‘વાહન હોય કે સરકાર, ડબલ એન્જિનથી વધે છે સ્પીડ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કર્ણાટકમાં શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘આજે શિવમોગાને પોતાનું એરપોર્ટ મળ્યું છે. લાંબા સમયથી શિવમોગાના નાગરિકોની એરપોર્ટની માંગણી હતી, તે આજે પૂરી થઈ ગઈ છે. શિવમોગા એરપોર્ટ ખૂબ જ ભવ્ય છે અને તે ખૂબ જ સુંદર છે. આ માત્ર એરપોર્ટ નથી, આ વિસ્તારના લોકોના સપનાની નવી ઉડાન માટેનું અભિયાન છે. નવા શિવમોગા એરપોર્ટનું રૂ. 450 કરોડના ખર્ચે બાંધકામ કરવામાં આવ્યું છે અને આ પેસેન્જર ટર્મિનલ દર કલાકે 300 પ્રવાસીઓને હેન્ડલ કરવા સક્ષમ છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘કાર હોય કે સરકાર… જો ડબલ એન્જિન લગાવવામાં આવે તો તેની સ્પીડ અનેક ગણી વધી જાય છે. અગાઉ જ્યારે કર્ણાટકના વિકાસની ચર્ચા થતી હતી ત્યારે તે મોટા શહેરો સુધી મર્યાદિત રહેતી હતી, પરંતુ અમારી સરકાર વિકાસને કર્ણાટકના ગામડાઓ ઉપરાંત ટિયર-2 અને ટિયર-3 શહેરો સુધી લઈ જવા માટે કામ કરી રહી છે.
એ દિવસ દૂર નથી જ્યારે ભારતવાસીઓ ‘મેડ ઇન ઇન્ડિયા’ વિમાનમાં મુસાફરી કરશે. અગાઉની સરકારો પર પ્રહાર કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસના શાસનકાળમાં એર ઇન્ડિયા એક ખોટ ખાતી, દેવામાં અને કૌંભાડોમાં ડૂબેલા બિઝનેસ મોડલ તરીકે ઓળખાતી હતી, પરંતુ આજે એર ઇન્ડિયા ભારતની તાકાત તરીકે ઊભરી આવી છે અને વૈશ્વિક સ્તરે નામના મેળવી રહી છે. એર ઇન્ડિયા આજે દુનિયામાંથી નવા વિમાનો ખરીદી રહી છે અને સમગ્ર વિશ્વમાં ભારતના ઉડ્ડયન ક્ષેત્રનો ડંકો વાગી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે કર્ણાટકના લોકપ્રિય નેતા બીએસ યેદિયુરપ્પાનો જન્મ દિવસ છે. પીએમ મોદીએ તેમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે તેમણે તેમનું જીવન ગરીબો અને કિસાનોના કલ્યાણ માટે સમર્પિત કર્યું છે.