મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
ગુજરાત સરકારે તો ટુ મચ કરી હોં. ગુજરાતી સ્ટડી ફરજિયાત કર્યું બોલો. મધરો બધી ચિંતાગ્રસ્ત છે. માં થી મોમ સુધીની સફર ખેડતા કેટલી લોંગ લડાઈ લડવી પડેલી. ત્યાં વોટર ફેરવી દીધું.
ચાલ સ્ટેન્ડ અપ થઈ જા, સીટ ડાઉન થઈ જા, હવે એકદમ શટ અપ થઈ જાજે નહીં તો સ્લેપ મારીશ.ગુજરાત સરકારે પહેલાં ધોરણથી આઠમા ધોરણ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવી તેવો કાયદો ઘડ્યો છે તેમાં હાહાકાર મચી ગયો છે. બોબ્ડ હેર મોમ્સ એન્ગ્રી થઈ ગઇ છે. પણ બાપુજીઓ મૂછમાં મલકાઈ રહ્યાં છે. જોકે રોજબરોજનું મનોરંજન છીનવાઈ ગયાનું દુ:ખ પણ છે. “વોચમાં સી કર સીક્સ ઓ કલોક વાગી ગયાં છે બેડ માંથી વેક અપ થા આવું કદાચ હવે સાંભળવા નહીં મળે તો?
ગુજરાતી જેની માતૃભાષા છે તે લોકો જ્યારે ગુજરાતી બોલવામાં શરમ અનુભવે ત્યારે એકાદ ઢાંકણી વિથ ફુલ વોટર આપણા ખર્ચે તેમને ખરીદી આપવાનું મન થાય. અંગ્રેજી ભાષા શીખવાડો પણ માતૃભાષાના ભોગે નહીં. આપણી ‘રેઇન રેઇન ગો અવે’ ની સંસ્કૃતિ નથી પણ ‘આવ રે વરસાદ ઘેવારિયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક’ ની આવકાર અને સમજણ આપતી શિક્ષા છે. આદર, સત્કાર, પ્રેમ, એ ગુજરાતી ભાષાના પાયામાં સિંચાયા છે.
અંગ્રેજી ભાષા પોતે ગોટે ચડેલી છે. ઙીિં પુટ,ભીિં કટ સાલું ક્ધફ્યુસી જવાય એવું જ છે. ક કલમનો ક થી શરૂ કરી જ્ઞ જ્ઞાન નો જ્ઞ સુધીની સફર કેવી મજાની. અમારો ચુનિયો નાનો હતો ત્યારે અંગ્રેજીમાં કાયમ ગોટાળા કરતો. દર વખતે માસ્તર વાંસામાં ફૂટપટ્ટી મારે એટલે છેલ્લે તો ફૂટપટ્ટીના ઇંચ અને સેન્ટિમીટર ચુનિયાનાં વાંસમાં એવાં છપાઇ ગયેલા કે પાછલી બેંચે બેસતા ભાઈબંધુ ફૂટપટ્ટીની જરૂર પડે ત્યારે ચુનિયાનો બુસકોટ ઊંચો કરી અને ઇંચ માપી લેતા.
અમારાં ગુજરાતમા ઇંગ્લિશ ને માન આપવાવાળો વર્ગ મોટો છે પણ રાત્રે આઠ વાગ્યા પછી. બોલવું અને લેવું બેય નક્કી જ હોય.
આધુનિક થવા મથતી મોમ મુંજાઈ ગઈ છે કે માંડ પાકા ઘડે કાંઠા ચડાવવાનો પ્રયત્ન કર્યો ત્યાં ગાડી પાટા પરથી ઉતરી જાય તે કેમ ચાલે. છોકરો કે છોકરી સગાંવ્હાલા કે મિત્રોની હાજરીમાં એકાદ ઈંગ્લિશ પોએમ બોલી જાય ત્યાં તો એક વેંત ઊંચા ચાલે. અરે માવડીઓ જ્યાં સુધી સપના ગુજરાતીમાં આવે ત્યાં સુધી અંગ્રેજીનો અતિ આગ્રહ ન રાખવો. હમણાં એક બહેનને પૂછ્યું કે તમારાં છોકરાવને ઈંગ્લિશ સ્કૂલ માં કેમ નથી ભણાવતા ત્યારે બહેને બહુ સરસ વાત કરી કે, ‘છોકરાને મન ફાવે તેમ ઉછેરવું છે કે મનથી ઉછેરવું છે તે આપણે નક્કી કરવાનું’.
ગુજરાતી ભાષા ફરજિયાત થતાં ઘણાને રાજીપો થયો.
જાગ્યા ને ત્યારથી સવાર…
કેવી મીઠાશ છે આ ભાષામાં, સમજાતાં લાગી ભલે ને થોડી વાર!
જાગ્યા ને ત્યારથી સવાર…
આખી નહીં ,અર્ધી નહીં, પા પા પગલીનો થશે બીજી ભાષામાં તરજુમો ?
રહી રહીને એકસરેમાં કોઈને તો દેખાયો બાઝી ગયેલો એક ડૂમો !
પંખીને પોતાને સમજાવા લાગશે ભાઈ પોતીકા ટહુકાનો સાર,
જાગ્યા ને ત્યારથી સવાર…
બીજી ભાષામાં ક્યાં મળશે આ શબ્દો, ભાઈ ઢગો, ઢીંઢું ને વળી
ઢાંઢો ?
ઢાંકોઢુંબો ને વળી ઢોલ પણ મળે ને મળે લટકામાં મીંઢો ને વાંઢો !
ધારો કે “ઢ લઈને ઢંઢેરો પીટીએ તો ધાર્યું પણ થાય છે ધરાર,
જાગ્યા ને ત્યારથી સવાર…
મીરાંબાઈ, પ્રેમાનંદ,અખ્ખાની સાથે આ નરસિંહ મહેતા પણ હરખાશે,
જેક એન્ડ ઝીલ સાથે નાનકડા હોઠ હવે “જાગને જાદવા ય ગાશે,
તે’દિ આ વાણીનાં લોચન ઊભરાશે ને હરખનો રહેશે નહીં પાર!
જાગ્યા ને ત્યારથી સવાર…
– કૃષ્ણ દવે
ગુજરાતી ભાષા આપણી માં છે. અન્ય ભાષાઓ માસી. વેકેશનમાં પાંચ પંદર દિવસ મોસાળમાં રોકવા જવાય પણ જીવાય તો માં સાથે જ ને?
વિચારવાયુ:
માં માંથી મોમ થતા સમય લાગે પણ પ્રેમથી બાળકને છાતી સરસુ ચાંપો એટલે બે મિનિટમાં માં બનાય.