રાહુલ ગાંધી દ્વારા 2019માં મોદી સરનેમને લઈને કરવામાં આવેલી ટિપ્પણીના કેસમાં આજે સુરત કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા છે. સુરતની કોર્ટ દ્વારા IPC 499 અને 500 મુજબ રાહુલ ગાંધી દોષિત ઠેરવવામાં આવ્યા છે. રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને તેમને જામીન પણ મળી ગયા છે. નૈષધ દેસાઈ અને હસમુખ દેસાઈ રાહુલ ગાંધીના જામીનદાર બન્યાં છે
રાહુલ ગાંધીના વકીલે કહ્યું કે અમે આ ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારીશું જઈશું. જો કે અમને પૂર્ણ ભરોસો છે કે, હાઈકોર્ટમાંથી અમને અલગ ચુકાદો મળશે. આ કેસમાં કોઈને નુકસાન થયું નથી. એવું કંઈ સામે પણ આવ્યું નથી. અમારે કોઈપણ પ્રકારની દયા અરજી કરવી નથી.
2019ની લોકસભા ચૂંટણી માટે કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે? જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે ગયા શુક્રવારે બંને પક્ષોની અંતિમ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો જાહેર કરવા માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ત્રણ વખત કોર્ટમાં હાજર થયા હતા. ઓક્ટોબર 2021માં પોતાનું નિવેદન નોંધવા કોર્ટમાં પહોંચેલા રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા.