મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી ગુજરાત સરકારને નોટીસ ફટકારી છે. હાઈકોર્ટે ગુજરાત સરકારને 10 દિવસની અંદર આ મામલે લીધેલાં પગલાં અંગે રિપોર્ટ ફાઈલ કરવા જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે.
ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેન્ચે કહ્યું કે સેંકડો નાગરિકોના અકાળે મૃત્યુ થવની ઘટના કાળજું કંપાવી દે તેવી છે. તેથી અમે સુઓમોટો લઇ રહ્યા છીએ. અમે જાણવા માંગીએ છીએ કે તમે (રાજ્ય) અત્યાર સુધી શું પગલાં લીધાં છે.
રાજ્ય તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને વરિષ્ઠ એડવોકેટ મનીષા લવકુમાર શાહે રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાલમાં જ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી.
કોર્ટે રાજ્ય, તેના મુખ્ય સચિવ, મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેરી વિકાસ વિભાગ (UDD), રાજ્ય ગૃહ વિભાગ અને રાજ્ય માનવ અધિકાર આયોગને પક્ષકારો તરીકે દાખલ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્ય પાસેથી અત્યાર સુધી લીધેલા પગલાં અંગે દસ દિવસમાં અહેવાલ માંગ્યો હતો અને 14 નવેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
રાજ્ય માનવાધિકાર આયોગને આ ઘટના અંગે અલગ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.