Homeરોજ બરોજમૂનલાઈટિંગ : ચંદ્ર પર નહિ પણ ધનના ઢગલા પર પહોંચવાની કેડી

મૂનલાઈટિંગ : ચંદ્ર પર નહિ પણ ધનના ઢગલા પર પહોંચવાની કેડી

રોજ બરોજ -અભિમન્યુ મોદી

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના સર્વેસર્વ માર્ક ઝુકરબર્ગે એકસાથે ૧૧ હજાર કર્મચારીઓને બરતરફ કરી દીધા, ટ્વિટરમાં તો રોજેરોજ રાજીનામાં અપાઇ છે. ઇન્ફોસિસ અને વિપ્રો સહિતની કંપનીઓ પણ કર્મચારીઓની છટણી કરી રહી છે. કારણ? કોઈ નાણાભીડનું ગાણું ગાઇ છે કે તો કોઈ કર્મચારીઓને વધારાના ગણીને સાફ કરવા માગે છે. ઈલોન મસ્કના પ્લાનની તો ચર્ચા કરવા જેવી જ નથી. તેના માટે તો ટ્વિટરની ચકલી પ્રયોગશાળા સમાન છે, ઠીક લાગે તેમ કંપની અને કર્મચારીઓ વર્તે, પરંતુ જેટલા કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા તેમણે હોબાળો કેમ ન મચાવ્યો? સામાન્ય રીતે જયારે કોઈ કંપનીમાંથી નક્કામાં કારણો ધરીને કર્મચારીની હકાલપટ્ટી થાય ત્યારે કર્મચારી યુનિયન સંગઠન વિરોધ પ્રદર્શન કરે, મીડિયા સમક્ષ રોકકળ કરે, રેલી કાઢે-સભા સરઘર યોજે, પરંતુ વિપુલ માત્રામાં રાજીનામાં લેવાયા બાદ પણ કર્મચારીઓ શાંત કઈ રીતે છે? આ કર્મચારીઓ પાસે ‘મૂનલાઈટિંગ’ નામનું દિવ્યા છે.
‘મૂનલાઈટિંગ’ શબ્દ્ આમ તો સાંભળો-વાંચો ત્યારે કોઈને પણ શીતળ ‘ચન્દ્રપ્રકાશ’ની કલ્પના સહેજે થાય પણ એ શબ્દ ઠંડક-શીતળતા પ્રસારવાને બદલે કેવો દાહક છે એની વાસ્તવિકતા તો તેણે સર્જેલા વાદ-વિવાદ અને વિખવાદથી જ સમજાય. આ શબ્દ ‘આઈટી’ ફિલ્ડમાં આજે સ્ફોટક કેમ બન્યો એ જાણતાં પહેલાં ‘મૂનલાઈટિંગ’ વિશે થોડું સમજી લેવા જેવું છે.
એક વ્યક્તિ કોઈ કંપનીમાં સવારથી સાંજ જોબ કરે અને એ સમયમાં તે અન્ય કંપનીનું કામ પણ કરે છે. પાછો મહેનતાણું પણ બન્ને કંપની પાસેથી મેળવેે ત્યારે એને ‘મૂનલાઈટિંગ’ કર્યું કહેવાય.બીજા શબ્દોમાં કહીએ શેઠની પીઠ પાછળ રાતના અંધારામાં થતી વધારાની આવકવાળાં કામ માટે ‘મૂનલાઈટિંગ’ શબ્દપ્રયોગ થાય છે. આવાં કામ ઉપરાંત પતિ-પત્ની કે પ્રેમીયુગલના એક કરતાં વધારાનાં લફરાં માટે પણ ‘મૂનલાઈટિંગ’ શબ્દ જાણીતો છે! આ શબ્દપ્રયોગ કોરોનાના બે-અઢી વર્ષ પછી વધુ ‘પ્રકાશ’માં આવ્યો છે કારણ કે આ પ્રકારનાં કાર્ય કોરોના લોકડાઉન દરમિયાન અને એ પછી પણ વધુ પ્રમાણમાં થયાં. કોરોનાને લીધે સર્વવ્યાપી લોકડાઉન વખતે શરૂઆતમાં તો ઘણાને ‘વર્ક ફ્રોમ હોમ’ ની વ્યવસ્થા ફાવી ગઈ પણ કપાતા પગારે ફૂલટાઈમ જોબની આર્થિક સંકડામણ ઘણાને પજવવા માંડી પછી અમુક ભેજાબાજોને એનો ઉપાય લોકડાઉનમાં જ મળી ગયો.
તાજેતરમાં એવા કિસ્સા બહાર આવ્યા છે કે જ્યાં અનેક પગારદાર લોકો ઘરે બેસીને પોતાની ઓફિસના વર્ક ફ્રોમ હોમ’ની સાથે અન્ય કંપનીનાં કામનું પણ ‘મૂનલાઈટિંગ’ કરતા હતા. વિદેશોમાં તો અમુક વીરલાઓ તો મૂળ નોકરીની સમાંતરે બીજી ૬-૭ કંપનીનાં બિન્દાસ જોબ કરતા હોય છે! આવાં જ વધારાના કામને વધારાની આવક્નો માહોલ ભારતમાં પણ બહુ ઝડપથી ખાનગીમાં જામી રહ્યો હતો ત્યાં અઝિમ પ્રેમજીની ‘વિપ્રો’એ અચાનક ધડાકો કરીને પોતાને ત્યાં આવું ‘મૂનલાઈટિંગ’ કરતાં ૩૦૦ લોકોને એકસાથે બરતરફ કરીને આઈટી સેકટરમાં સોપો પાડી દીધો!
વિપ્રોનું કહેવું છે કે જેમને તગેડી મૂકવામાં આવ્યા છે એમાંના ઘણા તો હરીફ કંપની માટે ‘મૂનલાઈટિંગ’ કરતા હતા! મૂળ કંપની સાથે આ રીતે દગો-ફટકો કરવો એ નૈતિક ગુનો ગણાય. ‘વિપ્રો’ના પગલે પગલે નારાયણ મૂર્તિની આગવી આઈટીકંપની ‘ઈન્ફોસિસ’ તેમ જ અગ્રણી આઈબીએમ કંપનીએ પણ એના સ્ટાફને કડક ચીમકી આપી દીધી. આ આઈટી સેક્ટરની અચરજ ભરી વાસ્તવિકતા છે. એવું નથી કે લોકોને બે નોકરી કરવામાં આનંદ પડે છે. પરંતુ ટ્વિટર-ફેસબુક જેવી કંપનીઓ મન ફાવે ત્યારે કર્મચારીઓના રાજીનામાં લઈ લે, તો એમાં વ્યક્તિ કામ કઈ રીતે કરે? આટલું ઓછું હોય તેમ કંપની કર્મચારીનું પીએફ, ગ્રેચ્યૂઇટીના નામે શોષણ કરે, યોગ્ય સમયે પગાર ન આપે. ૧૨-૧૨ કલાક કામ કરાવે તો જીવનનિર્વાહ ચલાવવા બાપડો કર્મચારી શું કરે?
ગુજરાતીમાં કહેવત છે કે વહેલી પરોઢનું દળેલું અને જુવાનીનું રળેલું કામ આવે છે. અર્થશાનો નિયમ છે કે દરેક વસ્તુની ઉપયોગિતાનું મૂલ્ય છે. કંપની વધુ પૈસા ન આપે તો આપબળે નવો માર્ગ કંડારીને પૈસા કમાઈ લેવાની આઈટી પ્રોફેશનલ્સ પાસે છે. એટલે જે આર્થિક તંગી ઊભી થયેલી તેના ઉકેલ માટે વધુ કમાવી લેવા લલચાવ્યા. તેને કારણે આઈટી સેકટરમાં મૂનલાઈટિંગ જોવા મળી રહ્યું છે.
બેવડી નોકરીના તરફદારોનો મત છે કે કોઈ કર્મચારી તેની મહેનત અને પ્રતિભાનું ઉચિત મૂલ્ય ઇચ્છે તો તેમાં ખોટું શું છે ? વળી તેનો આશય પૂરક આવક મેળવવાનો અને વધુ સારી જીવનશૈલી અપનાવવાનો છે. જો તે આર્થિક રીતે વધુ સંપન્ન હશે તો ચિંતામુક્ત થઈને કામ કરી શકશે. તેની અસર તેની કાર્યક્ષમતા પર જોઈ શકાશે.વિદેશોમાં જ્યાં મૂનલાઈટિંગ પ્રવર્તે છે તે દેશો આવક વધતાં વધુ કર મેળવીને ખુશ છે. એક અમેરિકી રિપોર્ટમાં બેવડી નોકરીના ચલણને લાભદાયી દર્શાવવામાં આવ્યું છે.
તેના કરતાં સાવ સામા છેડાની દલીલો મૂનલાઈટિંગના વિરોધીઓની છે. ભારતના કોઈ કાયદામાં સીધી રીતે બેવડી નોકરીનો બાધ નથી. પણ જો સરખા પ્રકારની નોકરી કે કામ હોય તો ગોપનીયતાનો પ્રશ્ર્ન ઉદભવે છે. કંપનીની અનુમતી વિના આ પ્રકારની નોકરી વિશ્ર્વાસઘાત કે કંપની પ્રત્યેની નિષ્ઠાનું ઉલ્લંઘન છે. કર્મચારી તેની શારીરિક ક્ષમતા કરતાં વધુ કલાક કામ કરે અને તેને પૂરતો આરામ ન મળે તો તેની અસર તેના આરોગ્ય પર પડે છે. તેને કારણે તે બંને કામને સરખો ન્યાય આપી શકે નહીં. તે કામચોરી કરે તો ઉત્પાદન અને તેની ગુણવત્તા પર અસર પડે છે. વળી આ અનુચિત, અનૈતિક તો છે જ નોકરીની શરતોનો ભંગ પણ છે.
હવે તો એક્થી વધુ પ્રોવિડન્ટ એકાઉન્ટ ધરાવતી અનેક વ્યક્તિનું પગેરું પણ મળી રહ્યું છે. તાજેતરમાં બેંગ્લુરુની એક સોફ્ટવેર કંપનીનો આવો ‘મૂનલાઈટિંગ-વીર’તો એક સાથે અન્ય ૭ કંપનીના પીએફ અકાઉન્ટ ધરાવતો ઝડપાયો હતો. આ આપણા માટે ખરેખર ચોંકાવનારી વાત ગણાય પરંતુ બ્રિટનમાં તો આ ‘મૂનલાઈટિંગ’નું જબરું ચક્કર ચાલે છે. તાજેતરમાં ત્યાંના એક કર્મચારીએ પોતાના સોશિયલ મીડિયા પર પોરસાઈને એવી પોસ્ટ મૂકી હતી કે કોરાનાકાળમાં એક સાથે ૫ સ્થળે મૂનલાઈટિંગ કરીને એ ૭ લાખ ડૉલર એટલે કે આજના ભાવે આશરે ૫ કરોડ ૭૮ હજાર રૂપિયા કમાઈ લીધા હતા.
આમ તો સૈદ્ધાંતિક રીતે ‘મૂનલાઈટિંગ’ ભલે ઝડપથી વ્યાપી રહેલી એક બદી ગણાય પણ સામે છેડે એક વર્ગ એવો પણ છે જે ‘મૂનલાઈટિંગ’ને માન્યતા આપવાની હિમાયત પણ કરે છે! કર્મચારી તેના કામના નિશ્ર્ચિચત કલાકો પછી કંઈ પણ કરવા સ્વતંત્ર છે. તે તેના ફાજલ સમયનો ઉપયોગ પરિવાર અને મિત્રો સાથે ગાળે, આરામ કરે કે કોઈ કામ કરે તેના પર કોઈ નિયંત્રણ લાદી શકાય નહીં. કર્મચારી કોઈ વેઠિયો મજૂર નથી કે તેના પર બીજી નોકરી નહીં કરવાની લક્ષ્મણ રેખા નોકરીદાતા મૂકી શકે. જ્યારે તેની આવક મર્યાદિત હોય અને ખર્ચ વધારે હોય તો તે બીજું કામ કરવા મુક્ત હોવો જોઈએ. ખરેખર તો નિયોક્તાએ એ વિચારવું જોઈએ કે તેના કર્મચારીને બીજા કામની આવશ્યકતા કેમ ઊભી થઈ ? શું તેને જીવનનિર્વાહ જેટલું વેતન મળતું નથી તેના કારણે તો તેને આવું કરવાની લાચારી ઊભી થઈ છે કે કેમ? તે વિચારીને મૂનલાઈટિંગના સવાલને આત્મખોજનો વિષય બનાવવો જોઈએ.
ફાજલ સમયમાં પૂરક આવક મેળવવા માટે કરવું પડતું કામ અને મૂનલાઈટિંગ કે બેવડી નોકરી વચ્ચેનો ભેદ પણ પારખવાની જરૂર છે. જો તેને મળતું વેતન જીવનનિર્વાહ માટે અપર્યાપ્ત હોય તો વેતન વૃદ્દિ કેમ થઈ શકતી નથી ? વળી કરોડો હાથ રોજગારવિહોણા હોય અને દેશમાં બેરોજગારી ચરમસીમાએ હોય તો બેવડી નોકરીનું ઔચિત્ય કેટલું ? દીર્ઘ કામદાર-કર્મચારી લડતો પછી કામના નિશ્ર્ચિત કલાકોનો અધિકાર મેળવી શકાયો છે. હવે ભલે કર્મચારીઓનો એક નાનકડો વર્ગ ખુદ જ તેનો ભંગ કરે પણ તેનાથી કામના આઠ કલાકના અધિકારની સાર્થકતા પર પણ સવાલો ઊઠી શકે છે. મધ્યમ વર્ગને એશોઆરામ માટે નહીં પણ ઘરના બે છેડા ભેગા કરવા જો બેવડી નોકરીનો ભાર વેઠવો પડતો હોય અને ઉદ્યોગપતિઓ તેને પોતાના પર માર તરીકે જોતા હોય તો સરકારે મૂનલાઈટિંગને અર્થવ્યવસ્થા માટે ઉપકારક કે સારી બાબત તરીકે મૂલવવાને બદલે તેના સઘળા પાસાંઓનો વિચાર કરવો ઘટે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -