નવી દિલ્હીઃ બજેટ સત્રના પહેલા દિવસે લોકસભામાં આજે જે થયું એ બાબત ‘ટોક ઓફ ટાઉન’ બની છે. કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને કોંગ્રેસની વચ્ચે સતત ઘર્ષણ જોવા મળે છે, જેમાં રાહુલ ગાંધીની આગેવા્ની હેઠળ ભારત જોડો યાત્રાનું સમાપન વચ્ચે મંગળવારે લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસનાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીનો આમનો સામનો થયો હતો. એટલું જ નહીં, બંને એકબીજાની સામે આવ્યા ત્યારે અભિવાદન પણ કર્યું હતું.
અલબત્ત, મંગળવારે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધપક્ષના નેતાની બેન્ચ નજીક જઈને વાતચીત પણ કરી હતી. એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષની બેન્ચ તરફ સૌથી આગળની હરોળમાં બેઠેલા સોનિયા ગાંધીને હાથ જોડીને વડા પ્રધાન મોદીએ નમસ્કાર કહ્યું હતું.
અહીં એ જણાવી દઈએ કે અગાઉ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં પૂજ્ય મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બંને આમનેસામને આવ્યા હતા. એ વખતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને નમસ્તે કરીને અભિવાદન કર્યું હતું. જવાબમાં સોનિયા ગાંધીએ પણ હાથ જોડીને વડા પ્રધાન મોદીને નમસ્તે કર્યું હતું. ત્યારબાદ અનેક ગ્રૂપ ફોટો પાડવામાં આવ્યા હતા, જેમાં બંને નેતા સાથે ઊભા રહેલા જોવા મળ્યા હતા. મંગળવારે લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લાની પાસે આવીને તેમની પાસે થોડી વાર વાતચીત કરી હતી અને લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની પાસે જઈને તેમને પૂછ્યું હતું કે શું તમે થાકી ગયા અને એના પૂર્વે તેમને તૃણમુલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને સૌગત રોયના સિવાય અન્ય વિપક્ષી નેતાની સાથે પણ વાતચીત કરી હતી.
ઉપરાંત, બિહારના સાંસદ ચિરાગ પાસવાન પણ વડા પ્રધાન મોદીની નજીક જઈને નમસ્કાર કરીને થોડી જાણકારી આપતા જોવા મળ્યા હતા, જ્યારે તેના જવાબમાં વડા પ્રધાન મોદીએ ચિરાગ પાસવાનની પીઠ થપથપાવતા જોવા મળ્યા હતા.