યુરેનિયમના ભંડારોને ખતમ કરવા માટે અત્યારે આપણી પાસે વાતાવરણ નથી એ સૌથી મોટી મુશ્કેલી છે. ઓક્સિજન, હાઈડ્રોજન, ઓઝોન, નાઈટ્રોજન અને કાર્બનડાયોક્સાઈડ જેવી કોઈ વસ્તુ નથી જે આ બધા ભંડારોના નાશમાં આપણને મદદરૂપ થઈ શકે, પાર્થોએ કહ્યું
વિપુલ વૈદ્ય
ચંદ્ર પર ચારેય દેશના ટોચના વિજ્ઞાનીઓ ભેગા થઈને શું કરી રહ્યા છે તેની જાણકારી તેમની સાથે આવેલા અન્ય લોકોને નહોતી. તેઓ અત્યારે તેમને સોંપવામાં આવેલા કામમાં વ્યસ્ત હતા.
અહીં પાર્થો અને જોન સ્વીપર પોતાના મગજને કસીને વિચાર કરી રહ્યા હતા કે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કરવું. બંનેમાંથી કોઈ પણ એવું ઈચ્છતું નહોતું કે ચંદ્ર પર રહેલા સેંકડો ટન યુરેનિયમ અને પ્લુટોનિયમ જેવી ધાતુનો કબજો જમાવીને તેનો દુરુપયોગ કરે, પરંતુ અત્યારે એવો કોઈ રસ્તો જણાઈ રહ્યો નહોતો કે તેમના દેશને આવું કરતાં રોકી શકાય.
મારા મગજમાં એકમાત્ર રસ્તો આવ્યો છે. અહીં રહેલા યુરેનિયમ અને પ્લુટોનિયમનો નાશ કરી દેવામાં આવે તો આપણા દેશોની વિનાશક પ્રવૃત્તિઓને રોકી શકાય, પરંતુ આવું કરવા માટે શું કરવું તેની યોજના ઘડવી પડશે.
પ્લુટોનિયમ તો પૃથ્વીના વાતાવરણમાં ખુલ્લું મૂકી દેવામાં આવે તો સફેદ રેતી જેવું થઈ જશે, પરંતુ તેનો કિરણોત્સર્ગ ખતમ નહીં થાય અને તેને ફરી શુદ્ધ કરીને ઉપયોગ કરી શકાશે.
બીજી તરફ યુરેનિયમનો નાશ તો વધુ મુશ્કેલ હતો. આવી સ્થિતિમાં આટલા મોટા જથ્થાનો નાશ કરવો કેવી રીતે તેનો વિચાર ચાલી રહ્યો હતો.
વિક્રમે કહ્યું કે ‘અત્યારે જે સમસ્યા છે તેનું નિરાકરણ કદાચ અનુપ સર કે રંજન સર પાસે મળી શકે, પરંતુ તેમને પૂછી શકાય એમ નથી.’
‘આવો સવાલ જ તેમને આપણે બગાવત કરવા માટે પ્રેરાઈ રહ્યા છીએ એવી શંકા કરાવવા માટે પૂરતો છે. એક વખત આ શંકા જાગી તો પછી આપણે માટે સ્થિતિ મુશ્કેલ બની જશે.’
‘વિક્રમ, અમારા દેશમાં એક ભૂસ્તરશાસ્ત્રી છે કુર્ચાટોવ તેમને આ સવાલ કરીએ તો આપણને સાચો જવાબ મળી શકે, પરંતુ તેમને પણ પૂછી શકાય એમ નથી.’
‘પાર્થો અને વિક્રમ, એમ તો અમારા દેશના આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત વિજ્ઞાની હ્યુ રેન્યુ પણ આ સવાલનો ચોક્કસ જવાબ આપી શકે એમ છે, પરંતુ તેમને આ સવાલ કરવો કેવી રીતે?’
‘અત્યારે હવે આપણે આપણા રસાયણિક જ્ઞાનનો ઉપયોગ કરીને આ સંકટનો નિકાલ કેવી રીતે કરવાનો છે તે શોધી કાઢવાનું છે.’
જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી યુરેનિયમને ખતમ કરવામાં આવે તો તેની પ્રક્રિયામાં પહેલાં યુરેનિયમ ૨૩૮માંથી તે રેડિયમ-૨૨૬ બનશે અને તેમાંથી રેડોન-૨૨૨ અને રેડોન-૨૨૨માંથી પોલોનિયમ ૨૧૦ બનીને છેવટે સીસામાં પરિવર્તિત થઈ જશે. જોકે આ બધા માટે ઓછામાં ઓછા લાખો વર્ષ લાગે.
