મોરબી ઝુલાતાપુલ દુર્ઘટનામાં મૃત્યુઆંક 134 સુધી પહોંચ્યો છે. ઇજાગ્રસ્તો હોસ્પિટલની હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ઘટનાના સતત ત્રીજા દિવસે પણ સર્ચ-ઓપરેશન ચાલુ છે હજુ 2 લોકોની તપાસ થઇ રહી છે. NDRF, SDRF, ગરુડ કમાન્ડોની સહીત સેનાની ત્રણેય પાંખના જવાનો સર્ચ-ઓપરેશન કરી રહી છે. આજે સાંજે વડપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાત લેશે. ગૃહમંત્રી અમિત શાહ પણ મોરબીની મુલાકાતે આવી શકે છે.
વડા પ્રધાનની મુલાકાતને લઈને મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં પરિસરમાં દર્દી સિવાય અન્ય માટે પ્રવેશ બંધ કરાયો છે અને આસપાસના રોડ રસ્તા પર વધારાની અવરજવર બંધ કરાઇ છે.
રાજ્યનાં કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, સરકારે અને વહીવટી તંત્રએ 170 લોકોના જીવ બચાવ્યા છે. ગઈકાલ રાત સુધીમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય અસરગ્રસ્તો સુધી પોંહચી ગઈ છે. 300થી વધુ લોકો દિવસ રાત રાહત કામગીરી કરી રહ્યા છે. હજી બે લોકો લાપતા છે. જેમની મચ્છુ નદીમાં સતત શોધખોળ કરાઈ રહી છે.
કાયદાપ્રધાનના જણાવ્યા પ્રમાણે, આ મૃતકોના પરિવારને કાલ રાત સુધીમાં ચાર લાખ રૂપિયાની સહાય ચુકવી દેવામાં આવી છે. જ્યારે PM ફંડમાંથી આપવાનાં બે લાખ રૂપિયાની સહાયની પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે. આ સાથે ઘાયલોને પણ સહાય પહોંચાડી દેવામાં આવી છે. 17 જેટલા ઘાયલ લોકોની પણ સારવાર ચાલી રહી છે.
મોરબીમાં થયેલી મોટી દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેના પર 14 નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટના વકીલ સુશીલ તિવારીએ PIL ફાઇલ કરી છે. તેમાં દુર્ઘટના મામલે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજના નેતૃત્વમાં SIT બનાવીને તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
આવતી કાલે 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.