અમદાવાદ: મોરબીના ઝૂલતા પુલ હોનારત કેસમાં ઓરેવા ગ્રૂપના પ્રમોટર જયસુખ પટેલ સામે પોલીસે અરેસ્ટ વોરંટ બહાર પાડ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે પોલીસે પટેલ સામે લૂકઆઉટ નોટિસ પણ બહાર પાડી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ૩૦મી ઑક્ટોબરે મોરબીનો ઝૂલતો પુલ અચાનક તૂટી પડવાથી ૧૩૫ જણે જીવ ગુમાવ્યા હતા. આ પુલના સમારકામ, જાળવણી અને સંચાલનનો કોન્ટ્રેક્ટ ઓરેવા ગ્રૂપને આપવામાં આવ્યો હતો.
ઘટનાના બે મહિના બાદ પોલીસે પટેલને ચાર્જશીટમાં આરોપી
તરીકે નોંધ્યા હતા અને તેમની સામે અરેસ્ટ વોરંટ બહાર પાડ્યું હતું. પોલીસનાં સૂત્રોનું એમ પણ કહેવાનું છે કે પટેલ છેલ્લા દોઢ મહિનાથી ધરપકડથી બચતા હતા અને પૂછપરછ માટે તેમને મોકલેલા તમામ સમન્સની અવગણના કરતા હતા. આવતા અઠવાડિયે અમે ચાર્જશીટ ફાઈલ કરીશું અને તેમાં આરોપી તરીકે પટેલનું નામ છે, તેમ પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. આ સાથે આ બે મહિના દરમિયાન તેમના નિવાસસ્થાન, કાર્યાલયો સહિતના સ્થળોએ રેડ પાડી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
દરેક પોલીસ સ્ટેશનને પણ તાકીદ કરવામાં આવી છે કે અધિકારક્ષેત્રની પરવા કર્યા વિના જયસુખ પટેલ જ્યાં મળે ત્યાં તેમની અટક કરવામાં આવે.
ઓરેવા ગ્રૂપે મોરબી નગરપાલિકાને જાણ કર્યા વિના અને ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા વિના દિવાળી દરમિયાન પુલ જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. ૩૦મી ઑક્ટોબરે અહીં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા હતા અને સાંજના સમયે અચાનક પુલ તૂટી પડતા રજાનો દિવસ માતમમાં ફરી ગયો હતો અને ૫૦ કરતા વધારે બાળકો સહિત ૧૩૫ જણે જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાએ ગુજરાત સરકાર, નગરપાલિકાની બેદરકારી અને સરકારી કામમાં થતાં ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો અને સરકારે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જોકે તે સમયે પટેલના નામનો કોઈ ઉલ્લેખ ન કરાતા માત્ર ઓરેવા ગ્રૂપના બે મેનેજર અને સ્ટાફ સહિત નવ જણની ધરપકડ કરવામાં આવી હતી.