‘વિક્રમ, તારી જાણકારી એકદમ બરાબર છે. યુરેનિયમને ખતમ કરવાનો બીજો રસ્તો છે કે થોરિયમની સાથે યુરેનિયમની પ્રક્રિયા કરવામાં આવે તો બધા યુરેનિયમની પ્રક્રિયા થઈને યુરેનિયમ-૨૩૮ બનશે અને તે એક ન્યુટ્રોન ગ્રહણ કરીને યુરેનિયમ-૨૩૯માં પરિવર્તિત થશે અને એક ઈલેક્ટ્રોન ગુમાવીને તે નેપ્ચ્યુનીયમ-૨૩૯ બની જશે અને ત્યાંથી તે પ્લુટોનિયમ-૨૩૯ બની જશે. પ્લુટોનિયમ અત્યંત અસ્થિર હોવાથી તે ફક્ત આઠ વર્ષમાં ખતમ થઈ જશે.’
‘જોન, આપણી પાસે આઠ વર્ષનો સમય નથી. કોઈ ઝડપથી કામ કરે એવો રસ્તો દેખાડો.’
‘વિક્રમ અને જોન, તમારી પરવાનગી હોય તો હું કશું કહું? યુરેનિયમ ધાતુની સાથે ઓક્સિજનનું પ્રમાણ એકદમ ઓછું હોય એવા પાણીની સાથે ભેળવવામાં આવે તો યુરેનિયમ ડાયોક્સાઈડ બનશે અને પછી હાઈડ્રોજન છૂટો પડશે. પછી તેનો હાઈડ્રાઈડ બની જશે નહીં તો અહીં પડેલું પ્લુટોનિયમ હાઈડ્રોજન સાથે પ્રક્રિયા કરીને હાઈડ્રાઈડ બનાવી નાખશે. યુરેનિયમ ડાયોક્સાઈડ આપણા માટે સાવ નકામો છે. તેનો વધુમાં વધુ અણુ રિએક્ટરમાં રોડ લગાવવામાં ઉપયોગ કરી શકાય. બીજું પ્લુટોનિયમ ઝડપથી હાઈડ્રોજન સાથે પ્રક્રિયા કરીને પોતાની જાતને ખતમ કરતો જશે.’
‘વાંગ ડાહેંગ, તારી વાતમાં થોડું વજુદ લાગી રહ્યું છે. આ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે યુરેનિયમ ડાયોક્સાઈડ સ્થિર પદાર્થ છે અને તે અણુશસ્ત્રો માટે કોઈ કામનો નથી. બીજું વધારાનો હાઈડ્રોજન તો યુરેનિયમ અને પ્લુટોનિયમ બંનેનો દુશ્મન છે. બંનેને ખતમ કરવામાં તેનું મહત્ત્વનું યોગદાન રહેશે.’
‘જોન, હોશમાં આવ. પહેલાં એ વિચાર કરો કે એનોક્સિક પાણી તમે લાવશો ક્યાંથી? આવું પાણી પૃથ્વી પર ઝરણામાં મળી શકે. અત્યારે આપણી આસપાસ જે વસ્તુઓ છે એમાંથી આ સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો.’
પાર્થો, તારી વાત સાચી છે. અત્યારે આપણે આસપાસમાં રહેલી વસ્તુઓમાંથી જ કોઈ રસ્તો કાઢવો પડશે. એક વાત સાચી છે કે આપણે યુરેનિયમ અને પ્લુટોનિયમના આ ભંડારોને ખતમ કરી નાખવા છે, જોન સ્વીપરે કબૂલ કર્યું.
આ ભંડારોને ખતમ કરવા માટે અત્યારે આપણી પાસે વાતાવરણ નથી એ સૌથી મોટી મુશ્કેલી છે. ઓક્સિજન, હાઈડ્રોજન, ઓઝોન, નાઈટ્રોજન અને કાર્બનડાયોક્સાઈડ જેવી કોઈ વસ્તુ નથી જે આ બધા ભંડારોના નાશમાં આપણને મદદરૂપ થઈ શકે, પાર્થોએ કહ્યું ત્યારે તેના અવાજમાં હતાશા સ્પષ્ટ રીતે દેખાઈ આવતી હતી.
એક મિનિટ, અમે જોઈએ એટલો ઓક્સિજન તૈયાર કરી શકે એવું મશીન લાવ્યા છીએ. પાંચ ટન-દસ ટન સુધી ઓક્સિજન અમે તૈયાર કરી શકીએ છીએ, જોને કહ્યું એટલે તરત જ વિક્રમે જવાબ આપ્યો કે ‘એમ તો અમે પણ બે-એક ટન ઓક્સિજન તૈયાર કરવાની મશીનરી લાવ્યા છીએ. કદાચ પાર્થો અને વાંગ પાસે પણ બે-ચાર ટન ઓક્સિજન કરવાની તૈયારી હશે. પરંતુ એનાથી કશું નહીં થાય અહીં મુક્ત કરશો તો વાતાવરણમાં ક્યાં ખોવાઈ જશે ખબર પણ નહીં પડે.’
‘એક મિનિટ મને કશું યાદ આવ્યું. અમે લોકો પાંચેક ટન જેટલું વધારાનું કેમિકલ ફ્યુઅલ લઈને આવ્યા છીએ જેથી કોઈ સમસ્યા સર્જાય તો તેનો ઉપયોગ કરી શકાય. આ કેમિકલ ફ્યુઅલમાં હાઈડ્રોકાર્બન સહિત એવા ઘણા રસાયણો છે, જેનો ઉપયોગ આપણે કરી શકીએ.’
જોન, અમે પણ કેમિકલ ફ્યુઅલ લઈને જ આવ્યા છીએ અને કદાચ ચીનનું અવકાશયાન પણ કેમિકલ ફ્યુઅલ પર જ ચાલતું હશે અને તેઓ પણ લઈને આવ્યા હશે, પાર્થોએ જવાબ આપ્યો.
કેમિકલ ફ્યુઅલનો વિચાર સારો છે, હું જોઉં કે કેમિકલ ફ્યુઅલ સાથે તેનું રિએક્શન કેવી રીતે થશે પછી આપણે કોઈ નક્કર યોજના બનાવીએ. અત્યારે ઘણો સમય થઈ ગયો છે. પાછા નહીં જઈએ તો આપણા અન્ય સાથીઓને આપણી પ્રવૃત્તિ પર શંકા થઈ શકે છે, જોન સ્વીપરે કહ્યું.
તેની ચિંતા એકદમ સાચી હતી. જોનની સાથે આવેલો પ્રેસિડેન્ટનો ખબરી ક્યારનો ઊંચો નીચો થઈ રહ્યો હતો કે જોન સ્વીપર હજી સુધી કેમ પાછો આવ્યો નથી.
બીજી તરફ વાંગ ચાંગ અને અન્ય વિજ્ઞાનીઓને પણ વાંગ ડાહેંગની ગેરહાજરી ધ્યાનમાં આવી હતી. જેવો વાંગ અવકાશયાન પાસે પહોંચ્યો કે તેને સવાલ કરવામાં આવ્યો કે ક્યાં હતો? તેણે બહાનું કર્યું કે બીજે ક્યાંય યુરેનિયમ મળે તો તે શોધવા માટે ઉત્તર દિશામાં ગયો હતો કેમ કે આપણે તે તરફ ગયા નહોતા.
અનુપમ અને વિક્રમ એકલા પડ્યા એટલે તેઓ વાતે વળગ્યા.
વિક્રમ, મારી ભૂલ છે. આ વીજળીને વાહક વગર વહન કરવાની મારી જડતા અને શોધને કારણે જ આ પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યારે મને રંજન કુમાર સરની વાત યાદ આવી રહી છે. તેમણે મને છેલ્લે એટલું કહ્યું હતું કે મેં જે કર્યું હતું તે તારા સારા માટે કર્યું હતું. તારા પર નજર હતી. અત્યારે તે સંભવિત જોખમ વરવું સ્વરૂપ ધારણ કરીને આવ્યું છે.
અનુપમ, તારી જાતને દોષ આપવાનું બંધ કર. અત્યારે એવો વિચાર કરીએ કે આપણી ત્રણ બેટરીઓ ભરાઈ ગઈ છે તો ચોથી બેટરી ભરાય એટલે જઈને પૃથ્વી પર વીજળી મોકલવા માટે કેવી રીતે જશે અને ભ્રમણકક્ષામાં ક્યાં રહીને વીજળી મોકલી શકશે.
————-
હવે શું?
મેં નક્કી કરી નાખ્યું છે કે કેવી રીતે આખી દુનિયાને સંકટમાંથી ઉગારી લેવી અને મારી યોજના પર હું અડગ છું. આપણે ચારેય લોકોએ કાલે ચંદ્રને અંતિમ વિદાય કરી દેવાની છે અને પછી કાયમનું સંકટ ટળી જશે. માનવ જાતિ બચી જશે, અનુપમ અત્યારે બધાને અત્યંત ગંભીરતાથી કહી રહ્યો હતો