એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેનો સરહદી વિવાદ પાછો વકર્યો છે ને બંને રાજ્યોએ એકબીજા સામે બાંયો ચડાવી છે. કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદના મામલે લાંબા સમયથી ડંખો ચાલે છે ને મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. તેના કારણે વચ્ચે વચ્ચે મામલો ઠંડો પડી જાય છે ને પાછી કોઈ ઘટના બને એટલે ગરમી પકડી લે છે. ગયા મહિને બેલગાવીમાં મહારાષ્ટ્રથી આવતી બસો પર પથ્થરમારો થયો તેના કારણે આ મામલો પાછો ચગ્યો છે ને બંને રાજ્યો તલવાર તાણીને સામસામે આવી ગયાં છે.
અત્યારે કર્ણાટક અને મહારાષ્ટ્ર બંનેમાં ભાજપની સરકાર છે. પોતાના પક્ષની બે સરકારો સામસામે લડ્યા કરે એ ના શોભે તેથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓને દિલ્હી બોલાવીને સમજાવેલા. શાહની હાજરીમાં તો બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સુપ્રીમ કોર્ટમાં કેસનો નિવેડો ના આવે ત્યાં સુધી ચૂપ રહેવા રાજી થઈ ગયા પણ જેવા પોતપોતાનાં રાજ્યોમાં પહોંચ્યા કે, રાજકીય દબાણ સામે ઝૂકી ગયા.
કર્ણાટકમા આવતા વરસે વિધાનસભા ચૂંટણી છે તેથી મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ પહેલાં ઝૂક્યા ને કર્ણાટક વિધાનસભામા ઠરાવ લાવવો પડ્યો. આ ઠરાવમાં કર્ણાટક સરકાર મહારાષ્ટ્ર દાવો કરે છે એ એક પણ ગામ કે શહેર તો શું પણ એક ઈંચ જમીન પણ મહારાષ્ટ્રને નહીં આપવાનો હુંકાર કરાયો છે. કર્ણાટક વિધાનસભાએ આ સીમાવિવાદની નિંદા કરીને મહારાષ્ટ્રને તેના માટે જવાબદાર ગણાવ્યું છે. કર્ણાટક વિધાનસભા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે કર્ણાટકની જમીન, પાણી, ભાષા અને ક્ધનડ હિતોથી જોડાયેલા કોઇ પણ મુદ્દે સમાધાન નહીં કરવામાં આવે. કર્ણાટકના લોકો અને વિધાનસભા સભ્યોની લાગણીઓને અસર થાય એવા કોઈ પણ મુદ્દે અમે રાજ્યનાં હિતોની રક્ષા માટે બંધારણીય અને કાનૂની રીતે કદમ ઉઠાવવા માટે પ્રતિબદ્ધ રહીશું.
કર્ણાટક વિધાનસભાને પગલે મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ બંને રાજ્યો વચ્ચે વિવાદ છે એ વિસ્તારોને મહારાષ્ટ્રમાં ભેળવવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. મહારાષ્ટ્ર વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરાયેલા ઠરાવમાં કહેવાયું છે કે આ વિવાદાસ્પદ વિસ્તારમાં ૮૬૫ મરાઠીભાષી ગામ છે અને તેની એક-એક ઇંચ જમીન મહારાષ્ટ્રમાં ભેળવી દેવામાં આવશે. આ માટે સુપ્રીમ કોર્ટમાં જે પણ કરવું જરૂર પડે એ મહારાષ્ટ્ર સરકાર કરશે.
કર્ણાટક અને મહારાષ્ટ્ર બંનેનાં આક્રમક વલણ જોતાં આ વિવાદનો ઉકેલ બંને રાજ્યો શાંતિથી લાવે એ વાતમાં માલ નથી. આ વિવાદ સાથે રાજકીય હિતો અને મતબેંકનું રાજકારણ જોડાયેલું હોવાથી બંનેમાંથી કોઈ પણ રાજ્ય નમતું જોખી શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટ શું નિર્ણય આપશે એ ખબર નથી પણ જે રાજ્યની વિરુદ્ધ ચુકાદો આવશે એ સ્વીકારશે નહીં ને લોકોને ભડકાવીને તોફાન કરાવી દેશે. આ સંજોગોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આ મામલે દખલ કરવી જોઈએ ને જવાહરલાલ નહેરુ સરકારે કરેલી ભૂલને સુધારીને મહારાષ્ટ્રને ન્યાય કરવો જોઈએ.
મહારાષ્ટ્ર કર્ણાટકમાં ભેળવી દેવાયેલાં ૮૬૫ ગામો પર દાવો કરે છે એ સાચો છે કેમ કે આ ગામોમાં મરાઠી બોલનારાં લોકો રહે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકની રચના ભાષાના આધારે થઈ હતી એ જોતાં સંપૂર્ણ મરાઠીભાષી ૮૬૫ ગામોને મહારાષ્ટ્રમાં જ ભેળવવાની જરૂર હતી. મહારાષ્ટ્રે આ ૮૬૫ ગામોના બદલામાં ક્ન્નડભાષી લોકોનાં ૨૬૦ ગામ કર્ણાટકને આપવાની તૈયારી બતાવી જ હતી પણ કર્ણાટક સરકારે એ સ્વીકારી નહોતી એ જોતાં વાંક મહારાષ્ટ્રનો નહીં પણ કર્ણાટકનો છે. મોદી સરકારે આ અન્યાય દૂર કરવો જોઈએ ને કર્ણાટકને ૮૬૫ ગામો મહારાષ્ટ્રને આપવાની ફરજ પાડવી જોઈએ.
