મોદી સરનેમ ડેફેમેશન કેસ (Defamation Case)માં ગુજરાત હાઈ કોર્ટે મંગળવારે રાહુલ ગાંધીની અરજી પર ઉનાળુ વેકેશન બાદ ચુકાદો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. કોર્ટે મંગળવારે બપોરે 2.30 વાગ્યે સુનાવણી શરૂ કરી હતી. ન્યાયાધીશે મંગળવારે જણાવ્યું હતું કે બંને પક્ષો એક અથવા બે દિવસમાં તેમની દલીલો પૂરી કરે તેવી શક્યતા છે. ન્યાયાધીશ 4થી મેના રોજ વિદેશ જઈ રહ્યા છે.
ન્યાયાધીશે સંકેત આપ્યા હતા કે તેઓ ઉનાળુ વેકેશન (summer vacation)માં ચુકાદો આપશે. તેનો અર્થ એ છે કે રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં ચૂકાદો આવતા હજુ પાંચ સપ્તાહ જેટલો સમય લાગી શકે છે. ગુજરાત હાઈ કોર્ટ 2019માં રાજકીય ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન મોદી અટક ધરાવતા બધા ચોર કેમ હોય છે તેવી ટીપ્પણી અંગે માનહાનિ કેસમાં બે વર્ષની સજા સામે રાહુલ ગાંધીએ કરેલી રિવિઝન અરજી પર સુનાવણી કરી રહી છે.
અગાઉ સુરતની નીચલી કોર્ટે ગાંધીને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી અને સુરત સેશન્સ કોર્ટે આ સજા પર સ્ટે આપવાની અરજીને નકારી રાહુલ ગાંધીને રાહત આપી ન હતી. 23મી માર્ચે નિચલી અદાલતના ચુકાદા બાદ બીજા દિવસે રાહુલ ગાંધીનું સાંસદપદ રદ કરવામાં આવ્યું હતું.
આ કેસમાં મંગળવારે સુનાવણી સમયે ફરિયાદી પૂર્ણેશ મોદી (Purnesh Modi) તરફથી વરિષ્ઠ વકીલ નિરુપમ નાણાવટી જ્યારે રાહુલ ગાંધી તરફથી અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા.