રોડ શો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના પ્રચારના ભાગરૂપે અમદાવાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો હતો. (તસવીર: પીટીઆઈ)
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ૫મી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ૯૩ બેઠકના પ્રચાર માટે ગુજરાત આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ૩૪ કિ.મીનો સૌથી લાંબો રોડ શૉ યોજીને મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો હતો. આ રોડ શૉ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર શહેર જિલ્લાની ૧૪ વિધાનસભાની બેઠક આવરી લેવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં મેરેથોન રોડ-શૉ બાપુનગરથી આગળ ખોડિયારનગર થઈ વિરાટનગર ચાર રસ્તા તરફ રવાના થયો હતો. નરોડાથી શરૂ થયેલો આ રોડ શૉ અગાઉ કૃષ્ણનગર થઈ હીરાવાડી અને ત્યાંથી શ્યામશિખર ચાર રસ્તા પહોંચ્યો હતો, જ્યાં મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. અહીંથી મોદીનો રોડ-શૉ નિર્ધારિત રૂટ પર બાપુનગર અને ત્યાંથી ખોડિયારનગર ચાર રસ્તા તરફ રવાના થયો હતો. આ રોડ-શૉમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઊમટી પડ્યા હતા.
બીજા તબક્કાની બેઠકો માટે પીએમ મોદી દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ આજે અગાઉ કાલોલ અને હિંમતનગરમાં જાહેર સભા યોજી હતી. મોદી આ રોડ-શૉમાં અમદાવાદની રથયાત્રા જેટલો લાંબો રૂટ આવરી લીધો હતો. રથયાત્રાનો કુલ ૩૪ કિમીનો રૂટ છે અને અત્યાર સુધીનો ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો આ સૌથી લાંબો રોડ શૉ હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કુલ ૩૫ જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું.