મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. દુર્ઘટનાના પીડિત 120 પરિવાર ન્યાયની આશા સાથે આજે અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટે ઓરેવા ગ્રુપને મૃત્યુ પામેલા પરિવારના સ્વજનોને 10 લાખ આપવાનો આદેશ કર્યો છે. ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે આ વળતર એકથી બે અઠવાડિયામાં ચૂકવવા માટેનો ઓરેવા ગ્રુપને આદેશ કર્યો છે. હજુ પણ હાઈકોર્ટ આગામી સમયમાં આ કેસમાં મોટો નિર્ણય લઈ શકે છે.
ઓરેવા ગ્રુપ તરફથી હાજર રહેલા વકીલે શરુઆતમાં કંપની 3 લાખ અને પછી 5 લાખનું વળતર ચૂકવવા તૈયાર હોવાનું કહ્યું હતું પરંતુ હાઈકોર્ટે આ અંગે વચગાળાનો આદેશ આપ્યો છે તેમાં 10 લાખ રૂપિયા મૃતકના પરિવારને ચૂકવવા માટે ઓરેવા કંપનીને આદેશ કર્યો છે. કોર્ટે એમ પણ કહ્યુ કે તમે રાશી આપો કે ના આપો, તેનાથી તમે કોઈપણ પ્રકારની જવાબદારીથી બચી નથી શકતા.
ઝુલતા પુલ દુર્ઘટના અંગે સુઓમોટો લીધા બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે સુનાવણી દરમિયાન રાજ્યના ચીફ સેક્રેટરીને પ્રશ્ન કર્યા છે કે “શા માટે એક જાહેર પુલના સમારકામ માટે ટેન્ડરપ્રક્રિયા હાથ ધરાઈ નહતી? રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધી કામની બક્ષિસ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, 1963નું પાલન કર્યું હતું? આના પરિણામે 135 લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં.”
આગામી બુધવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે.