કવર સ્ટોરી -રાજેશ શર્મા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઈતિહાસ રચી દીધો. ભાજપ લાંબા સમયથી માધવસિંહ સોલંકીએ ૧૯૮૫માં કૉંગ્રેસને ૧૪૯ બેઠકો જીતાડીને અપાવેલા વિજયનો રેકોર્ડ તોડવા થનગનતો હતો પણ મેળ નહોતો પડતો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણી લડ્યો પણ ૧૩૦ના આંકડાને પણ પાર નહોતો કરી શકતો.
છેલ્લે ૨૦૧૭માં ચૂંટણી થઈ ત્યારે તો ભાજપ ૧૦૦ બેઠકોનો આંકડો પણ પાર નહોતો કરી શક્યો અને ૯૯ બેઠકો પર સમેટાઈ ગયો હતો. કૉંગ્રેસ ૭૭ બેઠકો લઈ ગયો હતો જ્યારે અન્ય પક્ષને ૬ બેઠકો પર જીત મળી હતી. તેના કારણે ભાજપના ૧૫૦ કરતાં વધારે બેઠકો જીતવાના દાવાને બહુ ગંભીરતાથી નહોતો લેવાતો પણ આ વખતે ભાજપે એ વરસો જૂનું સપનું તો પાર પાડ્યું જ પણ નવો રેકોર્ડ પણ બનાવ્યો. ભાજપે અભૂતપૂર્વ અને ઐતિહાસિક જીત મેળવીને ૧૪૯ બેઠકો જીતવાનો નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ભાજપની જીતનું વિશ્ર્લેષણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભાજપ પોતાની સંગઠન શક્તિના જોરે ભવ્ય જીત મેળવી ગયો ત્યાંથી માંડીને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની પેજ પ્રમુખની વ્યૂહરચના અક્સિર પુરવાર થઈ ત્યાં સુધીની વાતો ચાલી રહી છે. ભાજપના સંગઠને ભાજપ શાસનમાં થયેલા વિકાસની વાતો લોકો સુધી પહોંચાડી અને લોકોએ પણ વિકાસનાં ફળ ચાખ્યાં છે તેથી ભાજપની ભવ્ય જીત થઈ એવું પણ કહેવાઈ રહ્યું છે. ભાજપે પણ ચૂંટણી જીત્યા પછી ૨૭ વર્ષના શાસન ને વિકાસનાં કામોના કારણે જીત્યાની ડાહી ડાહી વાતો કરી છે.
આ બધાં પરિબળોનું ભાજપની જીતમાં યોગદાન નથી એવું ના કહી શકાય. આ બધાં પરિબળો થોડું થોડું યોગદાન આપી ગયાં પણ ભાજપની ભવ્ય જીતમાં સૌથી મોટું યોગદાન હિંદુત્વના મુદ્દાનું છે. ભાજપે વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં પહેલાં વિકાસ, લોકો માટે કરેલાં કામો ને એવી ડાહી ડાહી વાતો કરી હતી પણ છેવટે ૨૦૦૨નાં રમખાણો પર જ વાત આવીને અટકી હતી. ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોના પગલે નરેન્દ્ર મોદી હિંદુઓમાં હીરો તરીકે ઊભર્યા પછી ગુજરાતનું રાજકારણ મોદીલક્ષી થઈ ગયું છે. મોદીની મુસ્લિમોને સીધા કરી નાખનારા નેતા તરીકેની ઈમેજના કારણે લોકો ભાજપ તરફી મતદાન કરતા રહ્યા છે અને આ વખતે પણ છેલ્લે છેલ્લે ભાજપને એ જ મુદ્દો કામ લાગ્યો છે.
ગુજરાતમાં ભાજપના પ્રચારનું સેનાપતિપદ સંભાળનારા અમિત શાહ છેલ્લા પખવાડિયામાં ગુજરાતનાં રમખાણોની જ વાત કરતા હતા. મોદીએ પણ રમખાણોનો મુદ્દો ઉઠાવ્યો જ હતો. અમિત શાહ દરેક સભામાં સવાલ કરતા કે, કૉંગ્રેસની મતબૅંક કોણ છે એ ખબર છે ને ? આ વાત કર્યા પછી કહેતા કે, છેલ્લે ૨૦૦૨માં આ લોકોએ છમકલું કરવાની હિંમત કરી હતી પણ ૨૦૦૨માં એવો પાઠ ભણાવ્યો કે હવે નામ નથી લેતા. તેમને વીણી વીણીને જેલમાં નાખ્યા એટલે છેલ્લાં ૨૨ વર્ષમાં એક વાર પણ ગુજરાતમાં કફર્યૂ નથી નાખવો પડ્યો.