મહારાષ્ટ્રને થયેલા અન્યાયને સમજવા ભારતમાં રાજ્યોની પુનર્રચનાનો ઈતિહાસ સમજવો જરૂરી છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન વહીવટી સરળતા માટે અલગ અલગ પ્રોવિન્સ એટલે કે પ્રાંત હતા. આઝાદી બાદ દેશમાં નવાં રાજ્યોની રચના માટે સર્વસંમત ફોર્મ્યુલા તૈયાર કરવા જસ્ટિસ દાર પંચની રચના કરાઈ હતી. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ૧૭ જૂન, ૧૯૪૮ના રોજ અલ્હાબાદ હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ જસ્ટિસ એસ. કે. દાર, જાણીતા વકીલ જે. એલ. લાલ, નિવૃત્ત સનદી અધિકારી પન્નાલાલની નિમણૂક આ પંચમાં કરાઈ.
બ્રિટિશ શાસન દરમિયાન પશ્ર્ચિમ તટનો મોટો ભાગ બોમ્બે પ્રેસિડેન્સીમાં હતો. આઝાદી પછી આ પ્રેસિડેન્સીને રાજ્યો બનાવી દેવાતાં ગુજરાત અને મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો બોમ્બે સ્ટેટનો હિસ્સો બન્યાં હતાં. જસ્ટિસ દાર પંચે ૧૦ ડિસેમ્બર, ૧૯૪૮ના રોજ અહેવાલ રજૂ કર્યો તેમાં ભાષાકીય આધાર પર રાજ્યોની રચના કરવી હિતાવહ ન હોવાની ભલામણ હતી. તેનો ઠેરઠેર વિરોધ શરૂ થયો ને હિંસા પણ થઈ. ૧૯૫૨માં મદ્રાસ પ્રાંતમાંથી અલગ આંધ્ર પ્રદેશની રચનાની માંગણી માટે ઊગ્ર આંદોલન શરૂ થયું. આમરણાંત ઉપવાસ પર ઉતરેલા આ આંદોલનના નેતા પોટ્ટી શ્રીરામુલુનું અવસાન થતાં હિંસા ભડકી.
લોકોને શાંત પાડવા ૧૯૫૩માં તેલુગુભાષી લોકો માટે અલગ આંધ્ર પ્રદેશની માગણી સ્વીકારવી પડી. તેના પગલે બીજે પણ દોલનો શરૂ થતાં ડિસેમ્બર ૧૯૫૩માં નહેરુએ રાજ્યોની પુનર્રચના માટે જસ્ટિસ ફઝલ અલીના વડપણ હેઠળ સ્ટેટ રિઓર્ગેનાઈઝેશન કમિશન (જછઈ)ની રચના કરી. ફઝલ અલી કમિશને ૧૯૫૫માં બીજે બધે ભાષાવાર રાજ્યો રચવાનું ધ્યાનમાં લઈને નવાં રાજ્યો રચવાની ભલામણ કરી પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી રાખવાનું સૂચન કરાયું હતું
મુંબઈ સ્ટેટમાં સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છ રાજ્ય અને મધ્ય પ્રદેશના વિભાગના મરાઠી ભાષી વિસ્તારો તેમજ હૈદરાબાદના મરાઠાવાડાને ઉમેરવાનું સૂચન હતું. આ ભલામણ પ્રમાણે મુંબઈ રાજ્યના સૌથી દક્ષિણના વિસ્તારો મૈસૂર રાજ્યમાં ઉમેરવામાં આવ્યા કે જે પછી કર્ણાટક બન્યું. આમ મુંબઈ સ્ટેટના ગુજરાતી ભાષા બોલતા લોકો ઉત્તરમાં અને મરાઠી ભાષા બોલતા લોકો દક્ષિણમાં ગયા. નહેરુએ એ વખતે જ સંપૂર્ણપણે ભાષાકીય આધારને સ્વીકાર્યો હોત તો સ્થિતિ ના બગડી હોત. આ નિર્ણયના કારણે ગુજરાતી અને મરાઠીભાષીઓએ અલગ ભાષાવાર રાજ્યોની માગણ સાથે આંદોલન કરતાં છેવટે ગુજરાત અને મહારાષ્ટ્ર બે અલગ રાજ્યો બન્યાં. એ વખતે મરાઠીભાષી ગામોને નવા રાજ્યમાં સમાવી લેવાની જરૂર હતી પણ નહેરુએ એ ના કર્યું તેમાં છેલ્લા છ દાયકા કરતાં વધારે સમયથી ચાલતા વિવાદનાં મૂળ નંખાયાં.
મોદી સરકાર નહેરુની ભૂલ સુધારે તો આ વિવાદ ઉકેલાઈ જાય.