Homeધર્મતેજમિશન મૂન

મિશન મૂન

લેખક – વિપુલ વૈદ્ય

પ્રકરણ – ૧

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગરે પેન્ટાગોનમાં તાકીદે બેઠક બોલાવી હતી અને તેવી જ રીતે ચીનના લ્યાન ઝીન પિંગે દેશના શસ્ત્રપ્રમુખો અને ગુપ્તચર ખાતાના વડાને પોતાના ઘરે બોલાવ્યા હતા. રશિયાના પ્રમુખ વોલેરન બાઈને પોતાના બધા જ મહત્ત્વના કોમરેડને તાકીદનો સંદેશો મોકલાવ્યો હતો. હવે બે કલાકમાં જે થવાનું હતું તે આખી દુનિયા માટે અત્યંત મહત્ત્વનું હતું.

યસ.. યસ.. યસ..
રંજન કુમાર પોતાની કેબિનમાં ઉત્સાહભેર બોલી રહ્યા હતા અને ચારે તરફથી પારદર્શક કાચની બનેલી કેબિનમાં તેમની આ હરકત ડિપાર્ટમેન્ટ ઓફ ઍટોમિક એનર્જીના લગભગ ૨૦૦ સ્ટાફ-મેમ્બર્સ જોઈ રહ્યા હતા. તેમની અત્યારની અવસ્થા જોઈને આર્કિમિડીઝ યુરેકા… યુરેકા… બોલીને કેવી રીતે રસ્તા પર દોડ્યા હશે તેની કલ્પના ન કરી શકાય.
ડિરેક્ટર ઓફ ઍટોમિક એનર્જીના સેક્રેટરી રંજન કુમારના વાળ વિખરાયેલા હતા. આંખ પર ડાબલા જેવા ચશ્માં ચડાવેલા હતા. સફેદ કુરતા પર તેમણે કાળા રંગનો કોટ ચડાવેલો હતો અને નીચે ધોતી પહેરી હતી. આખા બેંગલોરમાં તેમને ધુની તરીકે ઓળખવામાં આવતા હતા, પરંતુ વિજ્ઞાની તરીકે તેમના જ્ઞાન બદલ ફક્ત બેંગલોર જ નહીં, આખા દેશમાં તેમનું સન્માન થતું હતું.
અમોલ પાઠક અને શ્રૃતિ મહેતા બંને અંડર સેક્રેટરી રંજન કુમારને ઉત્સાહમાં કૂદતા જોઈને પોતાની બેઠક પરથી ઊભા થઈ સીધા કેબિન તરફ દોડ્યાં. સામાન્ય રીતે અત્યંત શાંત સ્વભાવના રંજન કુમારને આવી રીતે નાચતાં-કૂદતાં જોવા એ તેમના માટે મોટું આશ્ર્ચર્ય હતું. દેશના ટોચના વિજ્ઞાનીઓમાં જેમની ગણતરી થતી હોય એવા રંજન કુમારને આવી રીતે નાના બાળકની જેમ કૂદતાં જોઈને બધાની આંખો ફાટી રહી હતી.
મને પહેલાંથી લાગતું હતું કે ચંદ્ર પરની ચમક સામાન્ય નથી. જુઓ આ અહેવાલ, દોડીને કેબિનમાં ધસી આવેલા અમોલ અને શ્રૃતિને સંબોધીને રંજન કુમારે કહ્યું. ચંદ્ર પરથી લાવવામાં આવેલી માટીના રાસાયણિક વિશ્ર્લેષણનો તે અહેવાલ હતો. આ અહેવાલમાં એવું તે શું હતું તે અમોલને સમજાયું નહીં. આ અહેવાલ રંજન કુમારની કેબિનમાં મૂકતાં પહેલાં તેણે પણ તેના પર એક નજર તો મારી જ હતી.
શ્રૃતિ પણ વિસ્ફારિત નજરે એક પળે રંજન કુમાર સામે અને બીજી પળે અમોલ તરફ જોઈ રહી હતી. તેને કશું જ સમજાતું નહોતું. અત્યારે રંજન કુમાર તેને એકદમ ધુની લાગતા હતા.
