અનિલ જયસિંઘાનીને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારાઈ
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને નાણાંની ઓફર અને બ્લેકમેઇલનો પ્રયાસ કરવાના કેસમાં ધરપકડ કરાયેલા બૂકી અનિલ જયસિંઘાનીને કોર્ટે સોમવારે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.
અનિલ અને તેના પિતરાઇ નિર્મલ જયસિંઘાનીની ગયા સપ્તાહે ગુજરાતથી ધરપકડ કરવામાં આવી હતી. બંનેની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી સોમવારે તેમને એડિશનલ સેશન્સ જજ ડી. ડી. અલમાલે સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.વિશેષ સરકારી વકીલ અજય મિસારે બંનેની પોલીસ કસ્ટડી પાંચ દિવસ વધારી આપવાની માગણી કરી હતી, પણ કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. અનિલ જયસિંઘાનીની પુત્રી અનિક્ષા પણ આ કેસમાં આરોપી છે.
અમૃતા ફડણવીસે નોંધાવેલી ફરિયાદને આધારે પિતા-પુત્રી વિરુદ્ધ આઇપીસી અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અનિલ જયસિંઘાની વિરુદ્ધ ૧૭ જેટલા કેસ પેન્ડિંગ છે. (પીટીઆઇ)
—
શરદ પવાર, ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં મારા પિતા હતા: અનિક્ષા જયસિંઘાનીનો દાવો
મુંબઈ: અમૃતા ફડણવીસને ક્રિમિનલ કેસમાં હસ્તક્ષેપ કરવા માટે નાણાંની ઓફર કરવાના કેસમાં ધરપકડ કરાયેલી ડિઝાઇનર અનિક્ષા જયસિંઘાનીએ અમૃતાને મોકલેલા એક મેસેજમાં દાવો કર્યો હતો કે મારા પિતા એનસીપી સુપ્રીમો શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના સંપર્ક હતા, એવું પોલીસે કોર્ટને જણાવ્યું હતું.
પોલીસે કોર્ટને એમ પણ કહ્યું હતું કે વિવિધ રાજકીય હસ્તીઓ કાવતરામાં સંડોવાયેલી હોવાની શક્યતા જણાઇ રહી છે, જેની તપાસ જરૂરી છે.
અનિક્ષાએ તેના એડવોકેટ મનન સંઘાઇ મારફત કરેલી જામીન અરજીમાં દાવો કર્યો હતો કે તેને ખોટી રીતે ફસાવવા તેની સામે એફઆઇઆર કરવામાં આવી હતી, જે ‘ગોઠવી કાઢેલી અને ખોટી હકીકતો’ પર આધારિત હતી. દરમિયાન તપાસકર્તા પક્ષે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જોકે એડિશનલ સેશન્સ જજ ડી.ડી. અલમાલેએ અનિક્ષાના જામીન મંજૂર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અમૃતાની ફરિયાદને આધારે મલબાર હિલ પોલીસે ૨૦ ફેબ્રુઆરીએ ગુનો દાખલ કર્યો હતો અને ૧૬ માર્ચે અનિક્ષાની ધરપકડ કરવામાં આવી હતી. અમૃતા પાસે રૂ. ૧૦ કરોડની માગણી કરવાનો તેના પર આરોપ છે.ફરિયાદ અનુસાર અનિક્ષા ૧૬ મહિનાથી અમૃતાના સંપર્કમાં હતી અને તેના નિવાસસ્થાને પણ તે ગઇ હતી. અમૃતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તે અનિક્ષાને નવેમ્બર, ૨૦૨૧માં પહેલી વાર મળી હતી. (પીટીઆઇ)