રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપુર વખાણ કર્યા હતા. આ દરમિયાન તેમણે ભારત અને રશિયા વચ્ચેના જૂના અને મજબૂત સંબંધો વિશે પણ વાત કરી. રશિયન રાષ્ટ્રપતિ પુતિને મોસ્કોમાં વાલ્ડાઈ ડિસ્કશન ક્લબની 19મી વાર્ષિક બેઠકમાં સંબોધન આપતા આ વાત કહી હતી. તેમણે કહ્યું કે મોદી સાચા દેશભક્ત છે. તે સારી રીતે જાણે છે કે તેના લોકોના હિતોનું રક્ષણ કેવી રીતે કરવું.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, ‘પીએમ નરેન્દ્ર મોદી એવા લોકોમાંથી એક છે જે સ્વતંત્ર વિદેશ નીતિ લાગુ કરવામાં સક્ષમ છે અને તેઓ સાચા દેશભક્ત છે. તે સારી રીતે જાણે છે કે તેના લોકોના હિતોનું રક્ષણ કેવી રીતે કરવું. મોદી આઈસ બ્રેકર છે. ઘણા દેશો અને લોકોએ ભારત પર ઘણા નિયંત્રણો લાદવાનો પ્રયાસ કર્યો, પરંતુ છતાં મોદીએ ભારત પર કોઈપણ પ્રતિબંધો લાદવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. ભારતે વિકાસમાં જબરદસ્ત સફળતા હાંસલ કરી છે અને ભારતનું ભવિષ્ય ઉમદા છે.’
તેમણે ભારત-રશિયા સંબંધો વિશે વાત કરતા કહ્યું કે, ‘ભારત અને રશિયાએ દાયકાઓથી વિશેષ સંબંધો વિકસાવ્યા છે અને બંને દેશો વચ્ચે કોઈ વિવાદ નથી. બ્રિટનના વસાહતીકરણથી આધુનિક દેશ બનવા સુધીના વિકાસમાં ભારતે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.’
પુતિને વધુમાં કહ્યું, ‘પીએમ મોદીના નેતૃત્વમાં ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું બધું કરવામાં આવ્યંા છે. સ્વાભાવિક રીતે જ તે દેશભક્ત છે. મેક ઇન ઇન્ડિયા માટેનો તેમનો વિચાર આર્થિક અને નૈતિક બંને રીતે મહત્વનો છે. ભવિષ્ય ભારતનું છે. ભારતને સૌથી મોટી લોકશાહી હોવાનો ગર્વ થઈ શકે છે અને ભારત અને રશિયા વચ્ચે ખાસ સંબંધ છે.’