્યાનમારમાં તો જ્યારે ચૂંટાયેલી સરકાર હતી ત્યારે પણ ડ્રગનું ઉત્પાદન અને વેચાણ ત્યાંના લશ્કરના અધિકારીઓ કરતા હતા. એક સમયે થાઇલેન્ડ અને વિયેટનામમાં પણ યુદ્ધ દરમિયાન શસ્ત્રો મેળવવા માટે ત્યાંના બળવાખોરો જ ડ્રગનો ધંધો કરતા હતા.
છેલ્લા થોડા દિવસો દરમિયાન ભારતમાં મોટા પાયે કરોડો રૂપિયાનું ડ્રગ પકડાયું છે. આ માટેનું કારણ અફઘાનિસ્તાનમાં થયેલું સત્તા પરિવર્તન છે. આપણા દેશમાં વીડ અથવા તો ગાંજા તરીકે ઓળખાતા નશીલા પદાર્થનું ઉત્પાદન કેટલેક અંશે થાય છે. મેથ નામથી ઓળખાતી ડ્રગની ટીકડીઓ પણ કોઈક ફેક્ટરીઓમાં બને છે. પરંતુ કોકેઇન કે હેરોઇન જેવા ડ્રગની આયાત વિદેશથી જ થાય છે. આપણા દેશમાં કોકેઇનની કીંમત ખૂબ વધુ હોવાથી પૈસાદાર ઘરના યુવાન – યુવતીઓને જ તે પોસાય છે. સામાન્ય નશાખોરો વીડ કે ચરસના દમ મારીને જ સંતોષ માને છે. આપણા મગજના જ્ઞાનતંતુઓમાં આનંદની અનુભૂતિ કરાવે એવા સંવેદનશીલ કેન્દ્રો જે આવ્યા છે એને ઉશ્કેરવાનું કામ ગાંજામાં રહેલું ઇએમસી નામનું તત્ત્વ કરે છે. અમેરિકાના કેટલાક રાજ્યોમાં તો હવે ગાંજાના વેચાણને કાયદેસર બનાવી દેવામાં આવ્યું છે. કેનાબિસ તરીકે ઓળખાતા છોડના પાંદડા, ફૂલ અને ફળમાંથી ગાંજો બને છે. કેનાબિસનો ઔષધિય ઉપયોગ પણ હોવાની વાત અમેરિકામાં વૈજ્ઞાનિક રીતે પૂરવાર થઈ છે. કેટલાકની દલીલ એવી છે કે ગાંજો કે મારીજુઆના લાંબો સમય સુધી લેવામાં આવે તો પણ એની આદત પડતી નથી. જોકે કેટલાક ડોક્ટરો આ દલીલ સાથે સહમત થતા નથી.
૨૦૧૯માં થયેલા એક અભ્યાસ પ્રમાણે એ વર્ષ દરમિયાન ભારતમાં ત્રણ કરોડથી વધુ લોકોએ કેનાબિસ પદાર્થોનું સેવન કર્યું હતું. આપણા દેશમાં જોકે હજી સુધી ડ્રગને કારણે થતી આર્થિક બેહાલી વિશે કોઈ સંશોધન થયું નહીં હોવાથી નક્કર આંકડા મળતા નથી. હકીકત જોકે એવી છે કે ડ્રગની બદી સામે અમેરિકાની જેમ મોડા જાગવું એના કરતા યોગ્ય સમયે જ એને ગંભીરતાથી લેવામાં આવે તો
ઘણા પ્રકારની બરબાદીમાંથી દેશ બચી શકે!
———–
પાળેલા કૂતરાનો વિયોગ સહન નહીં થતા, માલિકે શું કર્યું ?
ગ્રેન કેયમેન આઇલેન્ડ પર દરિયો ખૂંદતા વેન ફોલ્સોમ નામના સ્કૂબા ડાઇવર (મરજીવા)ને થોડા અરસા પહેલા એક રખડતો કૂતરો મળ્યો. વેન ફોલ્સોમે એને પાળ્યો અને એને શેડો એવું નામ આપ્યું. શેડો પડછાયાની જેમ જ વેનની સાથે રહેવા લાગ્યો. એમાં મુશ્કેલી એ થતી કે વેને પોતાના વ્યવસાયના ભાગરૂપે દરિયાના પેટાળમાં જવાનું આવતું ત્યારે શેડોને ગ્રેન કેયમેન ટાપુના દરિયાકાંઠે જ છોડીને જવું પડતું. વેનને શેડોનો આ વિયોગ સહન નહોતો થતો. એટલે એણે શેડો માટે ડાઇવિંગનો ખાસ પોશાક તૈયાર કર્યો. આ પોશાકમાં એણે હેલ્મેટ, વેઇટેડ જેકેટ અને રેસ્પિરેટર ટ્યૂબનો સમાવેશ કર્યો. હવે આ ખાસ પ્રકારનો આઉટફીટ (પોશાક) પહેરીને શેડો પણ વેનની સાથે દરિયામાં તેર ફૂટ ઊંડે જઈ શકે છે. હવે વેન અને શેડોના વિયોગનો અંત આવ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -