તહોમતનામામાં આરોપી જયસુખ પટેલના નામનો સમાવેશ
(અમાર પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના કેસમાં પોલીસે શુક્રવારે ચાર્જશીટ ફાઈલ કરી હતી, જેમાં ઓરેવા ગ્રૂપના પ્રમોટર જયસુખ પટેલનું નામ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે.
મોરબીની સેશન્સ કોર્ટ સમક્ષ પોલીસે ૧૨૬૨ પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. આ ચાર્જશીટમાં કુલ ૧૦ આરોપીના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઓરેવા ગ્રૂપના પ્રમોટર જયસુખ પટેલનું નામ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. જયસુખ પટેલ હાલ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. તેમણે આગોતરા જમીન અરજી કરી હતી. ૩૦મી ઑક્ટોબરે મોરબીનો બ્રિટિશ કાળનો પુલ તૂટી પડતા ૧૩૫ જણ મૃત્યુ પામ્યા હતા. આ પુલના સમારકામ, સંચાલન અને જાળવણીની જવાબદારી ઓરેવા ગ્રૂપને આપવામાં આવી હતી.
ચાર્જશીટમાં આરોપીઓ પર આઈપીસી કલમ ૩૦૮, ૩૦૪ અને ૧૧૪ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ૧૦ આરોપીઓમાંથી ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે આરોપી જયસુખ પટેલ હજુ પોલીસની પકડથી બહાર છે. જયસુખ પટેલે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેની સુનાવણી ૧લી ફેબ્રુઆરીના રોજ થવાની છે. અરાઉ પોલીસે જયસુખ પટેલ સામે અરેસ્ટ વોરંટ અને લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી. જોકે ઘટના બાદ સમગ્ર તંત્ર દ્વારા પટેલને જે રીતે છાવરવામાં આવ્યો હતો, તે ભારે ટીકાને પાત્ર બન્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક મહિના પહેલા જ બનેલી આ ઘટનાએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો અને ગુજરાત હાઈ કોર્ટે જાતે અરજી દાખલ કરી ગુજરાત સરકાર અને મોરબી મહાનગરપાલિકાની ભૂમિકા અને કામગીરી સામે ભારે નારાજગી જાહેર કરી હતી, તેમ જ તેમને ઝાટક્યા હતા. બે દિવસ પહેલા ગુજરાત હાઈ કોર્ટ મોરબી બ્રિજ તૂટી પડવાના ભોગ બનેલા લોકોને વળતર ચૂકવવાની ઓરેવા ગ્રૂપની ઓફર સાથે સંમત થઇ હતી. સાથે કોર્ટે એવું પણ કહ્યું જતું કે વળતર ચૂકવવા તમે જવાબદારીમાંથી મુક્ત થઇ જતા નથી, તેમ પણ જણાવ્યું હતું. કોર્ટે જયસુખ પટેલ અને વહીવટી તંત્ર વચ્ચે સાંઠગાંઠ હોવાના અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. ઘટનાના ત્રણ મહિના થવા આવ્યા છે છતાં હજુ જયસુખ પટેલ ફરાર છે ત્યારે પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે.
આ અંગે પત્રકારો સાથે વાત કરતા પીડિતો તરફથી કેસ લડી રહેલા વકીલ દિલીપ અગેચાનીયાએ જણાવ્યું હતું કે ઓરેવા ગ્રૂપના પ્રમોટર જયસુખ પટેલનું નામ દસમા આરોપી તરીકે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફાઈલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યું છે. જે અગાઉ પોલીસની એફઆઈઆરમાં ન હતું. ચાર્જશીટ ૧૨૦૦ કરતા વધારે પાનાની છે અને તેમાં ૩૦૦ કરતા વધારે જણના નિવેદન નોંધવામાં આવ્યા છે.