પોતાની સામે ઊભેલા બંને યુવા વિજ્ઞાનીઓ બાઘાની જેમ પોતાની સામે જોઈ રહ્યા છે તે રંજન કુમારના ધ્યાનમાં આવ્યું અને પછી પોતાના પર જ હસવું આવ્યું. આ બંનેને જ્યારે કશું સમજાયું જ નથી તો તેઓ કેવી રીતે પ્રતિક્રિયા આપશે એ સમજાતા રંજન કુમારે બંનેને બેસવા કહ્યું અને ઉમેર્યું કે ચંદ્ર કેમ ચમકે છે ખબર છે? અમેરિકાથી આવેલા આ અહેવાલમાં શું આવ્યું છે તે તમને ખબર પડી? અહેવાલમાં સમજ પડી કે નહીં. અત્યાર સુધી બધા માનતા હતા કે ચંદ્રની ચમક માટે ચાંદી કે પછી પારો જવાબદાર હશે, પરંતુ મને લાગતું હતું કે આ કશું બીજું છે અને મારી શંકા સાચી પુરવાર થઈ છે. ચંદ્ર પર યુરેનિયમ અને થોરિયમના વિશાળ જથ્થા છે. અત્યારે તો આપણી પાસે દક્ષિણ તરફી માટીનો અહેવાલ છે, પરંતુ મને ખાતરી છે કે ઉત્તર તરફની માટીમાં પણ આપણને આ બંને ધાતુના વિશાળ જથ્થા મળી આવશે.
બીજી તરફ વોશિંગ્ટન ડી.સી.માં આવેલા નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ના મુખ્યાલયમાં પણ આ જ અહેવાલને લઈને ચર્ચા ચાલી રહી હતી. ચંદ્ર પર આટલા મોટા જથ્થામાં યુરેનિયમ અને થોરિયમ હોવાનો પુરાવો હવે મળી ગયો હતો. આ બંને ધાતુનું મહત્ત્વ અમેરિકાના વિજ્ઞાનીઓ ન સમજે એટલા નાદાન તો નહોતા. આખી પૃથ્વી પર થોરિયમ અને યુરેનિયમનો ઘણો ઓછો જથ્થો હજી સુધી હાથ લાગ્યો હતો, પરંતુ અત્યારે મળેલા અહેવાલ મુજબ ચંદ્ર પર આ જથ્થો ઘણો મોટા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા હતા. યુરેનિયમ અને થોરિયમની ધાતુ શ્ર્વેત-શ્યામ એટલે કે સિલ્વર-ટુ-ગ્રે જેવા રંગની હોય છે અને તેને કારણે ચંદ્રની સપાટી ચમકીને પ્રકાશ રેલાવી રહી હતી તે હવે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું હતું, પરંતુ આ નવી શોધખોળની કેવી અસરો થવાની હતી તેની કલ્પના પણ નાસાના કે ડીએઈના અધિકારીઓને નહોતી. તેમને માટે તો આ ઘણી મોટી શોધ હતી અને તેને ઈન્ટરનેશનલ સાયન્સ કાઉન્સિલમાં રજૂ કરવાની હતી. અત્યારે જે વસ્તુની જાણ ફક્ત બે સંસ્થા સુધી મર્યાદિત હતી તે ઈન્ટરનેશનલ સાયન્સ કાઉન્સિલને જાણ કર્યા બાદ આખી દુનિયાને ખબર પડી જવાની હતી. બધાને એવું લાગી રહ્યું હતું કે નવી શોધની જાણ ફક્ત બે જ દેશો પાસે છે, પરંતુ આ રહસ્ય અન્ય કેટલાક લોકો પણ જાણતા હતા. (ક્રમશ:)

 

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -