ન્યાયાધીશોની નિવૃત્તિ પછીની નિમણૂંકમાં કંઈ ખોટું નથીઃ ભાજપ
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૈયદ અબ્દુલ નઝીરને આંધ્રપ્રદેશના નવા રાજ્યપાલ બનાવાતા વિવાદ સર્જાયો છે. ટૂંક સમય પહેલાં જ તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પદેથી નિવૃત્ત થયા છે અને હવે તેમને રાજ્યપાલનું પદ સોંપવામાં આવ્યું છે. જસ્ટિસ અબ્દુલ નઝીરની આંધ્રપ્રદેશના રાજ્યપાલ પદે નિમણૂક વિપક્ષને આશ્ચર્યજનક લાગી છે, કારણ કે અયોધ્યાની રામ જન્મભૂમિ જમીન વિવાદના કેસમાં હિન્દુની તરફેણમાં ચુકાદો આપનારી બેંચમાં તેઓ હતા.
દક્ષિણના રાજ્યમાં કેરળ બાદ હવે આંધ્ર પ્રદેશમાં બીજા મુસ્લિમ મહાનુભાવને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
અબ્દુલ નાઝીર ટ્રીપલ તલાક જેવા મામલાઓની સુનાવણીમાં પણ સામેલ રહી ચૂક્યા છે. કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના દિવંગત નેતા અરુણ જેટલીની ટિપ્પણીને ટાંકીને આ પગલાને ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે “ગંભીર ખતરો” ગણાવ્યો છે.
કોંગ્રેસે તેમની નિમણૂકની ટીકા કરતા જણાવ્યું હતું કે કોઈપણ નિવૃત્ત ન્યાયાધીશને સરકારી પદ આપવો દુર્ભાગ્યપૂર્ણ છે આના કારણે લોકોનો ન્યાયિત વ્યવસ્થા પરથી વિશ્વાસ ઓછો થઈ જશે. જ્યારે નઝીરની નિમણૂક વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, અમે તેની નિંદા કરીએ છીએ, અમે તેનો વિરોધ કરીએ છીએ અને અમે તેની સાથે સહમત નથી.”
દરમિયાન ભાજપે આ વિવાદ અંગે જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ આવી નિમણૂકોના ઉદાહરણો જોવા મળ્યા છે અને બંધારણે તેના પર પ્રતિબંધ મૂક્યો નથી. ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ બલુનીએ કહ્યું કે દરેક મુદ્દા પર રાજનીતિ કરવાની કોંગ્રેસની આદત છે અને તે દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજ્યપાલોની નિમણૂક પર વિરોધ પક્ષ આવું જ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સરકારે રવિવારે નઝીર સહિત છ નવા ચહેરાઓને રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ કેન્દ્ર સરકારે જસ્ટિસ ગોગોઇને રાજ્યસભામાં મોકલ્યા હતા અને હવે અબ્દુલ નઝીરને રાજ્યપાલ નિમ્યા છે જેના કારણે એવા આરોપો થઈ રહ્યા છે કે રામ મંદિર અયોધ્યા વિવાદનો ચુકાદો સરકારના દબાણ હેઠળ આપવામાં આવ્યો હતો. ગોગોઈ બાદ નાઝીરને સરકારી પદ મળવાથી વિપક્ષની આ શંકા વધુ મજબૂત બની છે.