અમિત શાહ એક વાત પર પણ ભાર મૂકતા કે, ગુજરાતમાં અસામાજિક તત્ત્વો વારંવાર હિંસા કરતા અને કૉંગ્રેસ તેમને છાવરતી. આ અસામાજિક તત્ત્વોને છાવરીને કૉંગ્રેસે વર્ષો સુધી સમાજના એક મોટા વર્ગ સાથે અન્યાય કર્યો પણ ભાજપે તેમને ખો ભૂલાવી દીધી છે. ૨૦૦૨માં નરેન્દ્રભાઈ વખતે અડપલું કરવાની કોશિશ કરી તો એવો પાઠ ભણાવ્યો કે, ૨૨ વર્ષ થયાં પણ હજુ સુધી કોઈ ડોકું ઊંચું નથી કરતું. ભાજપે આખા ગુજરાતમાં કાયમની શાંતિ કરી દીધી છે., કૉંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ઈજ્જુશેખ, પીરજાદા, લતિફ જેવા દાદા હતા. હવે ગુજરાતના ગામે ગામ દાદા છે તો એક જ હનુમાન દાદા છે.
શાહ આ બધી વાતો કરીને સવાલ કરતા કે, આપણે પાછા એ દિવસો જોઈએ છે ? શાહ ‘એ લોકો’ કહેતા ને એ લોકો’ કોણ તેની સ્પષ્ટતા કરવાની જરૂર જ નથી. ટૂંકમાં વાત એટલી જ છે કે, ભાજપે હિંદુઓને મુસ્લિમોનો ડર બતાવ્યો તેની પણ ભારે અસર થઈ જ છે. બલ્કે છેલ્લે છેલ્લે ભાજપની તરફેણમાં જે મત પડ્યા તેનું કારણ આ મુદ્દો જ છે. લોકોને આ મુદ્દો સ્પર્શી ગયો તેમાં ભાજપ તરી ગયો.
ભાજપે હિંદુત્વનો મુદ્દો ઉઠાવીને કશું ખોટું કર્યું નથી. ગુજરાતમાં ૧૯૯૫ પહેલાં વારંવાર કોમી રમખાણો થતાં જ હતાં. કૉંગ્રેસ એ વખતે મુસ્લિમ બૂટલેગરો અને ગુંડાઓનાં કરતૂતો સામે આંખ આડા કાન કરતો હતો. ગુજરાતે ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં આવાં તોફાનો વારંવાર જોયાં છે. તેના કારણે હિંદુઓમાં કૉંગ્રેસ સામે અસંતોષ પેદા થયો. કૉંગ્રેસ આ અસંતોષને ના પારખી શકી ને મુસ્લિમ તુષ્ટિકરણ કરતી જ રહી.
ગુજરાતમાં ૨૦૦૨નાં રમખાણો વખતે પણ કૉંગ્રેસનું વલણ આઘાતજનક હતું. ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસને સળગાવીને ૫૮ કારસેવકોને જીવતા સળગાવી દેવાયા તેની સામે કૉંગ્રેસ ચૂપ હતી ને રમખાણો મુદ્દે મોદી સરકારને ગાળો દેવામાં કોઈ કસર નહોતી છોડી. તેના કારણે મોદી હિંદુઓના હીરો બની ગયા ને ભાજપ તેના કારણે ફાવ્યો છે. રાજકારણમાં જે મુદ્દો ફાયદો કરાવે એ રાજકારણીઓ ઉઠાવતા હોય છે. ભાજપે પણ એ જ કર્યું છે.
ગુજરાતમા મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સારો વિકાસ થયો તેમાં બેમત નથી. મોદીએ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ટરને બહેતર બનાવ્યું. સારા રોડ-રસ્તા, સિંચાઈ યોજનાઓ વગેરે આપી, ભ્રષ્ટાચાર ઓછો કરીને વહીવટમાં પારદર્શકતા પણ લાવ્યા. મોદીના ગયા પછી આવેલા ગુજરાતના ત્રણેય મુખ્યમંત્રી સાવ વામણા પુરવાર થયા છે. ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં તો સાવ લાલિયાવાડી જ ચાલી રહી છે. ગુજરાતમાં પેપરો ફૂટવાનો સિલસિલો ચાલ્યા કરે છે ને રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના પણ ફાંફાં છે. આ કારણોસર લોકોમાં થોડો ઘણો અસંતોષ હશે પણ એ મોદી-શાહની હિંદુત્વની
ઈમેજમાં ઢંકાઈ ગયો છે. લોકોએ સુરક્ષા અને સલામતીને વધારે મહત્ત્વ આપ્યું છે.
ગુજરાતમાં જીત સાથે ભાજપે ગુજરાતમાં અત્યાર લગી તો પોતે અજેય છે એ સાબિત કરી દીધું જ છે પણ લોકસભાની ચૂંટણીમાં પણ વિપક્ષોનાં સૂપડાં સાફ કરી દેશે તેનો સંકેત આપી દીધો છે. ગુજરાતમાં ૨૦૧૪ અને ૨૦૧૯ બંને ચૂંટણીમાં ભાજપે તમામ ૨૬ બેઠકો જીતી હતી. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જોયા પછી ભાજપ ૨૦૨૪ની ચૂંટણીમાં એ દેખાવનું પુનરાવર્તન ના કરે તો આશ્ર્ચર્ય ગણાશે.
ભાજપની આ ભવ્ય જીત સાથે ગુજરાતનું રાજકારણ નવા યુગમાં પ્રવેશ્યું છે. આ પરિણામો સ્પષ્ટ સંકેત આપે છે કે, ગુજરાત પણ દિલ્હીની દિશામાં આગળ વધી રહ્યું છે. દિલ્હીમાં વરસો લગી કૉંગ્રેસનું રાજ હતું. શીલા દીક્ષિત સળંગ ૧૫ વર્ષ લગી મુખ્યમંત્રી રહ્યાં પણ અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થતાં જ કૉંગ્રેસ ધીરે ધીરે પતી ગઈ ને હવે દિલ્હીમાં નામશેષ થઈ ગઈ છે.
ગુજરાતમાં પણ એ જ સ્થિતિ સર્જાવાની છે. કૉંગ્રેસે તેના ઈતિહાસનો સૌથી શરમજનક દેખાવ કરીને માત્ર ૧૭ બેઠકો જીતી છે. કૉંગ્રેસમાંથી જે પણ જીત્યા એ બધા કૉંગ્રેસના નામ કરતાં વધારે તો પોતાની લાંબી રાજકીય કારકિર્દી અને અંગત તાકાત કે શાખ પર જીત્યા છે. બાકી એક પક્ષ તરીકે કૉંગ્રેસનું નામોનિશાન રહ્યું નથી. ૧૯૯૦માં વિશ્ર્વનાથ પ્રતાપસિંહની આંધી વખતે કૉંગ્રેસને માત્ર ૩૩ બેઠકો મળી હતી. કૉંગ્રેસે તેનાથી પણ અડધી બેઠકો જીતીને પોતાના સંપૂર્ણ પતનનો પાયો નાખી દીધો છે. કૉંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની છાપ એટલી પ્રબળ છે કે ગુજરાતમાં એ કશું પણ કરે તો પણ તેનો મેળ પડવાનો નથી. ૨૦૧૭માં પાટીદારો તેના પડખે રહ્યા તેમાં કૉંગ્રેસ શાનદાર દેખાવ કરી ગયેલી પણ કૉંગ્રેસ પાટીદારોને પણ ન સાચવી શકી તેથી હતી ત્યાંની ત્યાં જ આવીને ઊભી રહી ગઈ છે.
આ ચૂંટણી સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સત્તા કબજે કરવાની વાતો કરતી હતી. એવું કશું થયું નથી તો સામે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ ને ગોઆ જેવાં રાજ્યોમાં ભૂંડી હાર થઈ હતી એવું પણ થયું નથી. આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ચૂંટાયા છે ને ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીનો વિધિવત પ્રવેશ થયો છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજો હારી ગયા છે પણ સૌરાષ્ટ્રમાં આપ ત્રણ બેઠકો જીત્યો છે એ પણ સૂચક છે.
આપની ભલે પાંચ બેઠકો આવી પણ બીજી ૩૫ બેઠકો પર તેના ઉમેદવાર બીજા નંબરે આવ્યા છે. પહેલી જ ચૂંટણી લડનારા પક્ષ માટે આ દેખાવ કાઢી નાખવા જેવો નથી. આપનો ગુજરાતની ૪૦ બેઠકો પર પ્રભાવ સાબિત થયો છે. અલબત્ત તેના કારણે ભાજપને ખતરો નથી પણ કૉંગ્રેસને ખતરો છે. આપના દેખાવ પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે, હવે પછી ગુજરાતના રાજકારણમાં કૉંગ્રેસનું સ્થાન આમ આદમી પાર્ટી લેશે ને ભવિષ્યમાં દિલ્હીની જેમ ભાજપ વર્સિસ આમ આદમી પાર્ટીનો જંગ હશે.